આણંદ : કરમસદ ખાતે આવેલી ભાઈકાકા યુનિવર્સિટીના વરિષ્ઠ ડોક્ટર્સ હિમાંશુ પંડ્યા અને આર. હરિહરા પ્રકાશને તેમણે આરોગ્ય શિક્ષણમાં આપેલા શ્રેષ્ઠ યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાએ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે રાષ્ટ્રીય કક્ષાએ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થયેલા બે શિક્ષકો પ્રમુખ સ્વામિ મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યા અને કે.એમ. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડો. આર. હરિહરા પ્રકાશને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અતુલભાઈ પટેલના હસ્તે મોમેન્ટો આપીને બિરદાવવામાં આવ્યાં હતાં.
ભાઈકાકા યુનિવર્સિટીના બોર્ડ રૂમ ખાતે યોજાયેલા આ સમારંભમાં ચારુતર આરોગ્ય મંડળના માનદમંત્રી જાગૃત ભટ્ટ, મંડળના સભ્ય અમિતભાઈ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. હરિશ દેસાઇ, એકેડેમિક કંટ્રોલર ડો. જ્યોતિ તિવારી, કૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઇ, અન્ય ફેકલ્ટી મેમ્બર્સ તથા સ્ટાફ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બન્ને શિક્ષકોનું સંસ્થામાં આપેલા યોગદાન તથા તેમના કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમને રાષ્ટ્રીય કક્ષાએ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જ્યારે ડો. ઉત્પલા ખારોડ જણાવ્યું હતું કે, ડો. હિમાંશુ પંડ્યાએ પ્રમુખ સ્વામિ મેડિકલ કોલેજ ખાતે એમસીઆઈ નોડલ સેન્ટર તરીકે અન્ય રાજ્યની ફેકલ્ટીની તાલીમ આપવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. તે જ રીતે ડો. આર. હરિહરા પ્રકાશે ફિઝિયોથેરાપી કોલેજને નેક એક્રિડિટેશન અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. હિમાંશુ પંડ્યાને એમઇયુ ઇન્ડિયા દ્વારા 12મી ઓગષ્ટ,23ના રોજ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને ડો. રીટા સુદ મેમોરિયલ ઓરેશન આપવા માટે પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. જેનું શિક્ષક ‘ભારતીય મેડિકલ કોલેજમાં એક એકેડેમિક લીડર તરીકેનું મારૂ પરિપ્રેક્ષ્ય’ હતું.