AHEMDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના પસંદગીને લઈને કોંગ્રેસમાં ( CONGRESS) ઘમાસાણ શરૂ થયું છે. પરિણામે, વિરોધ અને આક્રોશનો વંટોળ કાર્યકરોમાં ફૂંકાયો છે. આક્રોશને પગલે નારાજ કાર્યકરો પાર્ટી તેમજ સિનિયર આગેવાનો ઉપર બેફામ આક્ષેપોનો મારો કરી રહ્યા છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ( AMIT CHAVDA) મંગળવારે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું હતું કે ટિકિટની લાલસામાં બેફામ આક્ષેપો કરનાર અને પાર્ટી ગરિમા નહીં જાળવનાર કાર્યકર્તાઓ સામે શિસ્ત ભંગના આકરા પગલાં લેવામાં આવશે.
ગઈકાલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલ ( SONAL PATEL) 20 લાખ રૂપિયામાં સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે ( SHAILESH PATEL) ટિકિટ આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. આવા ગંભીર આક્ષેપ કરનારા સોનલ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દરેક કાર્યકરમાં આશા અને અપેક્ષાઓ હોય છે, પરંતુ દરેકની આશા-અપેક્ષા પૂરી કરી શકાતી નથી હોતી. જેને પગલે નારાજગી હોય એ સ્વાભાવિક છે. અમે તેનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ પોતાની નારાજગી તેમજ રજૂઆત કરવાની એક રીત હોય છે. એક પ્લેટફોર્મ હોય છે, અને તેની મર્યાદામાં રહીને રજૂઆત કે વિરોધ વ્યક્ત કરવાનો હોય છે, પરંતુ જે કોઈએ મર્યાદા જાળવી નથી, તેની સામે આકરા પગલા લેવામાં આવશે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના રાજીનામા અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઈમરાનભાઈએ તેમની નારાજગી વ્યક્ત કરી છે. જ્યાં ક્ષતિ હતી તેને સુધારવા માટેની ખાતરી આપવામાં આવી છે. તેમને પાર્ટી સાથે જોડાયેલા રહેવાનું કહેવામાં આવ્યું છે, તેમજ ઈમરાનભાઈ ખેડાવાલાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં ભારે કકળાટ અને વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ કકળાટ અને વિરોધના વંટોળ વચ્ચે મંગળવારે ગુજરાતના નિરીક્ષક તામ્રધ્વજ શાહુ બે દિવસ માટે અમદાવાદની મુલાકાતે દોડી આવ્યા છે. જેમની ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત અનેક સિનિયર આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકરોના આક્ષેપો અને કાર્યકરોની નારાજગી અને આક્ષેપો અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યકરોના આક્ષેપો ખરેખર સાચા છે, કે ખોટા તેની ખરાઈ કરવા માટે પણ કોંગ્રેસના આગેવાનોમાં માંગ ઉઠી હતી. સાથે જ સિનિયર આગેવાનોના વર્તનને કારણે સામાન્ય કાર્યકરોમાં નારાજગી ઊભી થતી હોય છે. આ નારાજગી દૂર કરવા માટેના તમામ પ્રયાસો કરવા માટે બેઠકમાં ચિંતન-મનન કરવામાં આવ્યું હતું.