વડોદરા : સાવલી તાલુકાના સાકરદામાંઆયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી પરંતુ સૂત્રધાર નિતીન કોટવાણીને પોલીસ પકડી શકી ન હતી દરમિયાન વડોદરા પીસીબી પોલીસે બાતમીના આધારે દિવાળી પુરા વિસ્તારમાં વોચ ગોઠવી વેશપલટો કરી ફરતા નિતીન કોટવાણી તથા તૃપ્તિબેન પંચાલને ઝડપી પાડયા હતા થોડા દિવસ પહેલા જ સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં વિદેશી દારૃ બનાવવાની ફેક્ટરી પીસીબી પોલીસે ઝડપી પાડી હતી.
પોલીસે તપાસ દરમિયાન ૧.૦૫ કરોડનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો.પોલીસે આ કેસમાં સાત આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.જેમાં મુખ્ય સૂત્રધાર નીતિન કોટવાણી અગાઉ ગોરવા બી.આઇ.ડી.સી.માં ડૂપ્લિકેટ સેનિટાઇઝર બનાવવાના ગુનામાં પકડાયો હતો.અને જામીન પર મુક્ત થયો હતો જામીન પર છૂટયા પછી આયુર્વેદિક સિરપની આડમાં વિદેશી દારૃ બનાવવાની ફેક્ટરી શરૃ કરી હતી.
નિતીન કોટવાણી છેલ્લા ઘણા સમયથી પોલીસના હંફાવી રહ્યો હતો દરમિયાન પીસીબી પોલીસને બાતમી મળી હતી કે નિતીન કોટવાણી અને તૃપ્તિ બેન પંચાલ વડોદરામાં આવવાના છે જેના આધારે પીસીબી પોલીસની વિવિધ ટીમોએ નિતીનના આશ્રયસ્થાનો સહિત અનેક સ્થળો પર વોચ ગોઠવી હતી ત્યારે દિવાળીપુરા વિસ્તારમાં છુપા વેશે ફરતા નિતીનને પોલીસે ઝડપી પાડ્યો હતો નિતીન કોટવાણી અને તૃપ્તિ બેન પંચાલની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કોરોના ટેસ્ટ બાદ રિમાન્ડની તજવીજ કરશે અને રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો પણ સામે આવે તેમ મનાય છે.
ક્લીન શેવ અને માથે રૂમાલની પછેડી બાંધી નિતિન શહેરના રસ્તા પર નિકળ્યો
આયુર્વેદિક સીરપના ઓથા હેઠળ દારૂ બનાવવાના ગુનામાં સંડોવાયેલ નિતીન કોટવાણી પોલીસથી બચવા વેશ પલટો કરી ફરતો હતો નિતીન પોલીસને ચકમો આપવા જુદા જુદા વેશધારણ કરી જુદી જગ્યાએ છેલ્લા ઘણા દિવસથી ફરતો હોવાનું પણ મનાય છે જોકે પોલીસ પણ સાતિર અપરાધીના અખતરાઓથી વાકેફ હતી એટલે ખૂબ જ સાવચેતી અને કુનેહ વાપરીને છુપા વેશમાં વડોદરાના રસ્તા પર નીકળેલા નિતીન કોટવાણીને દબોચી લીધો હતો નિતીન કોટવાણી પોલીસથી બચવા માટે ક્લીન સેવ કરી માથે મોટો રૂમાલની પછેડી બાંધી દિવાળી પુરાના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો પોલીસે તેને તેની ચાલ અને વાત કરવાની ઢબ પારખી ઝડપી પાડયો હતો આમ પોલીસથી બચવા નિતીનના પેતરા નિષ્ફળ રહ્યા હતા.
ઝોલાછાપ નિતિન કોટવાણી ગોરખધંધાને છૂપાવવામાં પણ પાવરધો છે
આર્યુવેદિક સીરપની આડમાં દારૂ બનાવતી ફેક્ટરીનો સૂત્રધાર નિતીન કોટવાણી અગાઉ ગોરવા બીઆઇડીસીમાં ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવતો હતો ગોરવા બીઆઇડીસીમાં ઘણા સમયથી ની ફેક્ટરી ચાલતી હતી તેમ છતાં કોઇને ગંધ સુદ્ધા આવી ન હતી એવી જ રીતે સાકરદા ગામમાં આયુર્વેદિક દવા ની આડ માં દારૂ બનાવી વેચાણ કરવામાં આવતું હતું પરંતુ કોઈને આ અંગે ખબર સુધ્ધા થઈ ન હતી નિતીન કોટવાણી આણી મંડળી પોતાના ગોરખધંધા ને છુપાવવા અવનવા અખતરા કરતા કરતા હતા દવાની આડમાં દારૂ બને છે તેની શંકા ન જાય તે માટે નિતીન કોટવાણી ચાર અલગ-અલગ નામના રેપર બનાવી દવાની બ્રાન્ડ ઊભી કરી હતી ઉશીર અસાવા,કનક અસાવા, અશ્વ અસાવા અને મેત કવા ના રેપરો બોટલો પર લગાવી તેમાં ભરી વેચવામાં આવતો હતો.
નિતિન આણી મંડળીને રો-મટીરીયલ કોણ આપતું હતું ? કેમિકલ માફિયાઓનું પીઠબળ
સાકરદા ગામમાં દવાની આડમાં ચાલતી દારૂ બનાવવાની ફેક્ટરીના સૂત્રધાર નિતીન કોટવાણીની ધરપકડ બાદ હવે દારૂ બનાવવા માટે રો મટીરીયલ ક્યાંથી કેવી રીતે ને કોણ આપતું હતું તેની તપાસ કરવામાં આવશે તેમજ દારૂ બનાવવાની ફેક્ટરીની જગ્યા અને આ જગ્યા પર ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે સંડોવાયેલ સહ આરોપીઓ પૈકી કોણે મદદ કરી તેની પણ તપાસ થશે જે તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે ડુપ્લીકેટ સેનેટાઈઝર અને આયુર્વેદિક દવાના ઓથા હેઠળ દારૂ બનાવવાના ગોરખ ધંધામાં માસ્ટર માઇન્ડ સૂત્રધાર નિતીન ગોઠવણીને વડોદરા શહેરના કેટલાક જાણીતા કેમિકલ માફિયાઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હોવાનું કહેવાય છે નિતીન ને પૂરતો સપોર્ટ કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે .
કોરોના કાળમાં પણ નિતિને ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવી હાથ કાળા કર્યા હતા
કોરોના કપરા સમયમાં જ્યારે સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને અનેક સેવાભાવી સંસ્થા લોકોને મદદ કર કરતી હતી અને જરૂરિયાતમંદોની સુરક્ષાની ચિંતા કરી માસ્ક, સેનેટાઇઝર સહિત સુરક્ષાના સાધનોનું વિતરણ કરતી હતી તે સમયે ઝોલાછાપ નિતીન કોટવાણી ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો નિતીનની મીથેલોન મીશ્રિત ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી ચાર મહિના જેલમાં વિતાવ્યા હતા એટલે ફાવટ આવી જતા નીતિને ડુપ્લીકેટ સેનેટાઈઝર બાદ આર્યવેદિક દવાની આડ માં દારૂ બનાવવાનો ધંધો પણ શરૂ કરી દીધો હતો જામીન પર છૂટી નિતીન આણી મંડળી પોલીસની આંખમાં ધૂળ નાંખી દારૂ બનાવવામાં સક્રિય રહી હતી નિતીન કોટવાણી ઝડપાતા હવે ભૂતકાળમાં કરેલા કાળા ધંધા પણ સામે આવી શકે છે.