Columns

વિશ્વના ધનકુબેરોની લોબી નરેન્દ્ર મોદી હારી જાય તેમ ઇચ્છે છે?

લંડનમાં બરાક ઓબામા અને જ્યોર્જ સોરોસની હાજરી અને ભારત વિરોધી લોકોને મળવું એ કોઈ સંયોગ નથી. વિશ્વની રાજનીતિ રાજકારણીઓ નથી ચલાવતા પણ ધનકુબેરોની લોબી ચલાવે છે, જેમને ડીપ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આખરે આ ડીપ સ્ટેટ શું છે, શા માટે તેઓ આખી દુનિયામાં અરાજકતા ફેલાવતા રહે છે, તે જાણવું બહુ જરૂરી છે. ડીપ સ્ટેટ એ શ્રીમંત લોકોની એક ગેંગ છે જેઓ વિશ્વની અડધી મિલકત અને સંપત્તિના માલિક છે.  વિશ્વની મોટા ભાગની મલ્ટીનેશનલ કંપનીઓ, બેન્કો, નાણાં સંસ્થાઓ, વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી સંસ્થાઓ પર તેમનો કન્ટ્રોલ છે. દુનિયાના મોટા ભાગના મીડિયા ગૃહો પર તેમની માલિકી છે કે ભાગીદારી છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો જેવા કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરે પણ તેમના આધિપત્ય હેઠળ છે. દુનિયાના ૭૦૦ કરોડ લોકોના મગજ ઉપર મીડિયાના માધ્યમથી તેઓ નિયંત્રણ ધરાવે છે. ક્યા દેશમાં, ક્યા પક્ષને કે નેતાને ચૂંટણીમાં જીતાડવો કે હરાવવો તેનો નિર્ણય પણ તેઓ કરે છે, કારણ કે પ્રચાર માધ્યમો પર તેમનો અંકુશ છે.

આ ડીપ સ્ટેટના દરેક સભ્યની સંપત્તિ વિશ્વના ઘણા દેશોના જીડીપી કરતા વધુ છે. તેઓ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરે છે. આ ડીપ સ્ટેટે ઈરાક, યમન, સીરિયા અને લીબિયાને બરબાદ કરી નાખ્યા છે. જો તેમની પસંદગીની સરકાર ન હોય તો તેઓ બળવાનું કાવતરું કરે છે. આ ડીપ સ્ટેટના મૂડીવાદીઓ અમેરિકા અને યુરોપમાં સરકારો ચલાવે છે. આ તે લોકો છે જે આફ્રિકન દેશોમાં અરાજકતા પેદા કરે છે. આ ડીપ સ્ટેટના માંધાતાઓ અમેરિકન સરકારની મદદથી પાકિસ્તાનમાં સરકારો બનાવે છે અને તોડે છે. એ જ ડીપ સ્ટેટ તેમના દલાલો દ્વારા ભારતમાં પણ અરાજકતા પેદા કરી રહ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ડીપ સ્ટેટના આદેશ મુજબ ચાલવા તૈયાર જણાતા નથી માટે તેમને પણ ઉથલાવી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ તમામ તરીકાઓ કામે લગાડી રહ્યા છે.

ડીપ સ્ટેટ એ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું સંશોધિત સંસ્કરણ છે જે કોઈપણ રીતે ભારતીયોને તેના આર્થિક ગુલામ બનાવવા માંગે છે. ડીપ સ્ટેટમાં સૌથી મોટી ગેંગ અમેરિકાની આર્મ્સ લોબી છે, જે ત્યાંની સરકારને પોતાની કઠપૂતળી બનાવી રાખે છે. ડોનાલ્ડ ટ્રમ્પને ઉથલાવીને જો બાઇડનને અમેરિકાના પ્રમુખ બનાવવામાં પણ આ ડીપ સ્ટેટનો મોટો ફાળો હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ઇશારા પર નાચવા તૈયાર થશે તો તેઓ પાછા પ્રમુખ બની જશે. અમેરિકામાં દર વર્ષે હજારો લોકો અંધાધૂંધ ગોળીબારનો શિકાર બને છે. દરેક હત્યાકાંડ પછી, ખાસ કરીને શાળાઓમાં, દરેક સરકાર લાયસન્સની વાત કરે છે પરંતુ હથિયાર લોબીના દબાણ હેઠળ ચૂપ થઈ જાય છે.

