સુરત: 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં અલગ-અલગ શહેરોને જળમાર્ગથી જોડવાની મોટી તક છે. જેના પર હાલ ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે. અમુક મહિનાઓ પહેલાજ હજીરાથી ઘોઘા માટે રોપેક્સ સર્વિસની શરૂ કર્યા બાદ બુધવારે હજીરાના એસ્સાર પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝની શરૂઆત કરવામાં આવી છે. 300 લોકોની કેપેસિટી ધરાવતા ક્રૂઝને હજીરાથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા બુધવારે પોણા પાંચ વાગે લીલીઝંડી આપવામાં આવી હતી.
આ અવસરે મનસુખ માંડવિયાએ ક્રુઝનુ મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે ક્રુઝ સેવા શરૂ થતા સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે મુસાફરીની સુવિધા વધશે અને લોકો માટે વિકલ્પો ઉભો થશે. સુરતથી પીપાવાવ,દ્વારાકા,સોમનાથ અને અમરેલીનો ટૂરિઝમ પણ વધશે. હાલ ભલે કોરોનાના લીધે પેસેંજરોની સંખ્યા ઓછી હોય પરંતુ આવનારા દિવસોમાં ટ્રાફિક મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે. માંડવિયાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મુંબઇની કોસ્ટલ લાઇનને સુરત અને સૌરાષ્ટ્રની કોસ્ટલ લાઇન સાથો જોડવા માટેનો પ્રયાસ કરાશે કે જેથી મુંબઇના કોર્પોરેટ કંપનીઓનો ફાયદો સૌરાષ્ટ્ર સુધી પહોંચી શકે. આ સેવાઓ શરૂ કરવા માટે તેમણે પ્રાઇવેટ પ્લેયરોને પણ જોડાવા માટે અપીલ કરી હતી.
આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર,દિવ અને ઉન્નાવ માટે પણ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઉભી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 2014માં ભારતમાં 1.07 લાખ ક્રુઝ પેસેન્જરો હતા. જે 2019-20માં 4.63 લાખ પર પહોંચી છે. મેરિટાઇમ વિઝન 2030 હેઠળ અમારો ઉદ્દેશ્શય દર વર્ષે 350થી વધારે ક્રુઝ શીપ,3000થી વઘારે ક્રુઝ કોલ, 3થી વધારે ક્રુઝ એકેડેમી અને 5 મિલિયન ક્રુઝ પેસેન્જર હાસલ કરવાનો છે. હજીરાને ક્રુઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની સાથે પેસેન્જર ફેરી સર્વિસ પ્રોગ્રેસમાં છે. કુદરતે ભારતને અને ગુજરાતને વિશાળ દરિયા કિનારાની ભેટ આપી છે. ત્યારે આ દરિયામાંથી વિકાસની નવી નવી તકો શોધીને લોકોના ઉપયોગમાં આવે તે માટે સરકાર દ્રઢ નિશ્ચયી છે. અગાઉ રો-રો ફેરી અને રો-પેક્સ બાદ આ એક નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે. જે લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક ની સુવિધા
હઝીરા-દીવ વચ્ચે શરુ થયેલી ક્રૂઝની કેપેસિટી 300 પેસેન્જરની છે. જે હજીરાથી દીવ પહોંચાડવામાં ક્રૂઝને 13થી 14 કલાકનો સમય લાગશે. ક્રૂઝની 900 રૂપિયાની ટિકિટની સાથે ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વીઆઇપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવામાં આવશે. હઝીરા-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝમાં 16 કેબિનો છે, જે મુસાફર એકલા માટે અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે. ક્રૂઝની ઓનલાઇન બુકિંગ સુવિઘા ઉપલબ્ધ છે.કોરોનાની વર્તમાં પરિસ્થિતિમાં તમામ ગાઇડલાઇનનું પાલન કરવામા આવશે. આજે પહેલા દિવસે ક્રૂઝમાં 30 લોકોએ યાત્રા કરી હતી.
મુંબઇ અને ગુજરાતના કેટલા અન્ય રૂટ પણ ક્રુઝ સેવા શરૂ કરવાની વિચારણા
એસ્સાર પોર્ટના ચીફ ઓપરેટિંગ ઓફિસર કેપ્ટન એસ.દાસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય રૂટ પર પણ ક્રુઝ સર્વિસ શરૂ થઇ શકે તેમ છે. જેમ કે મુંબઇ, માંડવી,કચ્છ,અલીબાગ,ઓખા અને ગોવા રૂટ પર ક્રૂઝ સેવા શરૂ થઇ શકે છે. હાલ જે રીતે ક્રૂઝ સેવાઓનો વ્યાપ વઘી રહ્યો છે તે જોતા આ રૂટ પર ક્રૂઝને પેસેંજર મળે તેવી શક્યતાઓ છે.