એક પંખીએ સમુદ્ર કિનારે ઈંડા મુક્યા અને હજી બચ્ચા ઈંડામાંથી બહાર આવ્યા હતા ત્યાં સમુદ્રની એક લહેર આવી અને બચ્ચા સાથે તાણી ગઈ.પંખી રડવા લાગ્યું અને રડી લીધા બાદ આંસુ લુછી તેને સમુદ્ર જોડે વેર લેવાનું નક્કી કર્યું અને તે પંખીનું જોડું સમુદ્રનું પાણી ચાંચમાં ભરીને કિનારે રેતીમાં ફેંકવા લાગ્યું. તેમને આમ કરતા જોઈ બીજા થોડા પંખીઓ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા આ શું કરો છો.પંખીના જોડાઈ રડતા રડતાં કહ્યું, ‘આ સમુદ્રએ અમારા બચ્ચાં ડુબાડી દીધા હવે અમે આ સમુદ્રને સુકવી નાખશું…’ આ સાંભળી બીજા પંખીઓ હસવા લાગ્યા અને બોલ્યા, ‘આ રીતે કઈ સમુદ્ર થોડો સુકાય …આમ તો તમારું આખું જીવન પૂરું થઇ જશે પણ સમુદ્ર નહિ સુકાય..’
પંખીઓનું જોડું તો પોતાનું કામ કરતા બોલ્યું, ‘સાથીઓ, આજે અમારી સાથે થયું છે કાલે તમારી સાથે પણ આવું થઇ શકે છે એટલે આપવો હોય તો સાથ આપો તમારી સલાહનું કઈ કામ નથી…’ આ સાંભળી બીજા પંખી પણ સાથે જોડાઈ ગયા. બીજા પંખીઓ સમજાવવા આવ્યા તો બધાએ તેમને પણ કહ્યું, ‘સલાહ નથી જોઈતી સાથ જોઈએ છે..’ અને બીજા પંખીઓનો પણ સાથ મળતો ગયો.બધા પંખીઓ જોડાવ લાગ્યા એટલે વિષ્ણુ ભગવાનના વાહન ગરુડજીએ વિચાર્યું કે મારે પણ મારા જાતભાઈઓ પંખીઓનો સાથ આપવો જોઈએ.
એટલે તેઓ પણ તેમને સાથ આપવા નીકળ્યા.ગરુડજીને ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘ગરુડ , ત્યાં વ્યર્થ કાર્ય થઇ રહ્યું છે.પંખીઓ કઈ ચાંચમાં પાણી ભરી સમુદ્રને સુકવી શકવાના નથી.’ ગરુડજીએ હાથ જોડી ભગવાનને કહ્યું, ‘પ્રભુ સલાહ નથી જોઈતી ,આપવો હોય તો સાથ આપો.’ પોતાના પ્રિય સેવકની માગણી ભગવાન કઈ રીતે ઠુકરાવી શકે.તેઓ પણ સમુદ્ર સૂકવવા માટે પંખીઓનો સાથ આપવા ગયા.
પ્રભુને પધારેલા જોઈ સમુદ્ર ડરી ગયો.અને માફી માંગવા લાગ્યો. છે તો આ એક કાલ્પનિક કથા પણ આ કાલ્પનિક કથા પરથી ઘણું સમજવાનું છે પહેલું ‘કોઈપણ કાર્યમાં સલાહ નહિ સાથ આપો.’ ….બીજું ‘કોઇપણ અશક્ય લગતા અઘરા કાર્યની નાની શરૂઆત પણ ધીમેધીમે સફળતા તરફ લઇ જાય છે.’ ….ત્રીજું ‘પૂર્ણ શ્રધ્ધા અને લગન થી કોઈપણ કાર્ય કરતા રહો અને તો તેમાં પ્રભુનો સાથ ભલે તો સફળતા ચોક્કસ મળે છે.’