SURAT

સુરતના કોર્પોરેટરે ફોટોના પુરાવા સાથે એવી ફરિયાદ કરી કે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ

સુરત : (Surat) સુરત મનપા (SMC) દ્વારા જુદી જુદી સંસ્થાઓને સામાજિક ઉત્થાનના કાર્યોમાં મદદ મળી રહે તે માટે જુદી જુદી રીતે મદદ કરવામાં આવે છે. પરંતુ તેનો ગેરઉપયોગ પણ થતો હોય છે. આવું જ એક ઉદાહરણ બડેખાં ચકલા ખાતે મનપાએ પ્રગતિ મંડળ નામની સંસ્થાને વિનામૂલ્યે મહિલા ઉત્કર્ષની પ્રવૃતિઓ માટે આજીવન ફાળવણી કરાયેલી મિલકતમાં થયું છે. આ મિલકતમાં મહિલા ઉત્કર્ષની પ્રવૃતિના બદલે ખાનગી વ્યકિતઓ દ્વારા જીમ અને કેરમ, પતાનો જુગાર વગેરે ચાલતું હોવાની ફરિયાદ સ્થાનિક નગર સેવક વ્રજેશ ઉનડકટ દ્વારા કરાયા બાદ આ મિલકતનો કબજો મનપાએ પરત લઇને ત્યાં હવે મેટ્રો પ્રોજેકટના કારણે કપાતમાં જતા રંગઉપવનની ઓફિસ ખસેડવાનું નકકી કર્યું છે.

  • મહિલા ઉત્કર્ષ માટે અપાયેલી બડેખાં ચકલાની મનપાની મિલકતમાં ખાનગી જીમ ચાલતું હતું
  • સ્થાનિક કોપોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા ફોટા સાથે ફરિયાદ થતા જ રાતોરાત તાળા લાગી ગયા
  • મનપા હવે મિલકત પરત લઇને હવે રંગઉપવનની મનપાની વોર્ડ ઓફિસ ત્યાં ખસેડશે

બડેખાં ચકલા ખાતે મનપાની બે માળની મિલકત પ્રગતિ મંડળને વર્ષ 2002માં મહિલા ઉત્કર્ષની પ્રવૃતિઓના હેતુથી વિનામૂલ્યે આજીવન ફાળવણી કરવાનો ઠરાવ કરાયો હતો. જો કે છેલ્લા થોડા વરસોથી અહી મહિલા ઉત્કર્ષને બદલે ભળતી જ પ્રવૃતિઓ જેવી કે પ્રથમ માળે ખાનગી જીમ અને ગ્રાઉન્ડ ફલોર પર કેરમ અને પતાનો જુગાર વગરે રમાતો હતો. જેની જાણ સ્થાનિક નગર સેવક વ્રજેશ ઉનડકટને થતા તેમણે મનપાના સબંધિત અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ થયા બાદ જીમ તો રાતોરાત બંધ કરી દેવાયું હતું પરંતુ અન્ય પ્રવૃતિઓ ચાલુ હતી. આમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હતા.

જોકે, આ સંદર્ભે સતત ચાર વખત રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ પાંચમી વખત તો ફોટાઓ સાથે રજુઆત થતા જ આ મિલકત પર કબજો જમાવનારા તત્વો તાળા મારી ભાગી ગયા હતા અને મનપા દ્વારા આ ફાળવણી રદ કરી મિલકતનો કબજો પરત લેવા સંસ્થાને નોટિસ ફટકારાઇ હતી, હવે આ નોટિસ પીરીયડ પણ પુરો થયો હોય સ્થાયી સમિતિની મીટીંગમાં ફરી રજુઆત થતા હવે આ મિલકતનો કબજો લઇને ત્યા રંગઉપવનની ઓફીસ ખસેડવાની સુચના મનપા કમિશનર દ્વારા આપવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે કે કોંગ્રેસના એક માજી કોર્પોરેટર આ મિલકતમાં કબજો ભોગવતા હતા.

Most Popular

To Top