કોવિડની મહામારીની પ્રથમ લહેરને નાથી લીધી હોવાની સરકારી ઘોષણા પછી ત્રાટકેલી બીજી લહેરમાં જાણે કે અનેકોના નકાબ ચીરાઈ ગયા છે. સરકારમાં રહેલા લોકપ્રતિનિધિઓમાંથી ભાગ્યે જ કોઈ કશી જવાબદારી ઉઠાવવા આગળ આવ્યા છે. તેમના મુખ્ય પ્રયાસ પોતાની છબિ ચમકાવવાના રહ્યા છે. બીજી તરફ નાગરિકોનો મોટો વર્ગ વિવિધ જૂથોમાં વિભાજીત થઈ ગયો છે. સરકાર અને તેના તંત્રની ઘોર નિષ્ફળતા, ઉત્તરદાયિત્વનો ઉલાળિયો અને એમ કરવા બદલ કશી શરમ ન હોવા છતાં સરકારની ટીકા કરવાને બદલે નાગરિકોનો દોષ ચીંધવાનો ગૃહઉદ્યોગ શરૂ થયો છે અને લોકોને સરકારની સાથે ઊભા રહેવાની સલાહ અપાઈ રહી છે. ઘણાં બધાં લોકો એવાં છે કે જે સરકારની સાથે ઊભા રહેવા માંગે છે, પણ સરકાર ક્યાં ઊભેલી છે એ જાણવા-જોવાની તેમને મોટી મૂંઝવણ છે. કોવિડની આ સમસ્યા અત્યારે એટલી વિરાટ અને વિકરાળ લાગે છે કે બીજી અનેક વ્યાપક સમસ્યાઓને તેણે ઢાંકી દીધી છે.
આવી એક સમસ્યા છે હવામાન પરિવર્તનની. પર્યાવરણલક્ષી પડકારોનો મોટે પાયે સામનો કરી રહ્યાં હોય એવાં શહેરોને સાંકળતો એક અહેવાલ ‘વેરિસ્ક મેપલક્રોફટ’ નામની રિસ્ક કન્સલ્ટન્સી ફર્મ દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવ્યો છે. વાયુ પ્રદૂષણ અને પ્રાકૃતિક દુર્ઘટનાઓ જેવી પર્યાવરણલક્ષી બાબતોને લઈને આ શહેરો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. બધું મળીને વિશ્વનાં કુલ ૫૭૬ શહેરોનું વિવિધ મુદ્દે સર્વેક્ષણ કરવામાં આવ્યું. હવા અને પાણીની ગુણવત્તા, પાણીની અછત, ગરમી, પ્રાકૃતિક દુર્ઘટનાઓ અને હવામાન પરિવર્તનનું જોખમ જેવાં પરિબળો આ સર્વેક્ષણ માટે ધ્યાનમાં રાખવામાં આવ્યાં. આવા અસરગ્રસ્ત પ્રથમ સો શહેરોમાંનાં ૯૯ શહેરો એશિયામાં આવેલાં છે અને આ ૯૯માં નાં ૪૩ શહેરો ભારતનાં છે. પ્રથમ સો શહેરોમાંનું એક માત્ર બિનએશિયન શહેર પેરુની રાજધાની લીમા છે.
આ યાદીમાં સૌથી જોખમગ્રસ્ત શહેર છે ઈન્ડોનેશિયાનું પાટનગર જાકાર્તા. સતત વધતી રહેતી જળસપાટી અને ઘટતા રહેતા જમીનના વિસ્તારને કારણે જાકાર્તા પરનું જોખમ વધુ ગણાય છે. કહેવાય છે કે તે વિશ્વનું ઝડપભેર ડૂબી રહેલું શહેર છે. અહીંના ૧.૪ અબજ નિવાસીઓ પ્રદૂષણ, સંકોચાતો જતો જળપુરવઠો, અતિશય ગરમી, કુદરતી દુર્ઘટનાઓ અને હવામાનમાં થઈ રહેલા ભારે પરિવર્તનથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે અને આ જોખમ દિનબદિન વધતું જાય છે. ઈન્ડોનેશિયા વિકાસશીલ દેશ હોવાને લઈને સતત વધતાં જતાં વાહનો, મકાનો તેમ જ વ્યાપારી ગતિવિધિઓને કારણે હજી એ જોખમ વધતું રહેવાનું. બીજા ક્રમે દિલ્હી અને ત્રીજા ક્રમે ચેન્નાઈ આવે છે. આગ્રા છઠ્ઠા, કાનપુર દસમા, જયપુર બાવીસમા અને લખનૌ ચોવીસમા ક્રમાંકે છે. બંગલૂરુનો ક્રમ પચીસમો છે. મુંબઈ સત્તાવીસમું છે.
