નવી દિલ્હી: દેશના સૌથી ધનાઢ્ય અબજોપતિઓમાંથી એક અને રેમન્ડ (Raymond) ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા (Gautam Singhania) થોડા દિવસોથી ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં જ તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી (Navaz modi singhania) છૂટાછેડાની (Divorce) જાહેરાત કરી હતી. આ છૂટાછેડા ભારતના સૌથી મોંઘા છૂટાછેડા સાબિત થાય તેમ લાગી રહ્યું છે. કારણકે નવાઝ મોદીએ પતિ ગૌતમ સિંઘાનિયાની સંપત્તિમાંથી 75% હિસ્સાની માંગણી કરી છે.
મળતી માહિતી મુજબ જાણીતા બિઝનેસમેન અને રેમન્ડ ગારમેન્ટ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાએ તેમની પત્ની નવાઝ મોદીથી અલગ થવાની જાહેરાત કરી છે. 58 વર્ષીય સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે તેમણે અને તેમની પત્નીએ અલગ-અલગ રીતે જીવવાનું નક્કી કર્યું છે. સિંઘાનિયાએ ટ્વિટર પર લખ્યું, ‘આ દિવાળી પહેલા જેવી નહીં રહે. હું માનું છું કે નવાઝ અને હું હવેથી અલગ-અલગ રસ્તો અપનાવીશું…’
સમગ્ર મામલે ગૌતમ સિંઘાનિયાએ તેમની 11,620 કરોડની સંપત્તિનો 75 % હિસ્સો તેમની દિકરીઓ અને પત્નીને આપવા માટે સંમતિ વ્યક્ત કરી છે. આ ફંડ ટ્રાન્સફર કરવા માટે તેમણે ફેમિલી ટ્રસ્ટ બનાવવાની વાત કરી હતી. ગૌતમ સિંઘાનિયા પોતાની સંપત્તિ આ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે. આ સિવાય ગૌતમ સિંઘાનિયા ઇચ્છતા હતા કે તેમના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોને મિલકતની વસિયત કરવાની મંજૂરી આપવામાં આવે. જોકે આ મામલે તેમની પત્ની નવાઝ સંમત નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંઘાનિયા અને મોદી વચ્ચે દિવાળી પાર્ટીને લઈને વિવાદની શરૂઆત થઈ હતી. સિંઘાનિયાએ થાણેમાં તેમના ફાર્મ હાઉસ જેકે ગ્રામમાં દીવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં પત્ની નવાઝ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાદમાં નવાઝ મોદીએ દાવો કર્યો હતો કે જ્યારે તે જેકે ગ્રામ પહોંચી ત્યારે તેને પાર્ટીમાં સામેલ થવાથી રોકવામાં આવી હતી.
નવાઝ મોદીએ આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જે હવે વાયરલ થયો છે. વીડિયોમાં નવાઝને એવું કહેતા સાંભળી શકાય છે કે તે જેકે ગ્રામની બહાર ઉભી હતી. તેને અંદર જવાની પણ પરવાનગી નથી.
ગૌતમ સિંઘાનિયાએ વર્ષ 1999માં નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે નવાઝની ઉંમર 29 વર્ષની હતી. લગ્ન પહેલા બંને લગભગ 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. સોલિસિટર નાદર મોદીની દિકરી નવાઝે વકાલતનો અભ્યાસ કર્યો છે અને તેણી જીમ પણ ચલાવે છે. સિંઘાનિયા અને નવાઝને બે દિકરીઓ છે. જેમનું નામ નિહારિકા અને નિસા છે.