આખી સૃષ્ટિ પશુ-પંખી, મનુષ્યો તથા નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર છે. માનવસુખ માટે હવા, પાણી, ખોરાકનો પ્રબંધ છે. તમામ સગવડતાઓનો ખપ પૂરતા ઉપયોગમાં સમજદારી છે. સૃષ્ટિની જાળવણી કરવી એ સૌની જવાબદારી છે. સર્જન કરવું જોઈએ, વિસર્જન નહીં. નવવ્યવહારમાં પણ આ સમજદારી રાખવામાં સુખ છે. સ્વાર્થી, અભિમાની વ્યક્તિ સંબંધોમાં મસમોટી ભૂલ કરે છે. નાની વાતો અથવા તો જમીન, ઘર જેવી સંપત્તિની વહેંચણીમાં પોતાનાં સગા ભાઈ- બહેનો સાથે લડી-ઝઘડામાં વ્યવહાર તોડી જીવનભર અબોલા રહી દુઃખી રહે છે. શુભ-અશુભ પ્રસંગોમાં પણ અવરજવર બંધ જ રહે છે. આવા સમયે એવો વિચાર આવે કે પોતીકું કરતાં પારકું સારું. આવી પરિસ્થિતિમાં કોઈ એક પક્ષ પહેલ કરે તો સંબંધરૂપી વૃક્ષ ફરી ખીલીને પાંગરે છે. નૂતન વર્ષે આપણે પહેલ કરીએ તો કેવું? જે ન આવે તેને ઘરે જજો. ન બોલે તેને બોલાવજો.રીસાયેલાને મનાવજો. આ બધું તેમના ભલા ખાતર નહિ પણ તમારા ભલા માટે કરજો. જગત લેણદાર છે, આપણે કરજદાર છીએ. મહાત્મા ગાંધીજીના આ વિચારોનું પાલન કરવાનાં શ્રીગણેશ કરીએ.
નવસારી -કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સમજદારી
By
Posted on