Columns

શું તમે આ જાણો છો?

ભારત દેશ જેમ જેમ વધુ ને વધુ સમૃદ્ધ થતો જાય છે, ભારતીયોની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે, એમની વાર્ષિક આવકમાં વધારો થતો જાય છે તેમ તેમ ભારતીયોની પરદેશ જઈને એમાં પણ ખાસ અમેરિકા જઈને વધુ કમાવાની, વધુ સારું જ્ઞાન મેળવવાની, વધુ સારી રીતે રહેવાની ઈચ્છાઓ વધતી જાય છે. એમના અમેરિકન સ્વપ્નાં વધુ ને વધુ ઘેરા બનતા જાય છે. એમને અમેરિકા જવાની ઘેલછા ઉપડે છે. આમાં જરાક પણ ખોટું નથી. ભારતીયો જેઓ અમેરિકા જવા ઈચ્છે છે, જેઓ અમેરિકા જાય છે, ત્યાં ભણે છે, નોકરી કરે છે, બિઝનેસ કરે છે, ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવે છે, ત્યાંની સિટિઝનશીપ પ્રાપ્ત કરે છે, તેઓ કંઈ દેશદ્રોહી નથી હોતા. ભારત દેશને તેઓ ત્યજી નથી દેતા.

અમેરિકામાં જવા છતાં, ત્યાં કાયમ રહેવા છતાં, ત્યાંના નાગરિક બનવા છતાં, એ બધા જ ભારતીયોના હૈયે ભારતનું જ હિત સમાયેલું હોય છે. તેઓ અમેરિકામાં ભણીગણીને એ ભણતરનો ભારતના ઉત્કર્ષ માટે જ ઉપયોગ કરતા હોય છે. અમેરિકામાં નોકરી કરીને, બિઝનેસ કરીને તેઓ જે અઢળક ધન પ્રાપ્ત કરે છે એમાંનું મોટાભાગનું ધન તેઓ ભારતમાં મોકલે છે. ગ્રીનકાર્ડધારકો તેમ જ અમેરિકન સિટિઝનો, જેઓ મૂળ ભારતીયો છે, તેઓ ભારતને ભૂલ્યા નથી હોતા, ઊલટાનું એમની ભારત પ્રત્યેની દેશદાઝ વધુ ને વધુ પ્રબળ થતી જાય છે. આથી અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા, અમેરિકાના સ્વપ્ના સેવતા,અમેરિકામાં ભણતા,નોકરી કરતા, બિઝનેસ કરતા, ત્યાં કાયમ રહેતા, ત્યાંના નાગરિક બનતા ભારતીયો અંતમાં તો ભારતના ઉત્કર્ષમાં ખૂબ મોટો ફાળો નોંધાવે છે.

છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકામાં દર વર્ષે એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણવા જાય છે. દર વર્ષે અમેરિકાની સરકાર જે 85,000 નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના નોકરી કરવા માટે H-1 B વિઝા આપે છે એ માટે એક લાખથી વધુ ભારતીયો અરજી કરે છે. આંતર કંપની ટ્રાન્સફરી L-1 વિઝા માટે પણ ભારતીયો હજારોની સંખ્યામાં પિટિશનો દાખલ કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ જે અસાધારણ આવડત ધરાવે છે તેઓ અમેરિકામાં ભણી રહ્યા બાદ અસાધારણ આવડત ધરાવનારાઓ માટે ખાસ ઘડવામાં આવેલ O-1 વિઝા મેળવે છે. ધાર્મિક સંસ્થાઓમાં કામ કરતા અને ધર્મનો પ્રચાર કરતા ધર્મગુરુઓ ભારતમાંથી એમના ધર્મનો ફેલાવો કરવા અમેરિકામાં જવા માટે ખૂબ મોટી સંખ્યામાં R-1 વિઝા મેળવવા અરજી કરે છે.

ભારતીય કળાકારો અને આપણા ગુજરાતી નાટ્યકારો અમેરિકામાં સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા તેમ જ નાટકો પ્રદર્શિત કરવા P-3 વિઝાની અરજીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં કરે છે. ગ્રીનકાર્ડ મેળવવા માટે પણ આજની તારીખમાં દર વર્ષે જે 4 જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓ છે અને 4 જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરીઓ છે, તેમ જ ઈમિજેટ રીલેટીવ કેટેગરી છે, રોકાણકારો માટે EB-5 પ્રોગ્રામ છે. આ સર્વેમાં પણ સેંકડો નહીં પણ હજારોની સંખ્યામાં ભારતીયો અરજી કરે છે.

દર વર્ષે હજારો ભારતીયો ઉપર જણાવ્યા મુજબ વિવિધ કારણોસર, વિવિધ પ્રકારના વિઝાઓ મેળવવા માટે અરજી કરતા હોય છે પણ એમને અમેરિકાના વિઝા વિશે, ઈમિગ્રેશન વિશે, એમાં જે આંટીઘૂંટી છે, જે છૂટ છે એના વિષે સાચી, સરખી અને સરળ માહિતી આપનાર કોઈ નથી. ત્યાર બાદ એ રદબાદલ થયેલ પિટિશન પાછું જીવંત થાય છે. જેમના લાભ માટે એ દાખલ કરવામાં આવ્યું હોય છે એમને એ જ પિટિશન હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.

અનેકોને એ વાતની પણ જાણ નથી હોતી કે એમના લાભ માટે જે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એમાં એમનાં સંતાનોને ડિપેન્ડન્ટ બેનિફિશિયરી તરીકે દર્શાવ્યા હોય અને પિટિશન કરન્ટ થાય ત્યારે એમનાં સંતાનો 21 વર્ષની વય વટાવી ચૂક્યા હોય અને ચાઈલ્ટ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે ફાયદો મળે છે એ લક્ષમાં લેતા પણ એમનાં સંતાનોની ઉંમર 21 થી વધુ થઈ ગઈ હોય તો આવા સંજોગોમાં એ ડિપેન્ડન્ટ બેનિફિશિયરીઓ માટે એમનાં માતાપિતા ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં જાય પછી ફેમિલી સેક્ન્ડ બી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે.

આવા પિટિશનોને પણ કરન્ટ થતા ખૂબ ખૂબ લાંબો સમય લાગે છે પણ જો તેઓ ફેમિલી સેકન્ડ (B) પ્રેફરન્સ કેટેગરી હેઠળ જે પિટિશન દાખલ કરે એની સાથે સાથે ‘રીટેનશન ઓફ પ્રાયોરીટી ડેટ’ની માંગણી કરે અને એવું જણાવે કે એમના લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવ્યું હતું એ પિટિશનની જે પ્રાયોરિટી ડેટ હતી એ જ તારીખ તેઓ એમના એજઆઉટ થઈ ગયેલાં સંતાનો માટે જે ફેમિલી સેકન્ડ (B) પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરે છે એ પિટિશનને એમના પિટિશનની જે તારીખ હતી એ જ આપે.

અન્યથા એમને પારાવાર હાડમારી પડશે. આવી અરજી યોગ્ય જણાતા મંજૂર કરવામાં આવે છે. આની મોટાભાગના લોકોને જાણ નથી હોતી. અનેકો જેમના ઉપર અમેરિકામાં પ્રવેશવા ઉપર કોઈ ને કોઈ કારણસર પ્રતિબંધ લાગ્યો હોય એમને જાણ નથી હોતી કે તેઓ ‘વેવર’ એટલે કે માફીની અરજી કરીને અમેરિકામાં પ્રવેશવા લાયક બની શકે છે. આવું આવું તો અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં ઘણું ઘણું છે જેની ભારતીયોને ખબર જ નથી હોતી. અમેરિકા જવું હોય તો સૌ પ્રથમ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટની મુલાકાત લઈ આ સર્વે જાણકારી મેળવી લેવી જોઈએ.

Most Popular

To Top