સમગ્ર મનુષ્યજીવ સતત શાંતિની ઝંખના સેવે છે. વિવિધ રાષ્ટ્રો દ્વારા શાંતિ અને સ્થિરતા સ્થાપવા ભગીરથ પ્રયાસો આચરવામાં આવે છે. શાંતિ પરિષદોનું આયોજન કરી શાંતિ કરારો ઘડવામાં આવતા હોય છે. તેમ છતાં શાંતિ એ આપણું શમણું અને યુદ્ધો એ વાસ્તવિકતા બની છે. યુદ્ધો એ કદી કલ્યાણકારી બાબત બની નથી. યુદ્ધોનો ઈતિહાસ એ બાબતની સાક્ષી પૂરી પાડે છે કે યુદ્ધમાં અસંખ્ય માનવ ખુવારીની ઘટના બની છે. લોહીયાળ જંગમાં વિશ્વ સમુદાયને દરેક ક્ષેત્રે ફાયદા કરતા નુકસાન વિશેષ પહોંચ્યું છે.
વિશ્વ યુદ્ધોમાં અમર્યાદિત માલહાનિ, જાનહાનિના વિનાશ પછી પણ યુદ્ધ ન કરવાનો બોધ ગ્રહણ મનુષ્ય પ્રાપ્ત કરતો નથી. ગલ્ફ યુદ્ધ હોય કે યુક્રેનની લડાઈ હોય એ માત્ર તબાહીનું કારણ છે, પ્રશ્નોનું નિરાકરણ તો નથી જ. કોઈપણ સમસ્યાનો ઉપાય મૈત્રી અને સમજદારીપૂર્વક કરવામાં આવે તો જ હિતકારી ગણાય. યુદ્ધ કરવાથી એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનો દુશ્મન બને છે. વૈર વામનશ્ય વધે છે. પરિણામે બંને દેશોના નાગરિકોને પારાવાર નુકસાન થાય અને તેમના વિકાસ પ્રગતિમાં વિક્ષેપ થાય. માનવીએ અદ્યતન વિનાશકારી શસ્ત્રોનું સર્જન કરી ખરેખર સમગ્ર જીવસૃષ્ટિને ભયના દ્વાર પર ખડી કરી દીધી છે.
મિસાઈલો, અણુંબોબ તથા યુદ્ધના હવાઈ જહાજોનું નિમાર્ણ એ વિનાશ નિમંત્રિત કરવાની બાબત છે. માનવીએ જિંદગીની દિશાને એવી દશામાં રૂપાંતરીત કરી દીધી છે કે તેમના માટે વિશ્વમાં યુદ્ધો જીતવા સરળ અને શાંતિ સ્થાપવી એ કઠીન હકીકત રચી દીધી છે. શાંતિ સ્થાપવાનું પ્રથમ ચરણ તો એ છે કે વિશ્વમાં યુદ્ધના તમામ – શસ્ત્રોને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા. આ જગતને જંગની જરૂર નથી, પણ જંપની જરૂર છે.
એકલેરા – ભાણોન્દ્રા – હનિફ એ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.