આસો માસની અમાસની રાતને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અને અમાવસ્યા એ કાળરાત્રિ ગણાય છે એવી ઘણાં લોકોના મનમાં ગેરમાન્યતા ઘર કરી ગઈ છે. પરંતુ હકીકતમાં દિવાળી એ અંધકારનું નહીં, પણ પ્રકાશનું પર્વ છે. દિવાળીની રાતે લોકો પોતાનાં ઘરોમાં રોશની, દીવા, મીણબત્તી વિગેરે પ્રગટાવીને દીવાઓની હારમાળાઓ કરે છે એટલે દિવાળીને દીપાવલિ (દીપ + આવલિ) તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં લોકો ઘરોને રંગરોગાન કરાવે છે, ગૃહ સજાવટ કરે છે, ઓટલા ઉપર, ઉંબરામાં કે આંગણમાં રંગોળી કે સાથિયા પૂરવામાં આવે છે, ગૃહિણીઓ સારી સારી વાનગી બનાવે છે.
નાના મોટા સૌ રાતે આતશબાજી અને દારૂખાનું ફોડી આનંદ મનાવે છે. કહેવાય છે કે શ્રી રામે લંકામાં રાવણનો વધ વિજ્યાદસમીના દિવસે કર્યો હતો અને દિવાળીના દિવસે અયોધ્યામાં સીતા માતા તથા લક્ષ્મણ સાથે પગ મૂક્યો હતો, તેથી આ ત્રણેયના આગમનને વધાવવા અયોધ્યાવાસીઓએ સમગ્ર અયોધ્યા નગરી ભવ્ય રીતે શણગારી હતી અને પોતપોતાનાં ઘરોમાં અસંખ્ય દીપ પ્રજ્જવલિત કરીને શ્રીરામનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને ત્યારથી જ દિવાળીના દિવસે દીપ પ્રગટાવવાની પરંપરા અમલમાં આવી હશે એવું માની શકાય. આમ દિવાળી એ અંધકારનું નહીં, પરંતુ પ્રકાશનું પર્વ ગણાય છે.
હાલોલ -યોગેશભાઈ આર. જોશી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.