અનેક માણસો ગરીબી, બેકારી, વટ પાડવા, શોખ પોષવા, જીવન નિર્વાહ કરવા ચોરી, બળાત્કાર, ખુન, અણહકનું પચાવી પાડી ગુંદાગર્દી તરફ વળી જેલમાં સજા કાપે છે ને જીંદગી બરબાદ કરે છે ત્યારે તાજેતરમાં લાજપોર જીલ્લા જેલમાં કેદીઓ પણ આધ્યાત્મિક, પ્રેરણાદાયી પ્રવચનો પ.પૂ. લોકસંત મુરારીબાપુ, પૂ. ડોંગરે મહારાજ, સ્વામીનારાયણ, બ્રહ્મકુમારી, દીપકભાઇજી, પદ્મશ્રી ડો. ગુણવંતભાઇ શાહ, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, જૈન મુનિઓ, હિંદુ સંતોના પ્રેરક, મનનીય પ્રવચનો સાંભળવા મળે તે શુભ હેતુસર રેડિયો પ્રિઝન લાઇવ સિસ્ટમનો સૂરત ખાતે પ્રારંભ થયાનું જાણી આનંદની લાગણી અનુભવી.
વર્ષો પહેલાં કિરણ બેદીએ કેદીઓના જીવનને સુધારવા જેલમાં અનેક પ્રખર વકતાઓના પ્રેરક પ્રવચનો ગોઠવેલા, યોગના વર્ગો શરૂ કરી કેદીઓના જીવનમાં નવો જ પ્રાણ ફૂંકેલો થોડા વર્ષો પર લાજપોર જેલના સુધારાવાદી અધિક્ષકે કાદીપોર – નવસારી સ્થિત રાષ્ટ્રપતિચંદ્રક વિજેતા કનુભાઇ સોલંકી (આચાર્ય) ના પ્રેરક, મનનીય, જીવન ઉધ્ધારક પ્રવચનો યોજેલા. હવે તો કેદીઓ જેલમાં રહી ઉચ્ચ પરીક્ષાઓ પણ પાસ કરે છે. આવા સુંદર પ્રયોગોની પહેલ કરવા બદલ જેલ સત્તાવાળાઓને હાર્દિક અભિનંદન.
જહાંગીરપુરા- ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.