કપડાંથી લઇ જરૂરી વસ્તુઓ હોય એની શોપિંગ આપણે કરતા હોઈએ છીએ પરંતુ ડૉક્ટર શોપિંગ? શું આવો પણ કોઈ શબ્દ તબીબીક્ષેત્રે ખરેખર છે? તો જવાબ છે, હા..! યુએસએમાં રહેતા એક દૂરના સંબંધીના મિત્રને જે-તે ડ્રગ્સની (દવાની) આદત પડી ગયેલ. ભારતની જેમ યુએસએમાં તો કંઈ તમને પ્રિસ્ક્રિપ્શન વિના કોઈ દવા ના મળે. જેથી તમારે ડોક્ટર પાસે અવશ્ય જવું રહ્યું. હવે જે વ્યક્તિને કોઈ દવાની આદત પડી ગઈ હોય એ વ્યક્તિ એક નહીં પરંતુ ઘણા ડોક્ટરને કન્સલ્ટ કરી નવા નવા પ્રિસ્ક્રિપ્શન લઈ આવે. દરેક ડોક્ટરની જાણ બહાર આ બની શકે. બસ, આને જ કહેવાય છે ડોક્ટર શોપિંગ. તો વળી વાત આપણા જ શહેરની કરું તો, એક સિત્તેર વર્ષના સજ્જનને સામાન્ય ખભો દુઃખતા ઓર્થોપેડિક લેવલ પર તેમણે ચાર ઓર્થોપેડીક સર્જનના અભિપ્રાય લીધા. એક નજીવી બીમારી માટે એકથી વધુ અને આ કિસ્સામાં તો ચાર ડોકટરોની મુલાકાત લેવાઈ ગઈ. ડોક્ટર શોપિંગનું આ બીજું ઉત્તમ ઉદાહરણ. શું છે ડોક્ટર શોપિંગ? અતિ સામાન્ય સ્તરે બે ઉદાહરણો દ્વારા ડોક્ટર શોપિંગ સમજ્યા પણ જો અધિકારીક વ્યાખ્યા જોવા જઈએ તો ડોક્ટર શોપિંગ એટલે એક બીમારી દરમિયાન અથવા ગેરકાયદેસર રીતે વધુ પડતી પ્રિસ્ક્રિપ્શન દવા મેળવવા માટે બહુવિધ ડોક્ટરોને કન્સલ્ટ કરવું.
શું પરિસ્થિતિ છે ભારતમાં?
જુઓ, જો અત્યંત સહજ છે કે આપણને પહેલું ઉદાહરણ અહીં ભારતમાં લાગુ પડતું નથી. પ્રિસ્ક્રિપ્શનથી જ દવા આપવી એ વાત તો જવા જ દો પરંતુ ઘણી એવી ડિપ્રેશનની દવા તથા અમુક ચોક્કસ વર્ગની દવા તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન થકી જ અને જેટલી લખી છે એટલી જ આપવી,એનો પણ આ દેશમાં અમલ થતો નથી. અહીં કોઈ પણ દવા હોય, નામ બોલતા કે ફોનમાં ફોટો બતાવતા મેડિકલ સ્ટોરવાળા આપને આપી દેશે. ઘણા કાયદાઓમાં નિયમિતતા લાવવાની ખરી જરૂરિયાત છે જેથી આવો દુરુપયોગ ઘટે અને આવા ગંભીર ક્ષેત્રમાં થોડી સુવ્યવસ્થા આવી શકે. તો જુઓ પહેલું ઉદાહરણ તો ઘણું ઓછું લાગુ પડે છે આપણા દેશમાં કે જ્યાં વધુ પડતી દવા મેળવવા આપણે વિવિધ ડોક્ટરોની મુલાકાત લેવી પડે. તો પછી આવે છે શંકા અને વિશ્વાસ.. જે સૌથી મોટું પરિબળ ભાગ ભજવે છે એ શંકા અને શંકા કેમ? દિવસેને દિવસે દર્દી અને તબીબ વચ્ચેનો જે વિશ્વાસ અને બોન્ડ હતો એ કંઈક રીતે આજની તારીખે લુપ્ત થઇ રહ્યો છે.
