અયોધ્યા: અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં રાલ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રથમ દિવસે મંગળવારે ભક્તો દ્વારા 3.17 કરોડ (Crore) રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Ram Janmabhoomi Teerth Kshetra Trust) ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના (Life Prestige) દિવસે 10 ડોનેશન કાઉન્ટર (Donation Counter) ખોલવામાં આવ્યા હતા. જેમજ 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી ભક્તોએ ડોનેશન કાઉન્ટર અને ઓનલાઈન દાનના રૂપમાં રૂ. 3.17 કરોડનું દાન આપ્યું હતું.
મિશ્રાએ કહ્યું કે 23 જાન્યુઆરીએ પાંચ લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યારે ગઇકાલે બુધવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી 2.5 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. બુધવારે મળેલી રકમ બીજા દિવસે ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે દર્શન વ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ અયોધ્યાની આસપાસના સંઘ કાર્યકર્તાઓને મંદિરની સફાઈની જવાબદારી સ્વીકારવા અને મંદિરના દર્શનમાં સાથે મળીને કામ કરાવવામાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
રામલલાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ
ગઇ કાલે બુધવારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સતત બીજા દિવસે અયોધ્યા મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રામપથ અને મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની લાંબી લાઇનો જોવા મળી હતી. ભારે ઠંડી, ધુમ્મસ અને કાતિલ ઠંડી વચ્ચે લોકો મંદિરની બહાર લાઇનોમાં ઉભા જોવા મળ્યા હતા. આ સાથે જ ભક્તો ‘જય શ્રી રામ’ના નારા લગાવતા જોવા મળ્યા હતા.
મંદિર પરિસરની બહાર RAF અને CRPF તૈનાત
ખાનગી ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેપિડ એક્શન ફોર્સ (RAF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમો મંદિર પરિસરની બહાર તૈનાત કરવામાં આવી છે. અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે કહ્યું હતું, ‘ભક્તોની ભીડ હજી પણ અગણિત છે. અમે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ઇમરજન્સી વાહનો અને નાશવંત સામાન વહન કરતા વાહનોને ફૈઝાબાદમાં પ્રવેશવાની મંજૂરી આપી રહ્યા છીએ. પરંતુ અયોધ્યા શહેરમાં પ્રવેશ હજુ પણ બંધ છે.’