એક નાની વાર્તા છે ,એક દિવસ હાથીએ નદી માં લાંબો સમય સ્નાન કર્યું ,પાણીમાં મજા કરી એકદમ સાફસુથરો થઈને હાથી પાણીની બહાર આવ્યો અને રસ્તા પર ચાલવા લાગ્યો.ચાલતા ચાલતા એક સાંકડો પુલ આવ્યો. હાથી પુલ પરથી સામે પાર જતો હતો ત્યારે સામેથી એક આખું કાદવથી લથપથ ડુક્કર આવી રહ્યું હતું.હાથીએ સમજદારીથી કામ લીધું તે પુલ પર એકબાજુ પર ખસીને ઉભો રહી ગયો અને ગંદા ડુક્કરને પસાર થઇ જવા દીધું .અને પછી પોતે આગળ ચાલવા લાગ્યો. હાથી ના આવા વર્તનથી ગંદા ડુક્કરમાં અભિમાન આવ્યું. પોતાના સાથી મિત્રો પાસે જઈને તેણે અભિમાનથી કહ્યું,”જોયું હું કેટલો મોટો અને તાકાતવર છું.. કે એક હાથી પણ મારાથી ડરી ગયો ! અને મને જોઈને એક બાજુ ખસીને ઉભો રહી ગયો,અને મને પહેલાં જવા દીધો ….જોઈ મારી તાકાત ..!” ડુક્કર આ વાત આખા જંગલમાં ફેલાવી રહ્યો હતો.હાથીના સાથીઓએ આ વાત સાંભળી અને એટલે હાથીને જઈને પૂછવા લાગ્યા કે,” શું સાચે તું પેલા ગંદા ડુક્કરથી ડરી ગયો હતો?” હાથીએ કહ્યું ,”ના” હાથી ના સાથીઓએ પૂછ્યું,”તો પછી તું એક બાજુ શા માટે ઉભો રહી ગયો હતો ?”
હાથીએ જવાબ આપ્યો કે ,”પરિસ્થિતિ પ્રમાણે ત્યારે એક બાજુ ઉભા રહી જવામાં જ સમજદારી હતી. પુલ સાંકડો હતો,એક જ જણ પસાર થઇ શકે તેમ હતું.આમ તો હું સહેલાઇથી ડુક્કર ને મારા પગ નીચે ચગદીને આગળ વધી શકત.પણ હું નદીમાં નાહીને સાફસુથરો થઈને નીકળ્યો હતો અને ડુક્કર ગંદુ કાદવ થી લથપથ હતું.જો હું તેને મારા પગ હેઠળ ચગદી નાખત તો મારા પગ ગંદા થઈ જાત અને મારે તેવું થવા દેવું ન હતું.એટલે હું એક બાજુ ઉભો રહી ગયો.એમ કરવામાં જ શાણપણ હતુ.” અન્ય હાથીઓ પણ હાથી ની વાત સાથે સહમત થયા. આ વાર્તા પરથી સમજાય છે કે જ્ઞાની સમજદાર વ્યક્તિઓ શા માટે નકારાત્મકતાથી દૂર રહે છે,તેઓ ડર થી દૂર કે ચૂપ રહે છે એવું નથી,પરંતુ તેઓ નિંદા કે ઈર્ષ્યા કે પારકી પંચાત જેવી નકારાત્મકતાથી પોતાના મન ને મગજ ને ગંદુ કરવા ઈચ્છતા નથી.તેઓ પોતાના વર્તન પરથી સમજાવે છે કે દરેક બાબત પર તમારે તમારો અભિપ્રાય કે ખાસ ટીપ્પણી આપવાની જરૂર નથી.સમજદારીથી નકારાત્મકતા, દંભ અભિમાન થી દૂર રહીને જીવનમાં આગળ વધતા રહો
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે