Charchapatra

આવાં કૃત્યો સ્ત્રીઓને શોભે છે?

અખબારી આલમ દ્વારા તાજેતરમાં મહિલાઓનાં પરાક્રમો જાણવા મળે છે. લૂંટેરી દુલ્હન, મદ્યપાન કરતી પુત્રવધૂ, સ્વયંના આડા સંબંધ માટે પતિને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવી, મહિલાઓ દ્વારા રમાતા જુગાર, યુવા વયના યુવક સાથે મદ્યપાન કરતી યુવા યુવતીઓ અને પતિને માનસિક ત્રાસ આપતી પત્નીઓ વિ. અનેક સમાચારો (ફરિયાદ) જાણવા મળે છે. શું આ સ્ત્રીઓને શોભે છે? કયારેક સુંદરતાનો દુરુપયોગ હનીટ્રેપ દ્વારા પણ કરવામાં આવે! વર્તમાન સમયમાં સ્ત્રીઓ પ્રત્યેક ક્ષેત્રે પુરુષ સમોવડી છે જ જે પ્રશંસનીય ગણાય પરંતુ ઉપર્યુકત ગેરવર્તણૂક કેટલે અંશે યોગ્ય કહેવાય?

નેવું ટકા સ્ત્રીઓ અપવાદ વર્ગમાં આવે પણ દસ ટકા બહેનો ઉપર્યુકત ફરિયાદમાં હોઇ શકે, જે મહિલા માટે શરમજનક કહેવાય. સ્ત્રી સહનશીલતા, પવિત્રતા, સંયમશીલતા તથા લાગણીશીલતાની મૂર્તિ કહેવાય છે. તો આવાં કૃત્યો શા માટે? ખોટા માર્ગે નાણાં પ્રાપ્તિ કેટલે અંશે યોગ્ય ગણાય? અને પતિ આત્મહત્યા કરે એટલે સુધી ‘ટોર્ચર’ કરવાનું એક પત્ની તરીકે શોભે છે? મદ્યપાન અને જુગાર કઇ મહિલાને શોભે? લૂંટેરી દુલ્હન લગ્ન કરીને માલમત્તા લઇને રફુચક્કર થઇ જાય? પછી સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાની અપેક્ષા રાખવી એ કેટલે અંશે યોગ્ય કહેવાય? અપવાદ સર્વત્ર હોય. પણ આવા સમાચાર વાંચી વિચલિત જરૂર થઇ જવાય.
અડાજણ, સુરત   – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top