સુરતના પ્રત્યેક તંત્રના વડાએ ‘નગરચર્યા’કરવા જેવી છે! તેમાં સ્વચ્છતા તંત્રે ખાસ ધ્યાન આપવાની આવશ્યક્તા છે. ‘ડોર ટુ ડોર’કચરો લેવા ગાડી આવે જ છે તો પણ અનેક સ્થળોએ કચરાના ઢગલા નાગરિકો દ્વારા જ કરવામાં આવે છે! કારણ, નાની કચરાપેટીઓમાં કચરો સમાતો નથી. પ્રજા નાની કચરાપેટીની આસપાસ પ્લાસ્ટિકની કોથળીઓમાં કચરો મૂકી જાય, પછી એ ગાય તથા કૂતરા ખોરાકની શોધમાં કોથળી ફાડી નાખી આજુબાજુ સમગ્ર કચરો વેરે! અત્યંત આધુનિક ગોપીતળાવ જે સુરતનું દાર્શનિક સ્થળ છે એની જ આજુબાજુ અસહ્ય દુર્ગંધ મારતો કચરો ઠાલવવામાં આવે છે અને ગાય એમાંથી ખોરાક પ્રાપ્ત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે! ત્યાં સ્વચ્છતા અધિકારીઓએ જઈને આ દૃશ્ય નિહાળવા જેવું છે. વાહનવ્યવહારના તંત્રે પણ સામાન્ય વસ્ત્રોમાં જઈને ટ્રાફિક પોલીસ શું કરે છે એ નોંધવા જેવું છે! સ્માર્ટસિટી ફક્ત ફ્લાયઓવર કે ઊંચી ઊંચી ઈમારતો બાંધવાથી નથી બનતું, પ્રજાની મૂળભૂત પાયાની જરૂરિયાતો પૂર્ણ થવાથી બને છે. પ્રજાની ‘મન કી બાત’નગરચર્યા દ્વારા જ જાણી શકાશે. સુરત – સુરેન્દ્ર સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નગરચર્યા કરો
By
Posted on