Columns

ઘમંડ ન કરો

ચોક એક ફકીર એક શાહી કબ્રસ્તાનમાંથી પસાર થતા હતા.અંધારી રાત હતી. તેમનો પગ એક ખોપડીને લાગ્યો.ફકીર ડરી ગયો અને તે ખોપડીને જોઇને તે ઘડી ઘડી ખોપડીને પગે લાગવા લાગ્યો અને હાથ પગ જોડી માફી માંગવા લાગ્યો. તે ખોપડીને પોતાની સાથે લઈને ઘરે લઇ ગયો અને સવાર સાંજ તેની માફી માંગતો રહેતો.બધા એમ કહેવા લાગ્યા કે આ ફકીર પાગલ થઈ ગયો છે. ફકીર નગરના ચોકમાં ખોપડીને વચ્ચે મૂકી વારંવાર તેને નમન કરી માફી માંગવા લાગ્યો.ફકીરને આવું કરતાં જોઇને લોકો ભેગાં થઇ ગયાં. લોકો તેને કહેવા લાગ્યા કે, ‘ફકીર, આ પાગલપન છોડ. શું ખોપડીથી માફી માંગ માંગ કરે છે.’

ફકીર બોલ્યો, ‘અરે માફી તો માંગવી જ પડે. આ શાહી કબ્રસ્તાનમાં દાટેલા માણસની ખોપડી છે એટલે વર્ષો પહેલાં આ માણસ શાહી સિંહાસન પર બેસતો હશે અને જો એ માણસ જીવિત હોત અને તેના માથા પર મારો પગ લાગત તો મારી શું હાલત થાત, આ તો મારું નસીબ છે કે તે માણસ જીવિત નથી મરી ગયો છે.પણ મારે તેની ક્ષમા તો માંગવી પડે ને..’ લોકો હસવા લાગ્યાં અને બોલવા લાગ્યાં, ‘ફકીર પાગલ થઇ ગયો છે.આ માણસ મરી ગયો છે. હવે તે કેટલો પણ ઉચ્ચ સિંહાસન પર બેસતો હશે, હવે તે શું કરી શકે તેની માફી માંગવાની શું જરૂર છે?’

ફકીર આ સાંભળી જોરજોરથી હસવા લાગ્યો અને બોલ્યો, ‘હું પાગલ નથી. હું આ માણસને અને તમને બધાને એક વાત સમજાવવા માંગું છું.આ મરેલો માણસ અને તેની આ ખોપડી જયારે સિંહાસન પર બેસતી હશે ત્યારે પોતાની પર કેટલું ઘમંડ કરતી હશે અને આજે મૃત્યુ બાદ તેની ખોપડીને એક ફકીરનો પગ લાગ્યો તે ઉફ પણ કરી શકતી નથી અને  તે જીવતો હશે તો લોકો એને ઝૂકી ઝૂકીને સલામ કરતા હશે. આજે લોકો જ બોલે છે કે મરેલા માણસની ખોપડીની માફી માંગવાની કોઈ જરૂર નથી.એટલે ક્યાં ગયું આ ખોપડીનું માન સન્માન અને અહંકાર? અને તમે બધા આજે જીવતાં માણસો પણ આ વાત પરથી શીખી લો કે તમે જે પદ કે સ્થાન પર છો તેનો અહંકાર ન કરો.આજે નહીં ને કાલે બધાની મંઝિલ મૃત્યુ છે ને મૃત્યુ બાદ તમારાં પદ,પ્રતિષ્ઠા ,અહંકાર, રૂઆબ કોઈની કોઈ કિંમત નથી.’ ફકીરે બધાને ક્યારેય ઘમંડ ન કરવો તે વાત ચોટદાર રીતે સમજાવી.   
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top