વડોદરા : રાજ્ય સરકાર દ્વારા બાળકોને સુપોષિત કરવા વિશેષ કાળજી રાખીને શક્તિ વર્ધક બાળ શક્તિફૂડ પેકેટ આંગણવાડી દ્વારા વસાહત વિસ્તારોમાં આપવામાં આવી રહ્યા છે. જેથી ધાત્રી માતા તેમજ નાના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે. ત્યારે આ એક્સપાયરી ડેટ વાળા પેકેટના ઉપયોગથી બાળકની તબિયત લથડતા માતા પિતાએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો. તેમજ વિસ્તારના અન્ય લાભાર્થીઓ ને એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. તંત્રની આ લાપરવાહી બાળકો તેમજ ધાત્રી માતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
વડોદરા જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણ વાડી કેન્દ્રો વિસ્તારમાં સમાવિષ્ટ પ્રસૂતા માતા, ધાત્રી માતા અને બાળકોને આંગણવાડી કેન્દ્રો ઉપર કાર્યકર અને હેલ્પરની ટીમ દ્વારા તેઓના વિસ્તારમાં સમાવિષ્ટ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર માટેના પેકેટ પુરા પાડવામાં આવી રહયા છે. જેથી પ્રસૂતા માતા, ધાત્રી માતા, “કિશોરીઓ “અને ત્રણ વર્ષ સુધીના બાળકો માટે પૌષ્ટિક આહાર તૂરંત બનાવી ખોરાક તરીકે લઈ શકાય તેવા “માતૃ શક્તિ “, “બાલ શક્તિ ” પૂર્ણા શક્તિ, ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે જેથી તેઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે.
પરંતુ વડોદરામાં એક્સપાયરી ડેટ વાળા બાલ શક્તિ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગ વિસ્તારના કાસમાહાલા કબ્રસ્તાન નજીક ઇન્દિરા નગર વસાહતમાં રહેતા મિહિરભાઈ પરમારે જણાવ્યું હતું કે, તાજેતરમાં આંગણવાડી તરફથી બાલબ શક્તિ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. જે ફૂડ પેકેટ મારી બે દીકરીઓને ખવડાવ્યા હતા. ત્યારબાદ મારી દસ વર્ષની દીકરી છેલ્લા દસ દિવસથી દવાખાનાની સારવાર લઈ રહી છે.
રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું બહાર આવતા અમે તપાસ કરતાં આગળવાળી તરફથી બાળકોને આપવામાં આવેલા ફૂડ પેકેટ એક્સપાયરી ડેટ વાળા હોવાની વિગતો સપાટી પર આવી છે. તંત્રની બેદરકારીના કારણે આ પરિસ્થિતિ ઉદભવી હોવાનું અનુમાન છે. આ વિસ્તારમાં 500 જેટલા મકાનોમાં આ ફૂડ પેકેટનું વિતરણ થયું છે. જેથી અન્ય બાળકો ફૂડ પોઇઝનિંગનો ભોગ ના બને તે માટે મીડિયા માધ્યમથી ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.