દુનિયાની વસ્તી એટલી વધી ગઇ છે કે સોસાયટીમાં કે આપણી શેરીમાં કોઇ અપરિચિત વ્યકિત ગુજરી જાય તો ય આપણને તેની કયાં તો ખબર નથી પડતી અથવા આપણે તેની નોંધ નથી લેતાં તો 5700 વર્ષ પહેલાં એટલે કે ઐતિહાસિક નોંધ લેવાની શરૂઆત થઇ તે પહેલા કોઇ યુવતી મરી ગઇ હોય તેનું આજે શું કામ રડવું? વૈજ્ઞાનિકોને રડવું નથી આવતુ પણ એ યુવતી એના જમાનામાં કેવી આકર્ષક હતી તે જાણી આનંદ થયો છે. વાયવ્ય મલયેશિયાના ગ્વાર કેમાહમાં 2017ના વર્ષમાં એક હાડપીંજર મળી આવ્યું અને વિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ હાથ ધરી શરૂઆતમાં ‘પીનાંગ વૂમન’ નામ આપ્યું! પછી આ હાડકા ચૂંથવા માંડયા અને એવું નક્કી કર્યું કે આ સ્ત્રી 5700 વર્ષ પહેલા મરણ પામી હશે.
એક પુરાતત્વ કેન્દ્રના બાંધકામ દરમ્યાન આ હાડપીંજર મળી આવ્યું હતું અને તે એક સ્ત્રીનું છે તે જાણીને અથવા આ સ્ત્રી કોણ હોઇ શકે એ પ્રશ્ને વિજ્ઞાનીઓ બધો કામધંધો બાજુ પર મૂકી નવે ધંધે લાગી ગયા. સ્ત્રીની ઉંમરમાં કોઇએ ઝાઝો રસ રાખવો નહીં જોઇએ એવો શિરસ્તો છે પણ તે મરેલી સ્ત્રીના હાડપીંજરને લાગુ પડે છે કે કેમ તે ખબર નથી. પણ એટલું નક્કી થયું કે મરનાર આધેડ હતી છતાં યુવતી જેવી દેખાતી હશે. એક નવા અભ્યાસક્રમમાં જણાવાયું છે કે વિજ્ઞાનીઓએ મરનારના ચહેરાનું ફોરેન્સિક વિજ્ઞાનની મદદથી પુનસર્જન કરવા માંડયું અને આશ્ચર્યની વાત એ છે કે આજે કોઇ પણ સ્ત્રીનો ચહેરો આકર્ષક હોઇ શકે તેટલો આકર્ષક તેનો ચહેરો હતો ભલે તેના હાથમાં મોબાઇલને બદલે પથ્થર હતો.
– નરેન્દ્ર જોશી
વિજ્ઞાનીઓએ પહેલા મરનારની ખોપરીનું સીટી સ્કેન કરી તેની જાતિ, ઉંમર અને પૂર્વજ નક્કી કર્યા. પછી થ્રી-ડી મોડેલિંગ અને એનિમેશન સોફટવેર વાપરી તેના ચહેરાના આજુબાજુના ભાગની સંરચના કેવી હતી તે નક્કી કર્યું. મરનારના નાક અને મોં ફરતેની માંશપેશીની જાડાઇ કેટલી હશે તે નક્કી કરવા હયાત જીવંત સ્ત્રીઓના ચહેરાનું માપ લીધું. આ આખી પધ્ધતિને ફોરેન્સિક ફેશિયલ એપ્રોક્ષિમેશન મેથડ કહેવાય. આ વ્યાયામમાં બ્રાઝિલના ગ્રાફિકસ નિષ્ણાત સિસેરો મોરેસ અને પીનાંગની યુનિવર્સિટી સેં મલયેશિયાના સંશોધકો જોડાયા હતા.
મરનાર વ્યકિત સ્ત્રી હતી કે પુરુષ, આફ્રિકન હતી કે એશિયન હતી કે યુરોપીયન હતી તે નક્કી કરવામાં સારી જહેમત પડી હતી. આધુનિક મલયેશિયનોના ચહેરાના સીટી સ્કેનનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે મરનાર આ લોકોની જ્ઞાતિની હતી. ત્યારપછી મરનારની ખોપરી પર કેટલો વિકૃત ચહેરો કે અંગરચના હોઇ શકે તેનો કયાસ કાઢવામાં આવ્યો. પછી સંશોધકોએ ચહેરાની આકૃતિ નક્કી કરવા આંકડાકીય અને સંરચનાત્મક માહિતીનો ઉપયોગ કર્યો. દાંતને આધારે આ હાડપીંજર કેટલું જૂનું હશે તેનો અંદાજ બંધાયો. આ ‘પીનાંગ વૂમન’નું હાડપીંજર મલયેશિયા જેવા ગરમ પ્રદેશમાં જમીનના પ્રમાણમાં સપાટીની નજીક હોવા છતાં ‘સારી’ હાલતમાં મળી આવ્યું તેનું સંશોધકોને આશ્ચર્ય થાય છે.
આ સ્ત્રી કેવી રીતે મરી ગઇ તેનું કારણ હજી નક્કી નથી થઇ શકયું. આ અગાઉ નવ હજાર વર્ષ પહેલા લોકો કેવા દેખાતા હતા તે નક્કી કરવા સંશોધકો સાચી મેસોમિથિક તરુણના ચહેરાની પુનસંરચના કરી હતી પણ આટલી પરિપૂર્ણ ન રહી હતી. 1851 થી 1934 વચ્ચે બ્રિટીશ પુરાતત્વવિદોએ 7 વાર કેમારમાં 41 હાડપીંજર ખોદી કાઢયા હતા. તે બધા પણ આ સ્ત્રીના હાડપીંજર પાછળ સંશોધન માટે હારબધ્ધ ગોઠવાઇ જશે અને કોઇ શાંતિપ્રિય એક કહેવાનો નથી કે એ બધાને શાંતિથી સૂઇ રહેવા દો.