SURAT

મ્યુઝિક કરો ઓન, સ્ટ્રેસ થશે ગોન

સંગીતમાં એક અજબનો જાદુ છે. તે માણસને ખુશ પણ કરી શકે અને દુ:ખી કરવાની પણ આવડત ધરાવે છે. ટૂંકમાં કહીએ તો માણસ પ્રસંગોપાત સંગીતના અલગ અલગ પ્રકારોનો ઉપયોગ કરતો હોય છે. ઋગવેદ અને સામવેદમાં પણ સંગીત ચિકિત્સાનો ઉલ્લેખ જોવા મળે છે. જુદા જુદા રાગ દ્વારા અલગ અલગ પ્રકારની બિમારી નિયંત્રિત કરી શકાય છે. ઘણા સંશોધન પછી, તબીબી વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે કે, દિવસમાં 20 મિનિટ તમારી પસંદગીનું સંગીત સાંભળવાથી રોજિંદા રોગોથી છૂટકારો મળી શકે છે. જો કે આ માટે મ્યુઝિકના અલગ અલગ પ્રકારનો સહારો લેવો પડે છે. આપણાં પુરાણોમાં તો કહેવાય છે કે, મ્યુઝિકમાં અગ્નિ પ્રગટાવવાથી લઈને ભર તડકામાં વરસાદ વરસાવવાની પણ તાકાત રહેલી છે. તો હાલના સમયમાં પણ જોવામાં આવ્યું છે કે કેટલાક લોકોને મ્યુઝિક થેરેપિ થકી આરોગ્યમાં સારો એવો ફાયદો જોવા મળી રહ્યાો છે. તો ચાલો જાણીએ આ નવી મ્યુઝિક થેરાપી વિશે એનાથી ફાયદો પામેલા સુરતીઓ પાસેથી…

બાળક ખાસ મ્યુઝિક સાંભળીને રીએક્ટ કરે છે: તોરલ પુરોહિત
તોરલ પુરોહિત એક માસના બાળકના માતા છે. તેઓ કહે છે કે, ‘’મને મ્યુઝિકનો શોખ હોવાથી હું ગર્ભાવસ્થામાં નિયમિત ગમતું સંગીત સાંભળતી હતી અને સાથે જ એક કીર્તન પણ નિયમિત સાંભળતી હતી બાળકમાં જ્યારે મુવમેંટ શરું થઈ ત્યારે મે અનુભવ્યું કે જ્યારે મ્યુઝિક પ્લે થાય ત્યારે તેનું હલન ચલણ વધી જતું હતું. જો કે એ સમયે મેં આ બાબત બહુ ગણકારી નહીં પરંતુ તેના જન્મ બાદ હવે જ્યારે એ એક માસનું થયું છે ત્યારે પણ એ સમયે જે કીર્તન સાંભળતી હતી એ પ્લે કરું એટ્લે એના એક્ક્ષ્પ્રેશન બદલાવા લાગે છે. એ રડતું હોય તો થોડીવાર માટે અટકી જાય છે.’’

ગર્ભ સંસ્કારમાં મ્યુઝિક થેરાપીનું મહત્વ છે : નિલેશ જોગલ
ગર્ભ સંસ્કાર નિષ્ણાત નિલેશ જોગલ કહે છે કે,’’ અમારાં સેન્ટર પર આવતી પ્રેગનન્ટ લેડીને અમે અલગ અલગ થેરાપી સાથે જ મ્યુઝિક થેરાપી પણ આપીએ છીએ.મેં આ અંગેનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો હોવાથી શિશુના વિકાસમાં સ્ટેજ અનુસાર કેવું અને કયું મ્યુઝિક આપવું તે નક્કી કરવામાં આવે છે. કારણ કે અમુક સમયે અમુક જ પ્રકારના કસ્ટમાઈઝ રાગ સંભળાવવામાં આવે છે જેથી માતાનું હોર્મોનલ બેલેન્સ જળવાય અને યોગ્ય રીતે શિશુનો વિકાસ થાય છે. બુધ્ધિનો વિકાસ અને ઇન્દ્રિયનો વિકાસ અમુક જ સ્ટેજ પર થતો હોય છે ત્યારે એ હોર્મોન્સ એક્ટિવ કરવાનો પ્રયાસ થાય છે. જેના અમને ઘણા પોઝિટિવ પરિણામો મળ્યા છે.’’

માનસિક રીતે જલ્દી રિકવર થવાય: દીપેન શાહ
દીપેનભાઈ કહે છે કે, ‘’મને કોરોનાની અસર વધુ થઈ ન હતી પણ એનો જે ડર હતો એ વધુ હતો. હું શારીરિક રીતે તો સારો થઈ ગયો પણ માનસિક શાંતિ મને મ્યુઝિકથી જ મળી. કોરોનાના કપરાં કાળમાં ઘણાં લોકો મરવાના ડરથી જ માનસિક રીતે પડી ભાંગે છે ત્યારે મેં એમાંથી બહાર આવવા માટે સંગીતનો સહારો લીધો હતો. હું ગમતા ગીતો સાંભળતો અને સાથે ગાતો પણ ખરો, જેનાથી મારામાં એક પોઝિટિવિટી અનુભવાતી હતી. આ જ કારણે મેં આજે પણ મ્યુઝિક સાંભળવાનું તો ચાલુ જ રાખ્યું છે જે મને હંમેશા માનસિક સ્ટ્રેસમાથી મુક્તિ આપે છે.’’

કોરોના સેંટરમાં મ્યુઝિક થેરેપી કામ આવી: જેનીશ સુરતી
કોરોના કાળમાં જ્યારે પરિવારજનોએ એકબીજાથી અંતર બનાવી રહ્યા હતા ત્યારે જેમીશ સુરતી કોવિડ સેંટરમાં દર્દીઓની સેવા કરી રહ્યા હતા. આ અંગે જેનીશ કહે છે કે, ‘’કોરોનાકાળમાં મારા પરિવારના સભ્યો પણ એની અસર હેઠળ આવ્યા હતા તેમ છતાં હું કોરોનાના દર્દીઓની સેવામાં જોડાયો હતો. દર્દીઓને ખાવાનું આપવા સિવાયના કામ કરતો હતો જે પૈકી એક 89 વર્ષના માજી સેંટરમાં દાખલ થયા. જો કે એમને અસર વધુ ન હતી પણ એ ઉદાસ જણાતા હતા. જો કે તેઓ જૂના ગીતો સાંભળતા હતા ત્યારે ખુશ રહેતા હતા. મને મ્યુઝિક આવડતું હતું એટ્લે અન્ય દર્દીઓ પર અમે મ્યુઝિક થેરેપી ટ્રાય કરવાનું વિચાર્યું જેનો રિસ્પોન્સ ઘણો જ પોઝિટિવ રહ્યો. પેલા માજી તો માત્ર 6 દિવસમાં જ સારા થઈને ઘરે ગયા હતા જ્યારે અન્ય દર્દીઓમાં પણ સારી અસર જણાઈ. જેમની પાસે જવાથી પણ લોકો ડરતા ત્યારે અમે તેમને મ્યુઝિક સાંભળવીને તેમનું મનોરંજન કરતાં હતા જેથી તેમને એક પ્રકારની હૂંફ અનુભવાતી હતી જે કોવિડ સામે લડવા માટે મનોબળ પૂરું પડતી.’’

Most Popular

To Top