World

ટેરિફ મામલે મોટું અપડેટ, ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાતે 12 વાગ્યે 10થી 12 દેશોને મોકલશે લેટર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટી અપડેટ આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેઓ આજે તા. 4 જુલાઈને શુક્રવારની રાતે 10 થી 12 દેશોને ટેરિફ અંગે પત્રો મોકલવાના છે. ટ્રમ્પનો આ પત્ર ટેરિફ અંગે આ દેશોને ચેતવણી છે.

એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે આ પત્ર એવા દેશોને મોકલવામાં આવશે જેમની સાથે અમેરિકાએ હજુ સુધી વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. જોકે, ટ્રમ્પ દ્વારા તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેઓ કયા દેશોને આ પત્ર મોકલવાના છે.

ગઈ તા. 2 એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 200 થી વધુ દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જોકે, થોડા દિવસો પછી તેને 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા 9 જુલાઈ (ટેરિફ ડેડલાઇન) ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ સંદર્ભમાં આ પત્ર મોકલવામાં આવશે.

ટ્રમ્પે કહ્યું કે હું એક પત્ર મોકલીને કહેવા માંગુ છું કે તમે વેપાર કરાર કરી શકો છો નહીં તો તમારા પર ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ પત્રમાં એ પણ ઉલ્લેખ હશે કે કોણે કેટલો ટેરિફ ચૂકવવો પડશે. એક દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ભારત અને અમેરિકા 48 કલાકની અંદર ટેરિફ પર કરાર કરી શકે છે (ભારત-યુએસ ટ્રેડ ડીલ).

જો કે, એવા પણ સમાચાર છે કે બંને દેશો હજુ સુધી કેટલાક ક્ષેત્રો પર પોતપોતાની શરતો પર સંમત નથી થયા. ટેરિફ પર ભારતનું વલણ સ્પષ્ટ છે, દેશ કોઈપણ કિંમતે તેની શરતો પર સમાધાન કરવાનો નથી.

ભારત અને અમેરિકા વચ્ચેના કરારમાં શું સમસ્યા છે?
અમેરિકા ભારત પાસેથી કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે જેથી ભારતમાં તેના માટે એક મોટું બજાર ખુલી શકે. પરંતુ ભારત તેના રાષ્ટ્રીય હિતમાં સમાધાન કરવા માંગતું નથી. જો ભારત અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ ઘટાડે છે, તો તે ભારતના કૃષિ ક્ષેત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, અમેરિકા ડેરી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની પણ માંગ કરી રહ્યું છે.

ભારત સમાધાન કરશે નહીં!
ભારત ઇચ્છે છે કે યુએસ ટેરિફ 10 ટકા કે તેથી ઓછો હોય જે હાલમાં યુએસ દ્વારા જાહેર કરાયેલ 26 ટકા છે. આ ઉપરાંત, ભારત ઇચ્છે છે કે તેના SME ઉદ્યોગને યુએસમાં બજાર મળે, જેથી દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી શકે.

ભારત વિશે ટ્રમ્પનો દાવો શું છે ?
ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે ભારત અમેરિકા માટે બજાર ખોલી રહ્યું છે. તે તેના ટેરિફમાં ઘણી હદ સુધી ઘટાડો કરવા જઈ રહ્યું છે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં કહ્યું કે અમે અમેરિકા સાથે વ્યવહાર કરીશું, પરંતુ અમારી શરતો પર. અમે કોઈપણ કિંમતે અમારા દેશ સાથે સમાધાન કરીશું નહીં.

Most Popular

To Top