હમણા હમણા વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ક્યાંક સુંદર લીલી હરિયાળી-લીલા છમ વૃક્ષો તો ક્યાંક રસ્તા પર કાદવ-કીચડ અને ખાડાઓ જોવા મળે છે. જો વર્ષાઋતુમાં યોગ્ય કાળજી લેવામાં ન આવે તો અનેક રોગોનું સંક્રમણ થઈ શકે છે. (1) ફ્લ્યુ-શરદી-ખાંસી : વિશેષત: ચોમાસામાં ભીંજાવાથી થાય છે. (2) મચ્છરથી થતા રોગો : ઘરમાં કે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થવાથી મચ્છરોની ઉત્પત્તિ થાય છે. મચ્છરને કારણે મેલેરીઆ, ડેન્ગ્યુ, ચીકનગુનીઆ તથા એન્કેફેલાઈટીસ જેવા રોગો થાય છે.
(3) પાણીથી અને દુષિત ખોરાકને કારણે થતા રોગો : આનાથી ડાયેરીઆ-ગેસ્ટ્રો, મરડો (અમાબીક ડીસેન્ટ્રી), ટાઈફોઈડ, કોલેરા, કમળો (હીપેટાઈટીસ-એ) વગેરે રોગો થાય છે. હમણા સુરતના કેટલાક વિસ્તારોમાં ઝાડા-ઉલટીના ઘણાં દર્દીઓ જોવા મળે છે. (8 બાળકો સહિત 9 જણના મૃત્યુ પણ થયા છે.) (4) અસ્થમાના દર્દીઓને ચોમાસામાં અસ્થમાનો એટેક આવવાની શક્યતા વધુ રહે છે. (5) ચામડીના રોગો : આ ઋતુમાં ફન્ગસ ઈન્ફેક્શન વધુ જોવા મળે છે. વર્ષાઋતુમાં હ્યુમીડીટીને કારણે તેની અસર ચામડી પર થાય છે. (6) રોડ એક્સિડન્ટ : રસ્તા ખાડાવાળા તથા કાદવ-કીચડને કારણે ચીકણા થઈ જવાથી વાહન સ્લીપ થઈ જાય છે. માટે વાહન સાવચેતીથી-ધીરેથી જ ચલાવવું
વર્ષાઋતુમા થતા રોગો અટકાવવા શું કરશો? (1) છત્રી કે રેઈનકોટ વગર બહાર જવુ નહિ (2) ઘરમાં કે ઘરની આજુબાજુ પાણીને જમા થવા દેવુ નહિ (3) દુષિત પાણીનો પીવા તેમજ ખોરાક રાંધવામાં ઉપયોગ કરવો નહિ (4) પાણી ઉકાળીને પીવું શક્ય હોય તો પીવાના પાણીમાં ક્લોરીન ટેબ્લેટ નાખો. (5) રસોડામાં ખોરાકને અને ફળોને હંમેશા ઢાંકેલા રાખો જેથી તેના પર માખી ન બેસે. માખીથી પણ ટાઈફોઈડ, ડાયેરીઆ, કોલેરા જેવા રોગો થાય છે. (6) બહાર હોટેલ કે લારી પરનો ખોરાક ખાશો નહિ
(7) વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપવું. જમતાં પહેલાં અને કુદરતી હાજતે ગયા બાદ હાથ સાબુથી બરાબર ધોવા. વારંવાર હાથ ધોતાં રહેવું જોઈએ. (8) ગરમ પાણીના કોગળા દિવસમાં ત્રણથી ચાર વખત કરવા. (9) લાંબી સ્લીવના કપડા પહેરો બને ત્યાં સુધી કોટનના કપડા પહેરવા (10) અસ્થમાના દર્દીઓને બંધ કમરામાં રાખવાને બદલે વેન્ટીલેશનવાળા રૂમમાં રાખો. (11) તમારુ વાહન ખુબ ધીરેથી ચલાવો. અચાનક બ્રેક ન મારો. વરસાદમાં તમારા વાહનની લાઈટ ચાલુ રાખો. (12) શરદી-ખાંસીમાં કાળા મરી-એલચી-તજ-ખડી સાંકરનો ભૂકો (ચુર્ણ) ઘી-મધ સાથે ચાટવાથી ઘણી રાહત થાય છે. સાથે આડૂ-તૂલસીનો રસ મધ સાથે લેવુ. આવા દેશી ઈલાજો પણ ઘણી રાહત આપે છે.
સુરત – ડૉ.કિરીટ ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.