કપડવંજ : કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામના મકાનમાં ઘરેલુ ગેસ લીકેજ થવાના બનાવમાં આગ લાગતાં આખું મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. જોકે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આતરસુંબામા વોર્ડ નંબર 5 માં આવેલ મહાદેવવાળી ફળીમાં પ્રશાંતભાઇ મહારાજનું મકાન આવેલું છે. સદર મકાનમાં ઘરેલુ ગેસ બોટલની પાઈપ એકાએક જ લીકેજ થવાથી આખા ઘરમાં ભીષણ આગ લાગવાથી સંપૂર્ણ મકાન બળી ને ખાખ થઈ ગયું હતું.
આગના બનાવ અંગેની જાણ આતરસુંબાના સરપંચ મેહુલભાઈ પરીખને થતાં તેઓએ તાત્કાલિક કપડવંજ નગરપાલિકાના ઉપપ્રમુખ નીરવભાઇ પટેલ (બુધાભાઈ) ને જાણ કરી હતી. કપડવંજથી તાત્કાલિક ફાયરબ્રિગેડની બન્ને ગાડીઓ લઇને નીરવભાઈ પટેલ ગણતરી ની મિનિટોમાં જ પહોચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે સરપંચ મેહુલ ભાઈ પરીખ પોતે તથા પંચાયત ના તમામ સદસ્યોએ સમયસુચકતા વાપરીને આગ બુઝાવવા પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. જેથી કરીને આજુબાજુના મકાનોમાં વધુ આગ ના પ્રસરે તેવા પ્રયત્નો કર્યા હતા. મોટી દુર્ઘટના અને જાનહાનિ અટકી હતી. ફાયર બ્રિગેડ ટીમે ઘટનાસ્થળે પહોચી આગ ઊપર કાબૂ મેળવી લીધો હતો.