Business

શું તમને લાગે છે કે તમે થોડો વહેલો જન્મ લીધો હોત તો સારું થાત?

‘વેલેન્ટાઈન્સ ડે’- પ્રેમનો એકરાર કરવાનો દિવસ. યંગસ્ટર્સ આ દિવસ સેલિબ્રેટ કરવા થનગની રહ્યાા હોય છે. આજનું યુથ સમય મળે ત્યારે મોજમજા, ધમાલમસ્તીથી જિંદગી જીવી લેવામાં માને છે. તેમને જોઇને કયારેક કેટલીક મોટી ઉંમરની વ્યક્તિઓને ઇર્ષ્યા પણ થતી હશે કે કાશ! અમે થોડા મોડા જન્મ્યા હોત તો! અમે પણ આવી મસ્તી કરી હોત ને! તો બીજી બાજુ આજની પેઢી માટે હસવામાં એવું કહેવાય છે કે દર ‘વેલેન્ટાઈન્સ ડે’એ તેમનું પાત્ર બદલાય.  ત્યારે કેટલાંકને લાગતું હશે કે અમે થોડા વહેલા જન્મ્યા હોત તો અમને સાચો પ્રેમ મળતે. આજે તો બ્રેકઅપ અને છૂટાછેડા નાની નાની વાતમાં થાય છે. પહેલાંનાં કપલ્સમાં કેટલો મનમેળ હતો. આ  પ્રેમદિવસ માટે બંને પેઢીના મનોભાવો જાણવા અમે અમારા યુવા તેમ જ વડીલ વાચકોને પૂછયું કે ‘શું તમને લાગે છે કે તમે થોડો વહેલો જન્મ લીધો હોત તો સારું થાત?’ તેમના મતે પ્રેમ અને ‘વેલેન્ટાઈન્સ-ડે’ જેવા ડેઝની ઉજવણી થવી જોઈએ? તો જાણીએ તેમના અભિપ્રાયો તેમના જ શબ્દોમાં…

હમણાંના સમયમાં પ્રેમ  વ્યાપાર જેવો થઇ ગયો છે:  ડૉ. જિજ્ઞેશ પટેલ
36
વર્ષીય ડૉ. જિજ્ઞેશ M.S Orthopadic surgeon અને તેનમાં પત્ની ડૉ. નેહા પટેલ MSc. (Pharmacogy) છે. તેઓ જણાવે છે કે, ‘‘પ્રેમ એટલે નિ:સ્વાર્થ ભાવે જોડાયેલો સંબંધ. સમયના બદલાવની સાથે તેનાં પણ ઘણાં રૂપરંગ બદલાઈ ગયાં છે. અગર વાત કરીએ આપણે પહેલાંના સમયની કે જયારે કોઇ પણ પ્રકારના Days Celebrate થતા નહોતા, પ્રેમને દર્શાવવા કોઇ પણ પ્રકારની સાધનસામગ્રીની જરૂર નહોતી પડતી ત્યારે લોકો એકબીજા સાથે લાગણીથી જોડાયેલા હતા, એકબીજાને પૂરતો સમય આપતા હતા, સહનશીલ હતા અને પ્રેમમાં કોઇ પ્રકારનો સ્વાર્થ જોવા મળતો ન હતો. જયારે હમણાંના સમયમાં પ્રેમ એક વ્યાપાર જેવો થઇ ગયો છે. તમારે પ્રેમ પ્રદર્શિત કરવા માટે Days Celebrate કરવા પડે છે. મોંઘી Gifts આપવી પડે છે. શું સાચા પ્રેમની અભિવ્યક્ત આવી જ રીતે થાય? અને શું એ પોતાના જીવનસાથીની ખુશી માટે કે સોશ્યલ મીડિયા અને લોકોને બતાવવા માટે થાય છે? અમારા મત મુજબ તો જો તમે એકબીજાને સાચો પ્રેમ કરો છો તો દરેક દિવસ તમારા માટે Valentine’s Day હોવો જોઈએ. પ્રેમને અભિવ્યક્ત કરવા પૈસા કરતાં સાથે સમય ગાળવાથી (Qulity time) અને જીવનની સારી અને ખરાબ પળોમાં એકબીજાને સાથ આપવાથી થાય છે એ જ સાચો પ્રેમ… અમને વહેલા જન્મ લેવા બદલ કોઈ દુ:ખ નથી.’’

