ભારતના ન્યાયતંત્રમાં દેર છે, પણ અંધેર નથી. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને તેના શરૂ થયાનાં લગભગ ૬ વર્ષ પછી ગેરબંધારણીય જાહેર કર્યું છે. ત્યાં સુધીમાં રાજકીય પક્ષો દ્વારા તેનો ભરપૂર લાભ લઈ લેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ દાન ચૂંટણી બોન્ડ દ્વારા મેળવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા ૧,૦૩૨ કરોડ રૂપિયા મળ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસને રૂ. ૫૨૮ કરોડ અને કોંગ્રેસને રૂ. ૨૩૬ કરોડ મળ્યા હતા. ચૂંટણીનાં વર્ષમાં બોન્ડ દ્વારા દાન એકત્રિત કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને કલમ ૧૯ (૧) (એ)નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા ચૂંટણી બોન્ડની વિગતો રજૂ કરશે.
૨૦૧૭ના બજેટમાં ચૂંટણી બોન્ડની યોજના શરૂ કર્યા પછી રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી ૧૬ હજાર કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આમાં ભાજપનો સૌથી વધુ હિસ્સો છે. ચૂંટણી પંચ અને ADR અનુસાર, ભાજપને આ દાનમાંથી ૫૫ ટકા એટલે કે ૬,૫૬૫ કરોડ રૂપિયા મળ્યા છે. વર્ષ ૨૦૧૮ થી છેલ્લાં નાણાંકીય વર્ષ સુધી તમામ રાજકીય પક્ષોને ૧૨ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. વર્ષ ૨૦૧૮માં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા ૧,૪૫૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
તે જ સમયે કોંગ્રેસને ૩૮૩ કરોડ રૂપિયા અને તૃણમૂલ કોંગ્રેસને ૯૭.૨૮ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. ૨૦૧૯ માં ભાજપને ૨,૫૫૫ કરોડ રૂપિયા મળ્યા હતા. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. વર્ષ ૨૦૨૦ માં કોવિડને કારણે ચૂંટણી બોન્ડ્સમાંથી મળેલા દાનમાં ઘટાડો થયો હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં ભાજપને ૨૨.૩૮ કરોડ રૂપિયા, કોંગ્રેસને ૧૦.૦૭ કરોડ રૂપિયા અને TMCને સૌથી વધુ ૪૨ કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડની યોજના ગેરબંધારણીય ઠરાવી તે પછી આ રૂપિયા રિફન્ડ કરવામાં આવશે નહીં.
જ્યારે કોઈ ચૂંટણી બોન્ડ ન હતા ત્યારે રાજકીય પક્ષોને ચેક દ્વારા કે રોકડમાં દાન આપવામાં આવતું હતું. જો રોકડ દાન ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો પક્ષના નેતાઓએ ચૂંટણી પંચને દાતાનાં નામ અને રકમની માહિતી આપવાની રહેતી હતી. તેને કારણે રાજકીય પક્ષોને મળતું મોટા ભાગનું દાન ૨૦,૦૦૦ રૂપિયાથી ઓછું રહેતું હતું. જો કોઈ દાતા ધારો કે લાખ રૂપિયાનું દાન આપે તો ગમે તે નામે ૨૦-૨૦ હજાર રૂપિયાની રસીદો ફાડી કાઢવામાં આવતી હતી, જેમાં સરનામાં લખવામાં આવતાં નહોતાં.
લગભગ ચાર દાયકા પહેલા પક્ષના કાર્યકરો પાસે રસીદ બુકો રહેતી હતી. કાર્યકરો આ પુસ્તક લઈને ઘરે ઘરે જઈને લોકો પાસેથી દાન એકત્રિત કરતા હતા. ચૂંટણી બોન્ડ નાબૂદ થયા પછી પણ પક્ષો પાસે અન્ય માર્ગો છે, જેનાથી તેઓ પૈસા કમાઈ શકે છે. તેમાં રોકડ દાન ઉપરાંત ક્રાઉડ ફંડિંગ અને સભ્યપદમાંથી આવતા નાણાંનો સમાવેશ થાય છે. જો ચૂંટણી બોન્ડની યોજના રદ્દ કરવામાં આવી છે તો રાજકીય પક્ષોના નેતાઓ બે નંબરમાં દાન મેળવવા માટેની યોજના તેમના ફળદ્રુપ ભેજામાંથી શોધી કાઢશે તે પણ નક્કી છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ ૨૦૧૯માં ચૂંટણી બોન્ડ સામે અરજી દાખલ કરી હતી. એડીઆરએ તેની અરજીમાં તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. એડીઆરએ કહ્યું કે આ બોન્ડ ચૂંટણી સુધારા તરફ એક ખોટું પગલું છે. આ કેસ ૪ વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહ્યો હતો. બંધારણીય બેન્ચે નવેમ્બર ૨૦૨૩માં આ અંગે સુનાવણી કરી હતી. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સમગ્ર મામલાની ૩ દિવસ સુધી સુનાવણી કરી અને ૨ નવેમ્બર ૨૦૨૩ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કુલ ૧૦૫ દિવસની સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપ્યો છે.