આ જ આર્મ્સ લોબી દાયકાઓથી સમગ્ર વિશ્વમાં યુદ્ધો ચલાવી રહી છે. જ્યારે  વિયેતનામમાં યુદ્ધ સમાપ્ત થયું ત્યારે તે આફ્રિકન દેશોમાં શરૂ થયું. ઇરાકમાં યુદ્ધ સમાપ્ત થયું તે પછી સીરિયા અને યમનમાં શરૂ થયું. ત્યાર બાદ લિબિયાના સરમુખત્યાર ગદ્દાફીનો ખાત્મો થયો, કારણ કે તે ડીપ સ્ટેટનો આદેશ માનવા તૈયાર નહોતો. અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થયું તે પછી યુક્રેનમાં શરૂ થયું. યુક્રેન યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે આર્મ્સ લોબીને નવું યુદ્ધ ક્ષેત્ર મળશે. આર્મ્સ લોબી ઈચ્છતી નથી કે વિશ્વના શસ્ત્ર બજારમાં અન્ય કોઈ દેશ પ્રવેશે.

રશિયા એક મોટો શસ્ત્ર ઉત્પાદક અને નિકાસકાર દેશ છે, પરંતુ હાલમાં તેને ચીન પાસેથી શસ્ત્રોની આયાત કરવી પડે છે. અમેરિકી આર્મ્સ લોબીને એ પસંદ નથી કે ભારત તેમના સિવાય અન્ય કોઈ દેશ પાસેથી શસ્ત્રોની આયાત કે ઉત્પાદન કરે. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના દબાણમાં આવતા નથી. તેઓ રશિયા અને ફ્રાન્સમાંથી પણ શસ્ત્રોની આયાત કરે છે અને મોટા પાયે નિકાસ પણ કરે છે. ભારતમાં દરરોજ નવા રોકેટ, મિસાઈલ, ટેન્ક, હેવી ગનનું પરીક્ષણ થઈ રહ્યું છે.  હવે ભારતમાંથી પણ હથિયારોની નિકાસ કરવામાં આવી રહી છે. આગામી પાંચ વર્ષમાં ભારતમાંથી શસ્ત્રોની નિકાસ અનેક ગણી વધારવાની યોજના બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ડીપ સ્ટેટ માટે ગભરાટ થવો સ્વાભાવિક છે. તેમનો ગરાસ લૂંટાઈ રહ્યો છે.

