Charchapatra

ફાવે તેમ કરો

આજકાલ ‘જનરેશન ગેપ’ના પ્રશ્નો દેખાય છે. નવી-જૂની પેઢી વચ્ચે સંઘર્ષ થતો જોવા મળે છે. આત્મીયતા અને સ્નેહનો દુકાળ પડ્યો હોય એવું જણાય છે. બંધન અને સ્વતંત્રતા અંગે અનેક ગેરસમજ પ્રવર્તે છે. સ્વતંત્રતા એટલે ‘ફાવે તેમ કરો-થાઓ’ તેવો અર્થ નથી. અહીં એકમેકની સમજણનો પ્રશ્ન છે. વાલીઓ સારી સમજણ માટેની દોરવણી આપે છે. ધાકધમકીથી બાળકોનો વિકાસ અટકાવવાની પેરવી નથી, પણ શિસ્ત જરૂરી છે. સ્વતંત્રતા એટલે તમામ નિયંત્રણથી છૂટાં રહેવું એમ નથી. મા-બાપનાં કેટલાંક બંધનો ,સંતાનોના સુખદ ભવિષ્ય માટે હોય છે. બાળકોને એમ થાય કે વાલી અમારા હક્કો પર અંકુશ રાખવા માંગે છે. અહીં પરસ્પર સમજણ વિકસે તે આવકાર્ય છે. બંધન એક પ્રેમનું બંધન પણ છે. જે સંબંધનો બંધ અને સારી રીતે એમ સૂચવે છે. દરેક સંબંધમાં સારી રીતે બંધાવું જરૂરી છે. સૌ જાણીએ છીએ કે, લગ્નમાં છેડાગંઠન અને રાજકારણમાં ગઠબંધન થાય છે. સંબંધમાં સ્નેહનું બંધન હોય છે. સંબંધમાં ગઠબંધન ન જ ચાલે. વિચારભેદ, મનભેદ ચાલે પણ મતભેદ ન ચાલે. ગઠબંધન તૂટે તો ચાલે પણ સંબંધમાં પ્રેમનું બંધન તૂટવું ન જોઈએ. સગાં વહાલાં બને અને જનરેશન ગેપ ન થાય તેનું ધ્યાન રાખીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

હંગર ઇન્ડેકસમાં ભારતની વિશેષ પ્રગતિ!! સરકારનો વિકાસ કયાં છે?
2014માં 76 દેશોની યાદીમાં હંગર ઇન્ડેકસમાં ભારત 56મા સ્થાને હતું. 121 દેશોની યાદીમાન 2021માન ભારતનું સ્થાન 101 હતું. 15 ઓકટો.ના રોજ પ્રગટ થયેલ અહેવાલ પ્રમાણે ભારત 107મા સ્થાને પહોંચ્યું છે. સતત વિકાસ અને વિશ્વગુરુ બનવાનો દાવો કરતી ભારત સરકાર માટે આ શરમજનક અને ચિંતાજનક છે. ફકત 8 જ વર્ષમાન હંગર ઇન્ડેકસમાં ભારતની બેવડી પ્રગતિ છતાં ભારત સરકારને તેની કોઇ દરકાર નથી. 1 થી 5 વર્ષના બાળકોમાં કુપોષણના દરમાં પણ વધારો થયો છે. ભારતમાં 28 કરોડ લોકો રાત્રે ભૂખ્યા સુવે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેાપળ અને શ્રીલંકા જેવા નાના દેશો આ બાબતે આપણા કરતા આગળ છે. ગુજરાતમાં ચૂંટણી નજીક હોવાથી વડાપ્રધન અઠવાડિયામાં 3 દિવસ ગુજરાત પધારે છે. જાણે પ્રચાર, લોકાર્પણ, રોડ શો, ભીડ એકત્ર કરવી, લોકાર્પણના ભાષણો સિવાય કોઇ કામ જ નથી. આ લોકાર્પણ પાછળ અઠવાડિયામાં કરોડો રૂા. ખર્ચાય છે. તેના બદલે બાળકોનું કુપોષણ રાષ્ટ્રિય ચિંતાનો વિષય બનવો જોઇએ. આવા પ્રચારના નાટકો બંધ થવા જોઇએ.
પાલનપુર  – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top