ભારતીય શહેરોમાં સૌથી મોટું પરિબળ વાયુ તેમજ જળની કથળતી જતી ગુણવત્તાનું છે. માનવજીવન પર તેની સીધી અસર થાય છે. ૨૦૧૯ માં ભારતમાં થયેલાં દર પાંચ મૃત્યુ પૈકીનું એક હવાના પ્રદૂષણથી થયું હોવાનું આ અભ્યાસ તારવે છે. એવું નથી કે પર્યાવરણનું આ જોખમ કેવળ ભારતનાં કે એશિયાનાં શહેરો પર જ છે. વિશ્વનાં અન્ય શહેરો પર એ છે જ, પણ એશિયાનાં શહેરો પર એ સૌથી વધુ છે. આ અભ્યાસ એક રીતે ચેતવણીસૂચક છે અને તે દર્શાવે છે કે હવામાન પરિવર્તન પર્યાવરણને લગતાં જોખમોની માત્રા અને તીવ્રતામાં સતત વૃદ્ધિ કરતું રહેશે.કુદરતી આપત્તિને ટાળી શકાય નહીં, પણ સુયોગ્ય સજ્જતા હોય તો તેની ઘાતકતાને ઓછી જરૂર કરી શકાય. ભારત હજી વિકાસશીલ દેશ છે અને પર્યાવરણનાં જોખમોને અવગણીને અનેક આયોજનો તેમ જ પ્રકલ્પો હાથ ધરાયેલાં છે. માંડ ત્રણેક મહિના અગાઉ ઉત્તરાખંડના ચમોલી નજીક ફસડાઈ પડેલા ગ્લેશિયરની દુર્ઘટનાની ગંભીરતા હજી ઘણાને યાદ હશે. હતી એ કુદરતી દુર્ઘટના, પણ પરોક્ષ રીતે જોઈએ તો એ માનવસર્જીત હતી. માત્ર ઉત્તરાખંડમાં જ આવા અનેક પ્રકલ્પો નિર્માણાધીન છે, જેના થકી પર્યાવરણને સીધો ખતરો તોળાયેલો છે. જે તે પ્રકલ્પ અગાઉ પર્યાવરણ પરની તેની અસરો અંગેના અભ્યાસ હાથ ધરાય છે, તેની વિપરીત અસરોની સંભવિતતા ચકાસવામાં આવે છે અને તેના ઉકેલ પણ સૂચવવામાં આવે છે. આવા ઉકેલ આગળ જતાં કાગળ પર જ રહી જાય એમ ઘણા ખરા કિસ્સામાં બનતું હોય છે. તેને પરિણામે પર્યાવરણની ઘાતક અસરોનો સામનો કરવાનો આવે છે.
પ્રદૂષણ જેવી સમસ્યાઓના ઉકેલ બાબતે વિચારીને, તેની ગંભીરતાને ધ્યાને લઈને એ દિશામાં નક્કર પગલાં અવશ્ય લઈ શકાય. પ્રદૂષણના આવા ગંભીર મુદ્દા કોવિડના પહેલાં પણ હતા અને કોવિડ જશે પછી પણ એ ઊભા રહેવાના છે. કોવિડની મહામારી દરમિયાન સરકારી આયોજન અને સંકલન કેટલું પોકળ છે એ અનુભવ ઘૂંટી ઘૂંટીને થતો રહ્યો છે. અણધારી આવી પડેલી મહામારી ઊંઘતા ઝડપે, પણ એક વાર આંખ ખૂલ્યા પછી જે પ્રયત્નો થાય એ મહામારીમાંથી બચવાના ઉપાયો શોધવાના નહીં, બલ્કે તેમાંથી શક્ય એટલો રાજકીય લાભ લેવાના, પોતાની અકર્મણ્યતાને પ્રજાને શિરે ઢોળવાના થતા રહ્યા છે. પર્યાવરણના આ પડકારો નજર સામે ઊભેલા છે. તેને પહોંચી વળવા માટે યોગ્ય આયોજન કરવું અને એ અનુસાર કામ કરવું પડકાર માંગી લેતું કામ છે.
સત્તાસ્થાને કોઈ પણ પક્ષ હશે, માત્ર પ્રચારથી કે નાગરિકોને હકારાત્મકતાના અફીણથી ગેરમાર્ગે દોરીને એ નહીં થઈ શકે. સમસ્યાનો વાસ્તવિક ધોરણે સ્વીકાર થશે તો જ એ દિશામાં કશું થઈ શકશે. સમસ્યા કદી સરકારવિરોધી કે સરકારતરફી નથી હોતી એ નાગરિકોએ સમજવું પડશે. કુદરતી આપત્તિ પણ હવે માનવસર્જીત બની છે. એ આવે ત્યારે શું ધ્યાન રાખવું એ મેસેજ ફોરવર્ડ કરવાથી આપણી જવાબદારી કે ફરજ પૂરાં નથી થઈ જતાં. સત્તાધીશોમાં અંધ વિશ્વાસ મૂકી દેવાને બદલે તેમને સચેત કરતા રહેવું એ જ નાગરિકધર્મ છે.