ઈલેક્ટોરલ બોન્ડ પર સુનાવણી દરમિયાન ADR તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે તેને લાંચ ગણાવી હતી. આ સાબિત કરવા માટે પ્રશાંત ભૂષણે એડીઆરને ટાંકીને કોર્ટમાં રિપોર્ટ પણ દાખલ કર્યો હતો, જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા દાનની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું કે આ સંબંધમાં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર SBI જાણી શકે છે કે કોણે દાન આપ્યું છે. CBI સરકાર હેઠળ છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડના નિયમો જણાવે છે કે ઈડી બેંક પાસેથી ડોનર્સની માહિતી લઈ શકે છે. ઇડી પણ કેન્દ્ર સરકાર હેઠળ છે. જો ઈડી ઈલેક્ટોરલ બોન્ડ વિશે જાણી શકે, જો SBI જાણી શકે, જો સરકાર જાણી શકતી હોય તો સામાન્ય નાગરિક કેમ નહીં?
સુપ્રીમ કોર્ટમાં તેના સમર્થનમાં આપવામાં આવેલી ત્રીજી મહત્ત્વની દલીલ સામાન્ય નાગરિકો સાથે સંબંધિત હતી. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે જે પૈસા આપશે તેના માટે સરકાર કામ કરશે, તો પછી સામાન્ય નાગરિકોનું શું થશે? જો આ પ્રક્રિયા પારદર્શક હશે તો કોર્પોરેટ સેક્ટરનું વર્ચસ્વ ઘટશે. પ્રશાંત ભૂષણે કોર્ટમાં જયંતિલાલ રણછોડદાસ કોટિચા વિરુદ્ધ ટાટા આયર્ન કેસનું ઉદાહરણ આપ્યું હતું. આ કેસમાં જસ્ટિસ છાંગલાએ ટિપ્પણી કરી હતી કે રાજકીય યોગદાન અલગ કાનૂની સંસ્થાનાં હિતોની સેવા કરતું નથી, પરંતુ તેના એજન્ટોના હિતોની સેવા કરે છે.
એડવોકેટ નિઝામ પાશાએ તેમની દલીલમાં કહ્યું હતું કે ચીનની કંપનીઓ પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ડોનેશન લેવામાં આવે છે, પરંતુ તેમને તેની ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ કેવો નિયમ છે? જો ખરીદી પર પ્રતિબંધ છે તો ચીનની કંપનીઓના દાન પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ. પ્રશાંત ભૂષણે આ દલીલના સમર્થનમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી કોર્ટમાં એક પત્ર પણ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી બોન્ડની શરૂઆત સાથે ઉદ્યોગપતિઓ દ્વારા મની લોન્ડરિંગ માટે ઊભી કરાતી શેલ કંપનીઓનાં નાણાં દાન સ્વરૂપે રાજકીય પક્ષોને સરળતાથી ઉપલબ્ધ થશે.
ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ચૂંટણી વર્ષમાં સત્તાધારી ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે તેનાં ૩ મુખ્ય કારણો છે : ૧. ADR મુજબ, વર્ષ ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી ૨,૫૫૫ કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન મળ્યું હતું. આ વર્ષે કોંગ્રેસને માત્ર ૩૧૭ કરોડ રૂપિયા જ મળી શક્યા છે. તેનું કારણ બહુ સ્પષ્ટ હતું કે ભાજપના હાથમાં સત્તા હતી. ૨. ADR મુજબ ભારતીય જનતા પાર્ટીએ કુલ દાનના ૫૨ ટકા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવ્યા છે. આ દાન બાકીના તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ દાન સમાન છે.
૩. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અત્યાર સુધી ચૂંટણી બોન્ડ ખરીદનારા લોકોની યાદી જાહેર કરવામાં આવે. જો ચૂંટણીના વર્ષમાં આ યાદી સાર્વજનિક થઈ જશે તો ભાજપને દાન આપનારા બેનકાબ થઈ શકે છે અને ભાજપ વિપક્ષના હુમલાનો શિકાર બની શકે છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ૧૩ માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ વિશે તેની સત્તાવાર વેબસાઈટ પર માહિતી પ્રકાશિત કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ખબર પડશે કે કઈ કંપની અને કયા લોકો પાસેથી કોને કેટલા રૂપિયા મળ્યા છે. જો તેમાં ધારણા મુજબ અંબાણી અને અદાણી વગેરેનાં નામો બહાર આવશે તો ભાજપને મૂંઝવણનો સામનો કરવો પડશે.