દેશના મહાકાય ટાટા ઉદ્યોગ જૂથ પર નિયંત્રણ આડકતરું નિયંત્રણ ધરાવતા ટાટા ટ્રસ્ટમાં ભારે ઝઘડાઓ શરૂ થયા હોવાના અહેવાલો બહાર આવ્યા છે અને આને કારણે આ ઉદ્યોગ સમૂહને કે તેની કંપનીઓને પણ અસર થવાનો ભય સેવાય છે. ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો ધરાવતું ટાટા ટ્રસ્ટ્સ, જે ભારતના સૌથી મૂલ્યવાન ઉદ્યોગ સમૂહ પર નિર્ણાયક પ્રભાવ ધરાવે છે, તે બોર્ડ નિમણૂક અને શાસનના મુદ્દાઓ પર તેના ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક ઝઘડામાં ફસાઈ ગયું છે.
ટ્રસ્ટ્સના બે ઉભા ફાડચા થઇ ગયા હોવાનું કહેવાય છે જેમાં એક ભાગ નોએલ ટાટા સાથે જોડાયેલો છે, જેમને રતન ટાટાના મૃત્યુ પછી ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચાર ટ્રસ્ટીઓના બીજા જૂથનું નેતૃત્વ મેહલી મિસ્ત્રી કરી રહ્યા છે, જેમના શાપૂરજી પલોનજી પરિવાર સાથે સંબંધો છે, જે ટાટા સન્સમાં લગભગ 18.37 ટકા હિસ્સો ધરાવે છે. અહેવાલ મુજબ મેહલીને લાગે છે કે તેમને મુખ્ય બાબતોમાં બાજુ પર કરી દેવામાં આવ્યા છે. રતન ટાટાનું ૯ ઓકટોબર, ૨૦૨૪ના રોજ અવસાન થયું, તેના બરાબર એક વર્ષ જેટલા સમય પછી આ ટાટા ટ્રસ્ટમાંના આ ઝઘડાઓ બહાર આવી રહ્યા છે.
મુખ્ય મુદ્દો ટાટા સન્સમાં બોર્ડ બેઠકો હોવાનું કહેવાય છે, જે 156 વર્ષ જૂના જૂથને નિયંત્રિત કરે છે જે 30 લિસ્ટેડ કંપનીઓ સહિત લગભગ 400 કંપનીઓને નિયંત્રિત કરે છે. આ વિવાદના મૂળ ટાટા ટ્રસ્ટના છ ટ્રસ્ટીઓની બેઠકમાં છે, જે સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને શ્રી રતન ટાટા ટ્રસ્ટ સહિત અનેક ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. 11 સપ્ટેમ્બરના રોજ થયેલી બેઠકમાં ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને ટાટા સન્સ બોર્ડમાં નોમિની ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.
જો કે મેહલી સહિત ચાર ટ્રસ્ટીઓએ આનો વિરોધ કર્યો હતો અને તેથી આ પ્રસ્તાવ પરાસ્ત થયો હતો. ત્યારબાદ મેહલી મિસ્ત્રીને ટાટા સન્સના બોર્ડમાં નિમવાનો પ્રયાસો થયો જેનો નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારથી ઉગ્ર ઝઘડા ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વચ્ચેના આંતરિક ઝઘડાને કારણે 180 અબજ ડોલરથી વધુના આ કંપની સમૂહના કાર્યને અસર થવાનો ભય સર્જાઇ રહ્યો છે, તેથી સરકારનો હસ્તક્ષેપ જરૂરી બની ગયો છે.
બોર્ડ નિમણૂકો અને વહીવટના મુદ્દાઓ પર ટ્રસ્ટીઓ વચ્ચેના ઝઘડા વચ્ચે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન સહિત ટાટા ગ્રુપના ટોચના નેતાઓ મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. બેઠકમાં શું થયું તે તરત જાણી શકાયું ન હતું. પણ ટાટા સન્સના એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે સરકાર આ બાબતમાં હસ્તક્ષેપ કરી શકે છે. મૂળ નવસારીના વતની જમશેદજી તાતાએ શરૂ કરેલ ટાટા જૂથ સમય જતા વટવૃક્ષ બની ગયુ઼ં છે અને આટલા મોટા ઉદ્યોગ જૂથની અસ્થિરતા દેશના અર્થતંત્રને પણ અસર કરી શકે તેથી સરકારી હસ્તક્ષેપ જરૂરી છે.