જાગવાની હવે જરૂર છે બાકી ગમે એટલી સારી ગુણવત્તાયુક્ત સગવડો હોય, જો આ વિશ્વાસ લુપ્ત થઈ ગયો તો એથી વધુ ચિંતાજનક કંઈ જ નહીં. આમ તબીબ પ્રત્યે શંકા ગણો કે ઓછો વિશ્વાસ, જેના કારણે દર્દી એક સામાન્ય બીમારી કે તકલીફ માટે ઘણા ડોક્ટરને બતાવવા જાય છે. જટિલ સમસ્યામાં સેકન્ડ ઓપિનિયન લો તો એ ડોક્ટર શોપિંગ બેશક નથી. પરંતુ જટિલ સમસ્યા નથી, શંકા પણ નથી, છતાં ઘણા લોકો તેમની અલગ જ પ્રકારની માનસિકતા વશ નજીવી સામાન્ય બીમારી માટે ત્રણ ચાર કે તેથી વધુ તમામ ડોક્ટરોને મળશે, ફોન પર પૂછશે અને અભિપ્રાયો લેશે. આ પ્રકારની ડોક્ટર શોપિંગ એ જોખમી છે અને તેનું નુકસાન દર્દીએ જ ભોગવવું રહ્યું. શાકભાજી, કપડાં વગેરેમાં ભાવતાલ કરતા હોઈએ એમ નજીવી બીમારીમાં એક ડોક્ટરથી બીજાને ત્રીજા ડોક્ટર પાસે જવું એ શોપિંગ એટલે ડોક્ટર શોપિંગ. ભારતમાં ઘણા દર્દીઓ આના શિકાર છે. મોટાભાગના શંકા અને માનસિકતાવશ વિવિધ ડોક્ટર પાસે ફરતા રહે છે.
શું કારણો છે આવી ડોક્ટર શોપિંગના?
શંકા એ કઈ ડોક્ટર શોપિંગનું એકમાત્ર કારણ નથી. અમુક સ્ટડીના આધારે જો દર્દીની સ્પષ્ટતા સાંભળીએ અને સમજીએ તો એ ડોક્ટર સંબંધિત પરિબળો છે. જેમાં અસુવિધાજનક સમય અને સ્થળ, લાંબી રાહ જોવાનો સમય, તબીબની વ્યક્તિગત લાક્ષણિકતા અને ગુણો, દર્દી અને તબીબ વચ્ચે વાતચીતનો અપૂરતો સમય વગેરેનો સમાવેશ થાય છે. તો વળી કેટલાક દર્દીઓના ખુલાસા વ્યક્તિગત પરિબળો સાથે સંબંધિત છે. જેમાં જે-તે બીમારીના પરિબળો જેમકે સારવારની સમજનો અભાવ તથા સ્વીકારવાની અક્ષમતા, મનોવૈજ્ઞાનિક પરિબળો વગેરેનો સમાવેશ થાય છે.
કોઈ સ્ટડી કે સંશોધનો છે આ વિશે? વિવિધ દેશો અને તપાસનીશ મુજબ ડોક્ટર શૉપિંગની વ્યાખ્યા થોડી અલગ હોઈ શકે પરંતુ ઉપલબ્ધ ડેટાના આધારે જોઈએ તો ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં થયેલ કેનેડિયન સ્ટડી મુજબ 18%, જાપાનીઝ સ્ટડી કે જે જનરલ મેડિસિન ઓપીડી વિભાગમાં થયેલ એમાં 23%, અન્ય જાપાનીઝ સ્ટડી કે જે ઇન્ટરનલ મેડિસિન વિભાગમાં લેવાયેલ એ મુજબ 27.5%, હોંગ કોંગમાં થયેલ એક સ્ટડીમાં 40% અને સીધા ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ થકી ફેમિલી મેડિસિન વિભાગમાં 56% દર્દીઓ ડોક્ટર શોપિંગ કરતા હોવાનું માલુમ પડ્યું છે. આ બધું જોતા આપણે વધુ ઉજાગર થઇએ અને આવી શોપિંગથી દૂર રહી આરોગ્મય જીવીએ અને આવી શોપિંગના રોગથી દૂર રહી એના કોમ્પ્લિકેશનથી બચીએ. નૈતિક દ્રષ્ટિએ પણ આમ ના કરી તમે એક જરૂરિયાતમંદ દર્દીને ડોક્ટરના અભાવવાળા આ દેશમાં ડોક્ટરની ઉપલબ્ધતા અને સમય ભેટ કરો છો.
ઇત્તેફાક્:
સિમ્પ્લિસિટિ ઇઝ ધી અલ્ટીમેટ સોફેસ્ટીકેશન.
– લિયોનાર્ડો દ વિન્ચી