Charchapatra

દિવાળીનો દરવાજો :’દિવાસો’

અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે.’દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે.દક્ષિણ ગુજરાતનાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે.ચોમાસામાં વાવણી કરવામાં આવે છે.અષાઢ મહિનામાં ખેતર લીલુંછમ થઈ જાય છે.હરિયાળી અમાસ ‘દિવાસા’ના દિવસે ખેતરમાં હરિયાળી જોઇ હળપતિઓ આનંદ વ્યક્ત કરવા તુરી,થાળી,તંબુરો,ભૂંગળ અને ઝારી કાઠી જેવાં વાદ્યો વગાડી ‘ચાળો’નૃત્ય કરે છે અને રંગેચંગે ‘દિવાસા’ ની ઉજવણી કરે છે.તે દિવસે ઢીંગલી ઉત્સવ પણ મનાવે છે.

ઢીંગલી ઢીંગલાનાં લગ્ન કરવામાં આવે છે.ઢીંગલાંનો વરઘોડો કાઢવામાં પણ આવે છે.દક્ષિણ ગુજરાતનાં ગામોમાં દૂધપાક અને માલપુડાનું જમણ કરવામાં આવે.ચોમાસામાં માખીનો ઉપદ્રવ ઘણો હોય છે.લોકવાયકા મુજબ ‘દિવાસા’થી માખીનો ઉપદ્રવ ઓછો થાય છે.સુરતમાં હળપતિ સમાજ દ્વારા તાપીના કિનારા પર ઢીંગલી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.સુરતમાં સગરામપુરા હનુમાન શેરીમાં રોકડિયા હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં લોકમેળો ભરાય છે.સુરતીઓ મોટી સંખ્યામાં મેળાનો આનંદ લે છે.સુરતીઓ ‘દિવાસા’ના દિવસે વેઢમી અને લાપસીનું જમણ કરે છે.’દિવાસા’ના દિવસથી  દિવાળી સુધી શ્રાવણ,ભાદરવો અને આસો મહિનામાં આવતા તહેવારોની શ્રુંખલાની શરૂઆત થાય છે.એટલે ‘દિવાસા’ને ‘દિવાળીનો દરવાજો ‘પણ કહેવામાં આવે છે.
સુરત     – કિરીટ મેઘાવાલા     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top