Madhya Gujarat

ખેડા- માતરના 50થી વધુ ગામોમાં 3000 અનાજની કીટ વિતરણ કરી

ખેડા: ખેડા તાલુકાના હરીયાળા ગામના એક પરિવાર દ્વારા રાંધણછઠ્ઠ નિમિત્તે ખેડા-માતર તાલુકાનાના 50 થી વધુ ગામોની વિધવા મહિલાઓ તેમજ ગરીબ પરિવારોમાં 3000 જેટલી અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.
ખેડા તાલુકાના હરીયાળા ગામમાં રહેતાં ધીરૂભાઈ અમરસિંહ ચાવડા અને તેમના પરિવાર દ્વારા 16 વર્ષ અગાઉ વિધવા મહિલાઓ તેમજ ગરીબ પરિવારોમાં અનાજની કિટનું વિતરણ શરૂ કર્યું હતું. સૌપ્રથમ વર્ષે તેઓએ હરીયાળા ગામમાં 300 કિટનું વિતરણ કર્યું હતું. જે બાદ દર વર્ષે તેઓ કિટની સંખ્યા વધારી રહ્યાં છે. ચાલુ વર્ષે તેઓએ રાંધણછઠ્ઠ નિમિત્તે ખેડા-માતર તાલુકાના 50 ગામોમાં વિધવા મહિલાઓ તેમજ અતિગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોમાં 3000 કિટનું વિતરણ કર્યું છે. આ કીટમાં એક મહિનો ચાલે તેટલું તેલ, મોરસ, ઘઉંનો લોટ, ચોખા, મગદાળ, ગોળ, બેસન, સોજી, મેંદો, હળદર, મરચુ, ગરમ મસાલો, રાઈ, જીરૂ, નાળીયેર, મીઠું, ચા, માચીસ અને અગરબત્તી હોય છે. ચાવડા પરિવારના આ સેવાકાર્યને ખેડા-માતર તાલુકની પ્રજા બિરદાવ્યું છે.

વર્ષમાં ચાર વખત કીટનું વિતરણ કરવામાં આવે છે
ધીરૂભાઈ ચાવડાના નાનાભાઈના અવસાન બાદ તેમના પરિવાર દ્વારા આ સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પરિવાર દ્વારા રાંધણછઠ્ઠ તેમજ દિવાળી સહિત વર્ષમાં કુલ ચાર વખત આ રીતે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દિવાળી વખતે અનાજની કીટની સાથે-સાથે કપડાં તેમજ રોકડ રકમ પણ વિધવા મહિલાઓ અને ગરીબોને આપવામાં આવે છે. આ ઉપરાંત ચાવડા પરિવાર દ્વારા ભજન મંડળની 60 થી 70 મહિલાઓને વર્ષમાં એક વખત અઠવાડિયા-દશ દિવસની ધાર્મિક યાત્રા પણ કરાવવામાં આવે છે.

Most Popular

To Top