દમણ (Daman) : સંઘપ્રદેશ દમણમાં દિવાળી વેકેશનની (Diwali Vacation) શરૂઆત થતાની સાથે જ દિવાળીના દિવસથી જ પ્રદેશના દરિયા કિનારાઓ પર પ્રવાસીઓનો (Touris) ધસારો જોવા મળ્યો હતો. સોમવારે દિવાળીનો તહેવાર હોઈ અને ખાસ કરીને તમામ ધંધા રોજગાર સહિતના ઔધોગિક એકમોમાં રજાનો માહોલ હોઈ ત્યારે પ્રદેશમાં રહેતા કામદાર વર્ગની સાથે સુરત, નવસારી, બરોડા, અમદાવાદ તથા મહારાષ્ટ્રના મુંબઈ અને આસપાસના વિસ્તારના લોકો પ્રદેશની સહેલગાહે આવ્યા હતા.
જેને લઇ નાની દમણના સીફેસ, જેટી દરિયા કિનારે, દેવકા દરિયા કિનારે તથા મોટી દમણ લાઇટ હાઉસ અને જમ્પોર દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો તથા અન્ય જગ્યાએથી આવેલા પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો. તેઓ મનભરીને પરિવાર અને મિત્રવર્તુળ સાથે આનંદ પ્રમોદ કરતા જોવા મળ્યા હતા. આ તરફ દિવાળીના તહેવારના દિવસથી જ મોટી સંખ્યામાં લોકોનો ધસારો દમણ તરફ વધી જતાં પ્રદેશના રસ્તાઓ પર પણ લોકોની ચહેલ પહેલ વધી જતાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાવા પામી હતી.
જેને દમણ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સુચારુરૂપથી કાર્યવંત કરી દેવાઈ હતી. કોરોનાકાળ પછી આવેલા દિવાળી વેકેશનને લઈ પ્રદેશની મોટાભાગની તમામ નાની મોટી હોટલો, ગેસ્ટ હાઉસ તથા અન્ય રહેવાના એકમો પણ મોટાભાગે ફૂલ થઇ જવા પામ્યા છે. વધી રહેલા પર્યટકોના ધસારાને જોતા નવા વર્ષ અને ભાઈબીજના તહેવાર તથા સમગ્ર દિવાળી વેકેશનને જોતા તંત્રની સાથે દમણ પોલીસ વિભાગ પણ સજ્જ થયેલું જોવા મળ્યું હતું.
દારૂના નશામાં ધુત 2 પરપ્રાંતિય વચ્ચે મારામારી
પર્યટન સ્થળ દમણ આમ તો ખાણીપીણી અને દારૂ બિયર અને મોજ મસ્તી માટે એક જાણીતું સ્થળ છે. પ્રદેશના ઔધોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય લોકોને પણ દિવાળીની રજા મળતાં તેઓ પણ પરીવારની સાથે દમણના દરિયા કિનારે મોજ મસ્તી માટે આવ્યા હતા. જેને લઇ દમણનો સી-ફેસ રસ્તો લોકોની અવર જવરને લઈ ઘણો વ્યસ્ત બની જવા પામ્યો હતો. આ દરમ્યાન દારૂના નશામાં ચકચુર બનેલા 2 પરપ્રાંતીયો વચ્ચે કોઈ વાતને લઈને જાહેર રસ્તા પર છુટ્ટા હાથની મારામારીના દ્ર્શ્યો પણ જોવા મળ્યા હતા. બાદમાં અન્ય પરપ્રાંતીયો દ્વારા દરમ્યાનગીરી કરી તેમને છૂટા કરતા મામલો થાળે પાડ્યો હતો.