સુરત : શહેરમાં રખડતાં કૂતરાઓનો આતંક ઓછો થઈ રહ્યો નથી. ભૂખ્યા કૂતરાંઓ અવારનવાર નાના બાળકોને શિકાર બનાવી રહ્યાં છે ત્યારે આવી જ એક ઘટના શહેરના વરાછા વિસ્તારમાં બની છે. અહીં ઘરની બહાર રમતી 1 વર્ષની માસૂમ બાળકીને શ્વાને શિકાર બનાવી છે.
વરાછામાં ઘર બહાર રમતી 1 વર્ષની બાળકી પર શ્વાનને હુમલો કરતા આંખમાં ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. શ્વાનના હુમલા બાદ બાળકીના રડવાના અવાજથી લોકો દોડી આવતા બાળકીનો બચાવ કરાયો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ઓપરેશન કરવાની ફરજ પડી છે.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, ઘટના ગુરુવારના રોજ બપોરની હતી. વરાછા આદર્શ નગર સોસાયટી નજીકની બોમ્બે કોલોનીમાં એક બાળકી ઘર બહાર રમી રહી હતી. ત્યારે અચાનક કોઈ રખડતું શ્વાન સોસાયટીમાં ઘુસી ગયું હતું. ત્યાર બાદ રમતી બાળકીને શિકાર બનાવવાના ઇરાદે હુમલો કરી આંખ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
શ્વાનના એટેક બાદ બાળકીના રડવાના અવાજ સાંભળી લોકો દોડી ગયા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યા બાળકીની આંખમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. હાલ આજે શુક્રવારે સવારે બાળકીને ઓપરેશન કરવાની ફરજ પડી છે.
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકીનું નામ લક્ષ્મી બગદારામ પ્રજાપતિ છે. એક વર્ષની બાળકીનું આંખનું ઓપરેશન કરાઈ રહ્યું છે. ડોક્ટરોએ પણ પડકાર ઝીલ્યો છે. બાળકીની આંખ ને બચાવી લેવા મહેનત કરી રહ્યાં છે. પરિવાર હાલ ખૂબ જ દુઃખી છે. કશું પણ બોલવા તૈયાર નથી. જોકે આ બાબતે પોલીસ ચોપડે પણ નોંધ કરાઈ છે.