લાગણીઓને દર્શાવવા માટે કોઈ મુકરર કરેલા દિવસનો સહારો લેવો પડે તે નામંજૂર : કેતકી વિપુલ ત્રિવેદી
57
વર્ષીય કેતકી વિપુલ ત્રિવેદી માઈક્રો બાયોલોજીસ્ટ DMLT છે. કેતકી કહે છે કે, ‘‘વિચારો અને લાગણીઓને દર્શાવવા માટે કોઈ મુકરર કરેલા દિવસનો સહારો લેવો પડે તે મને ક્યારેય મંજૂર નહોતું અને ન તો ક્યારેય રહેશે.  અમારા સમયમાં પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ દિવસની રાહ જોવી નહોતી પડતી. અમે એ સમય મુજબ મોજમજા કરી જ છે. આજની પેઢી અવનવા ડેઝ સેલિબ્રેટ કરી પોતાની આગવી રીતે ધમાલમસ્તી કરે છે તો એમને એનકરેજ કરવા જોઈએ. મને વહેલા જનમ્યાનો કોઈ અફસોસ નથી. મારે મન તો, પ્રિયતમના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી રહી શકાય તે જ સાચા પ્રેમની અભિવ્યક્તિ છે. ‘કેતકી’ નામ જ ગુલાબના ફૂલનું પ્રતીક હોઈ, મેં જ્યારે,સપ્તપદીના ફેરા વખતે (32 વર્ષો પૂર્વે) મારું સર્વસ્વ હોમી દીધું હોય  પછી ‘રોઝ ડે’ કે અન્ય કોઈ ‘ડે’ ની  મારે શી જરૂર?

મારે તો દિન દિન દિવાળી, ને દિન દિન વસંત,
પ્રેમની આ વ્હેતી ધારાનો, કે ’દી ના’વે અંત….!’’

15 વર્ષ પહેલાં જન્મ લીધો હોત તો મને પ્રેમ કરનાર સાચું પાત્ર મળતે: ઋષિકેશ ટેલર
24
વર્ષીય ઋષિકેશ ટેલરે કહે છે કે, ‘‘આજકાલ સાચો પ્રેમ મળવો તો ઘણો મુશ્કેલ જ છે. પહેલાંના સમયમાં લોકો સાચો પ્રેમ કરતા હતા. એક વાર જેની સાથે પ્રેમ થઇ જાય છે તે સાત ભવ સુધી નિભાવતા હોય છે. કહેવાય છે કે લગ્નના સંબધો ભગવાને બનાવ્યા હોય છે તે સંબધોને જમીન પર મનુષ્યે બાંધવા પડતા હોય છે. હા કયારેક પ્રેમમાં નિષ્ફળતા પણ મળતી હોય છે તો ક્યારેક સફળતા પણ મળતી હોય છે. મેં 15 વર્ષ પહેલાં જન્મ લીધો હોત તો મને પ્રેમ કરનાર પાત્ર સારું મળતે. આજના યુગમાં સાચા યુગલો મળવા મુશ્કેલ છે. ન જેવી બાબતે આજનાં યુગલો સંબંધોને તોડી નાંખતા હોય છે. આજકાલના જે યુવક-યુવતીઓ હોય છે તે જીદ વધારે કરે છે અને હાલમાં  સોશ્યલ મીડિયા ઘણા સંબંધો તોડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મારો જન્મ કદાચ 15 વર્ષ અગાઉ થયો હોત તો મને સાચો પ્રેમ મળ્યો હોત.’’

તું આજે ખૂબ સુંદર લાગે છે તેવું બોલે તે વેલેન્ટાઈન ડે : હેમા નીતિન શાહ
52
વર્ષીય હેમા નીતિન શાહ BSc. DMLT છે. તે કહે છે કે, ‘‘આજના જનરેશનને અલગ અલગ ડેઝ ઉજવતાં જોઈને એમ થાય કે થોડા મોડા જનમ્યા હોત તો સારું થતે પણ અમે જે દસકામાં જીવ્યાં છીએ તે જમાનો આવા અલગ અલગ ડેઝનો મોહતાજ નહોતો. અમારા જમાનામાં ખાલી પ્રેમથી એમ પૂછે  કે ‘તું જમી?’ તો તે અમારા માટે હગ ડે હતો. કયારેક પ્રેમથી ગુલાબનું ફૂલ લાવે તે રોઝ ડે, કયારેક પ્રેમથી ચોકલેટ કે મીઠાઇ ખવડાવે તે ચોકલેટ ડે. જયારે પ્રેમથી ‘થાકી તો નથી ગઈ ને’ તેવું પૂછે ત્યારે પ્રપોઝ ડે લાગે ને ‘તું આજે ખૂબ સુંદર લાગે છે’ તેવું બોલે એટલે વેલેન્ટાઈન ડે. હા, ગિફટની આપલે ગમે પણ તેના માટે  વહેલા જન્મ્યાનો કોઇ અફસોસ નથી.’’

