અગાઉ લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. મોટું આલીશાન મકાન હતુ. અલગ અલગ વેપાર સંયુક્ત કુટુંબમાંથી કરતા હતા. દરેક ધંધામાં આવક વધારે હતી. કોઈપણ વસ્તુની જરૂરિયાતથી ચલાવી ન લેતા કારણ કે આવક સારા પ્રમાણમાં હતી. તેથી ફોર વીલર – ટુ વીલર – A/C તથા લક્ઝરી વસ્તુ તરત જ બેંક લોનથી આવી જતી કારણ કે ધંધો સારો હોવાથી તરત જ લોન ભરપાઈ થતી હતી. સમય વિતતા ધંધાની આવક ઘટવા માંડી. ધંધો ઘસાતો ગયો. ધંધામાં હરીફો વધવા માંડ્યા. બેંક લોન લીધેલી એટલે તેતો ભરપાઈ કરવી પડે. ઘર ખર્ચ તો યથાવટ હતો. ધીરે ધીરે લોન ભરપાઈ ન થતા વ્યાજના ચક્કર ચાલુ થયા. અંતમા કોઈ ઉપાય ન રહેતા આલીશાન મકાન વેચીને લોન ભરપાઈ કરી અને આખરે બધા 2 BHK ફ્લેટમાં દરેક કુટુંબ અલગ અલગ રહેવા ગયા. અંતમાં બિન જરૂરી વસ્તુ ખરીદવાથી એક દિવસ જરૂરી વસ્તુ વેચવાનો વારો આવે છે.
સુરત – મહેશ આઈ.ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભલે પધારો બાબા પણ ચમત્કારોની વાતો કરતા નહિ
બાગેશ્વર બાબા હાલ મિડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આકર્ષક દેહ, ગોરો વાન, અસ્ખલિત વાણી પ્રવાહ વહેવડાવનાર તથા મોહક પોષાકો ધારણ કરનાર બાગેશ્વર બાબા ગુજરાત પધારી રહ્યા છે. અમે એમને ‘વેલકમ’ કરીએ છીએ. તેઓના જ્ઞાન મુજબ તેઓ આપણા સનાતન ધર્મ વિશે ગુજરાતના લોકોને જ્ઞાન અને બોધ આપશે એવી અમે આશા રાખીએ છીએ. આજે કહેવાતા ચમત્કારી બાબાઓ અને બાબલીઓનો રાફડો ફાટયો છે. એમની વાકપટૂતામાં આવી જઇને કેટલાય ભોળા લોકો ચમત્કારને નામે છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. માટે બાગેશ્વર બાબા, હિન્દુ ધર્મ અને આપણી સંસ્કૃતિ બાબતે ભલે ઉપદેશક વ્યાખ્યાનો આપે. પરંતુ ચમત્કારની વાતોથી અળગા રહે.
સુરતના હિરાના એક વેપારીએ એક જાહેરાત કરી છે. એ વેપારીના હિરાના એક પડિકામાં કેટલાક મૂલ્યવાન હિરા છે એનો આંકડો બાબા કહી બતાવે તો એ કિમતી હિરાનું પડિકયુ બાબાને અર્પણ એ વેપારી કરી દેશે. ટૂંકમાં બાબા ચમત્કાર કરતા હોય તો હિરાવાળો આટલો ચમત્કાર બાબા કરી બતાવે. અથવા ચમત્કારોની વાતોથી બાબા અળગા રહે. આપણા આરાધ્ય દેવો જેવા કે રામ અને કૃષ્ણએ પણ ચમત્કારો કયારેય જગતને બતાવ્યા નથી. એટલે સત્ય એજ છે કે આ જગત ઉપર ચમત્કારો જેવી કોઇ ચીજ હતી નહિ છે નહિ અને કયારેય હશે પણ નહિ. માટે હે બાગે.વ્ર બાબા તમે અહીંયા ભલે ગુજરાતમાં આવો અને સારા મનુષ્ય બનવા માટેના ઉપદેશો અહીંની ધાર્મિક લાગણી ધરાવતી પ્રજાને આપતા જાઓ.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.