આવનારા સમયમાં ફિલ્મો અને તેને દર્શાવતાં થિયેટરોની દશા શું થશે તે ખબર નથી. જો કોરોનાની ત્રીજી લહેર વધુ મહિનાઓ સુધી અસર દાખવશે તો ઘણા થિયેટરો બંધ થવાની હાલતે પહોંચી જશે. જેમ સિંગલ સ્ક્રિન થિયેટરોની દશા બહુ બુરી થઇ તેમ મલ્ટી સ્ક્રિન થિયેટરોની ય દશા થશે. આપણે કબુલવું જોઇએ કે ભારતમાં સિંગલ સ્ક્રિન થિયેટરો જ ભારતીય પ્રેક્ષકોને અનુકૂળ છે. તે બધા નવા સ્વરૂપે, નવી વ્યવસ્થા સાથે ઊભા થાય તો વધારે ચાલશે.
કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ અને શાહીદ – મૃણાલ ઠાકુર અભિનીત ‘જર્સી’ની રજૂઆત અટકાવી દેવામાં આવી. ત્યાર પછી ‘આરઆરઆર’ સૌથી વધુ ચર્ચામાં હતી તે પણ રજૂ ન થઇ. એજ રીતે સાઉથની ‘રાધેશ્યામ’ રજૂ થાય તેની રાહ જોવાતી હતી પણ પોસ્ટપોન થઇ. હવે રિપોર્ટ એવો છે કે અક્ષયકુમાર – માનુષી છિલ્લર અભિનીતી ‘પૃથ્વીરાજ’ પણ થિયેટરોથી દૂર રહેશે કે જે 21 મી જાન્યુઆરી રજૂ થવાની હતી.
આ હાલ અત્યારે જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી એ ફિલ્મોના છે. આ ફિલ્મો કયારની રજૂ થવા તૈયાર હતી અને કેટલીક તારીખો કેન્સલ થયા પછી જાન્યુઆરીમાં થિયેટરો બુક કરાયા હતા. હિન્દી ફિલ્મોની રિલીઝ અટકે એટલે પ્રાદેશિક ફિલ્મો પણ અટકે. ગુજરાતીની કેટલીક ફિલ્મો રજૂ થવામાં હતી અને તેમાં સિધ્ધાર્થ રાંદેરીયા – સુપ્રિયા પાઠક અભિનીત ‘કહેવતલાલ પરિવાર’ પણ હતી. હવે તે પણ પાછળ ધકેલાઇ ગઇ છે. આવું દક્ષિણની ફિલ્મો કે બંગાળી, મરાઠી ફિલ્મો વિશે પણ થયું છે.
અત્યારે 50 ટકા પ્રેક્ષક સાથે થિયેટરો ચાલુ રાખી શકાય છે પણ એટલા ટકા પ્રેક્ષકથી ફિલ્મો ચલાવો તો લેનેકે દેને પડ જાયે. એટલે જે કેટલીક ફિલ્મો રજૂ થઇ ચુકી છે તેને ચલાવ્યે રાખવા સિવાય છૂટકો નથી. જો કે તેને ય કેટલા પ્રેક્ષક મળે તે સવાલ છે. ‘83’ ફિલ્મ જોરમાં શરૂ થઇ હતી પણ કોરોનાને કારણે ધીમી પડી ગઇ છે. આ રીતે માર ખાવાનું કોણ પસંદ કરે? કોરોનાની સ્થિતિ હળવી થયા પછી જે ફિલ્મ સારી કમાણી કરી શકી તે ‘સૂર્યવંશી’ જ છે. ‘સ્પાઇડરમેન: નો વે હોમ’ કમાણીમાં ઉછળી રહી હતી પણ કોરોનાને કારણે તેને ય બ્રેક લાગ્યો છે.
હવે બનશે એવું કે આમાંની ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવા પ્રયત્ન કરશે જેથી અમુક આવક થઇ શકે. જેમ કે ‘ચંડીગઢ કરે આશિકી’ હવે ઓટીટી પર શરૂ થવા તૈયાર છે. પણ ત્યાં રજૂ થવાની હતી તે ‘ગહેરાઇયાં’ અટકાવી દેવામાં આવી છે. હજુ ‘બચ્ચન પાંડે’, ‘શમશેરા’, ‘ભુલ ભુલૈયા-2’ જેવી ફિલ્મો જ નહીં સંજય લીલા ભણશાલીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ પણ અટકી જશે. પ્રેક્ષક હજુ થિયેટરમાં જવા માંડયો હતો અને નવા સંજોગોએ તેને ફરી ઘરે બેસાડી દીધો છે. આ દશાથી ફિલ્મોદ્યોગ ફફડી ઉઠયો છે. પરંતુ અત્યારે તેમની દશા પર કોઇ જાદુઇ છડી ફેરવી શકે તેમ નથી. આમ પણ 10 વાગ્યે કરફયુ શરૂ થાય એટલે બપોરથી રાત્રે નવ સુધી જ થિયેટરો ચલાવી શકાય. રાત્રે ફિલ્મ જોવા નીકળતો પ્રેક્ષક હમણાં નહીં મળશે. થિયેટર સ્ક્રિન પરની સફેદાઇ પર ધૂળ ચડી રહી છે.