મારો જન્મ આજના બદલે પહેલાંના યુગમાં થયો હોત તો એ નિર્દોષ પ્રેમની મીઠાશ ચાખવા મળી હોત : મિતુલ એન્જિનિયર
30
વર્ષીય મિતુલ એન્જિનિયર BE  કેમિકલ એન્જિનિયર છે. મિતુલ કહે છે કે, ‘‘પ્રેમ, એક વાકયમાં કહું તો કોઇની આંખોમાં પોતાને જોઈ લીધાનું પાગલપન. પહેલાંના સમયમાં પ્રેમનાં સૌથી મોટાં બે હથિયાર, રેડિયો અને પ્રેમપત્ર. એકબીજાની ચિઠ્ઠીઓ માટે દિવસો સુધી વાટ જોવાતી ત્યારે આજે 5 મિનિટમાં વોટસએપ પર જવાબ નહીં આવે તો વ્યક્તિ બદલાઈ જાય છે. મળવા માટે તો જાણે કલાકો ઓછા પડતા ત્યારે આજે જુવાનિયાઓ ઓનલાઈન ડેટીંગ એપ પર જ મળી લે છે. પહેલાં એકબીજાની આંખોમાં જોઈ જીવનભરનો સાથ નક્કી કરી લેતા ત્યારે આજે હોટલમાં મળ્યા પછી પ્રેમ છે કે નહીં એ નક્કી કરાય છે. આજે ઘણા ડેઝની ઉજવણી થાય છે, જેમ કે ચોકલેટ ડે, વેલેન્ટાઈન્સ ડે… પણ આ બધામાં કયાંક પ્રેમ પણ એ દિવસ પૂરા થતાં પૂરો થઇ જાય છે જ્યારે આજે પણ એ પ્રેમપત્રો કોઇ અલમારીના ખૂણે ય પડયા હશે. જેની સુવાસ દરેકની યાદોમાં હજુ જીવિત હશે. આના પરથી એવું લાગે છે કે હા કદાચ મારો જન્મ આજના બદલે પહેલાંના યુગમાં થયો હોત તો મને એ નિર્દોષ પ્રેમની મીઠાશ ચાખવા મળી હોત.’’

પ્રેમ એટલે માણસના વિચારમાત્રથી મોઢા પર સ્માઇલ આવી જાય:  નક્ષત્રા પંડયા
24
વર્ષીય નક્ષત્રા કહે છે કે, ‘‘મને ભગવાને 20 વર્ષ પહેલાં જન્મ આપ્યો હોત તો સારું કારણ કે ત્યારે માણસો પાસે સાચી લાગણીઓ હતી અને પ્રેમ પણ ત્યારે લોકો સાચો કરતા હતા. હાલમાં યુવાધન પ્રેમને માત્ર પોતાની જીદ પૂરી કરવા સુધી સીંમિત માને છે. એક તરફ યુવાધનમાં પ્રેમમાં દેખાદેખી આવી ગઇ છે. મારી ફ્રેન્ડને એના બોયફ્રેન્ડે સરપ્રાઇઝ ગિફટ આપી. મને મારા બોયફ્રેન્ડે નથી આપી. આવાં કારણોને કારણે પણ યુવક-યુવતીના બ્રેક-અપ વધારે થાય છે. હવે મોબાઇલ યુગ છે જેના કારણે વહેમમાં સંબંધોમાં તિરાડ પડે છે. વળી બીજી બાજુ બ્રેક-અપ બાદ પ્રેમીઓને બીજું પાત્ર તરત જ મળી જાય છે. આમ સાચો પ્રેમ કરવાવાળા આધુનિક યુગમાં જોવા મળતા નથી. પહેલાંના સમયમાં આટલી સગવડો નહોતી મળતી એટલે પ્રેમીઓને મળવાની ઝંખના રહેતી હતી. મોબાઇલને કારણે પહેલાં જેવી ઝંખના પ્રેમીઓમાં જોવા મળતી નથી. હા પણ મારે માટે પ્રેમ એટલે માણસના વિચારમાત્રથી મોઢા પર સ્માઇલ આવી જાય.’’

Most Popular

To Top