ડીપ સ્ટેટના માંધાતાઓ પોતાની એનજીઓ અને હવાલા ચેનલો દ્વારા ભારતમાં અબજો રૂપિયા મોકલી રહ્યા છે. દેશદ્રોહી ભારતીયોને પૈસાનું પ્રલોભન મળી રહ્યું છે. ઓપન સોસાયટી ફાઉન્ડેશન, રોકફેલર ફાઉન્ડેશન, ફોર્ડ ફાઉન્ડેશન, બિલ ગેટ ફાઉન્ડેશને ભારતમાં સેંકડો NGO ખોલ્યા છે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવો નેતા હશે જેની પાસે એક કે અનેક NGO ન હોય. ભાગ્યે જ કોઈ નોકરિયાત એવો હશે કે જેના પરિવાર પાસે NGO ન હોય. ભાગ્યે જ કોઈ પત્રકાર હશે જેની પાસે એનજીઓ ન હોય. ભારતમાં ડીપ સ્ટેટની દલાલી કેટલીક NGO કરી રહી છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સરકારી નોકરીમાં હતા ત્યારે ૨૦૦૦માં તેમણે પોતાની એનજીઓ શરૂ કરી હતી. આ NGO ચલાવવા માટે વિદેશથી ચિક્કાર પૈસા આવી રહ્યા છે. આ પૈસાનો ઉપયોગ દેશના ભાગલા પાડવા માટે અને દેશને કમજોર બનાવવા માટે થઈ રહ્યો છે. મારો કહેવાનો અર્થ એ નથી કે તમામ એનજીઓ ખરાબ છે. ઘણા NGO પણ ગરીબો અને દેશના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. પરંતુ કેટલાક એનજીઓ માત્ર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત હતા. વિકાસને રોકવો તેમના એજન્ડામાં હતો. જો ભારત વિકાસ કરશે તો ડીપ સ્ટેટના બિઝનેસને નુકસાન થશે. ડીપ સ્ટેટે ભારતમાં સિંચાઈ માટે બંધ બાંધવામાં અવરોધો ઉભા કર્યા હતા.  ભારતમાં સેંકડો NGO હજુ પણ ધર્માંતરણમાં રોકાયેલા છે. હજારો એનજીઓનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક ગેરકાયદેસર માધ્યમો દ્વારા તેઓ હજુ પણ ભારતના દેશદ્રોહીઓ સુધી પહોંચે છે. કેટલાંક આંદોલનો માટે તેઓ ભંડોળ પણ પૂરું પાડે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં દસ વર્ષથી અમેરિકા, યુરોપ અને ઇઝરાયેલના ડીપ સ્ટેટની ધરી સામે રશિયા, ચીન, ઇરાન અને આરબ દેશોની ધરી બનાવવાના પ્રયાસોમાં જોડાયેલા છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ થયું તેમાં નાટોના દેશો યુક્રેનની પડખે ઊભા રહ્યા હતા, પણ ભારત અમેરિકાના વાંધાને અવગણીને પણ રશિયા સાથે ઊભું રહ્યું હતું. અમેરિકાએ રશિયાનું ખનિજ તેલ ખરીદવાનું બંધ કરાવી દીધું તો ભારતે રશિયાનું ખનિજ તેલ ખરીદીને તેને સબળ ટેકો પૂરો પાડ્યો હતો. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોને અમેરિકાની લોબીથી દૂર લઈ જઈ ચીન અને રશિયાની નજીક લાવવામાં પણ મોદીની મોટી ભૂમિકા છે. અમેરિકાના ડોલરની મોનોપોલી તોડવા બ્રિક્સના દેશો પોતાની કરન્સી વિકસાવી રહ્યા છે. ભારતે પણ આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં શરૂ કર્યો તેથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.

સોવિયેટ સંઘના વિઘટન પછી દુનિયામાં અમેરિકાનું એકછત્રી રાજ ચાલતું હતું. હવે રશિયા અને ચીન સાથે મળીને યુરોપ અને અમેરિકાની મોનોપોલીને પડકારી રહ્યા છે. એક બાજુ રશિયા અને ચીન છે તો બીજી બાજુ યુરોપ અને અમેરિકા છે. ઇરાન સ્પષ્ટ રીતે રશિયા તરફ ઢળેલું છે. જો ભારત પણ રશિયાની પંગતમાં બેસી જાય તો રશિયાનું પલડું ભારી થઈ જાય તેમ છે. અમેરિકા અને યુરોપના દેશો ડીપ સ્ટેટની મદદથી મોદીને પોતાના પક્ષમાં લેવા સામ, દામ, દંડ, ભેદ વગેરે તમામ ઉપાયો અજમાવી રહ્યા છે. જો મોદી મચક નહીં આપે તો તેઓ મીડિયાની મદદથી મોદી વિરુદ્ધનું વાતાવરણ પેદા કરીને તેમને હરાવવાનો પ્રયાસ કરશે. જો ભાજપ હારી જાય તો ભારતના વિપક્ષો ડીપ સ્ટેટના આદેશ મુજબ દેશને ચલાવવા તૈયાર જ બેઠા છે.

Most Popular

To Top