Charchapatra

પુષ્પગુચ્છ નહિ આપો….

એક ઊંચાઇ હાંસલ કરવી એ પણ મહેનત તથા મથામણનું કામ છે. એનાથી પણ વધુ મુશ્કેલ મળેલ ઊંચાઇ, નંબરને ટકાવી રાખવાનું છે. સૂર્યપુત્રી તાપી કિનારે વસેલ સુરત શહેરએ નીભાવી શકયું. વીસમી સદીના ઉત્તરાર્ધનું આપણું શહેર મચ્છરના ત્રાસથી બણબણતું, ગંદુ, માથા પર મેલુ ઉપાડતું અનેક રીતે અગવડો ભોગવતું શહેર, પણ, આ લખનારે જોયું છે. ધીમે ધીમે ઘણું પરિવર્તન આવ્યું. સતત બીજા વર્ષે સ્વચ્છ  શહેર બીજા નંબરનું જાહેર થયું. ગૌરવની વાત છે. સુરતીઓ અને લાગતાં વળગતા કર્મચારી અભિનંદનને પાત્ર. આ માટે કોર્પોરેશનના કમિશ્નર, મેયર, એ વિભાગના કર્મચારીઓની કાળજી ધન્યવાદને પાત્ર છે.

જેમના કારણે ‘સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ ૨૦૨૧’ દ્વિતિય નંબરનો મુકુટ -તેનું મોરપીચ્છ ફરી ઉમેરાયુ. શ્રેણીમાં ૫ સ્ટાર સિટી રેટિંગ સુધ્ધા મળ્યું. એક નાનકડો પ્રસંગ નોંધવાની લાલચ નથી રોકી શકતો. ગત ૧૫ ઓગસ્ટની સાંજે મેયર હેમાલીબેન બોઘાવાળાને અડાજણ શાંતિકુંજ પરિવારે નિમંત્રયા હતા. પોતાના મંતવ્યમાં તેમણે જણાવ્યું હતું. મને દોઢસો કે સો રૂપિયાનો પુષ્પગુચ્છ ન આપો. પરંતુ એટલી રકમનું ખાવાનું આપશો તો હું ગરીબો, જરૂરિયાતમંદોને વહેંચીશ. પેલો પુષ્પગુચ્છ થોડા કલાકમાં કરમાઇ જશે. એમના મંતવ્યને ઉમદા વિચારને સભાસદોએ તાળીઓથી વધાવ્યુ હતુ.
સુરત     – કુમુદભાઇ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top