Dakshin Gujarat

વલસાડના બે રેલવે અંડરપાસમાં ગંદકીથી રાહદારીઓ પરેશાન

વલસાડ લીલાપોર વચ્ચે ચાર રેલવે અંડરપાસ છે. જેમાં મોગરાવાડી-છીપવાડના ૩૨૯- ૩૩૦ અંડરપાસમાં ચોમાસામાં પાણી ભરાવાથી અવરજવર અવરોધાય છે. જે પાણીનો નિકાલ કરતી ગટર રસ્તો પહોળો કરતાં સાંકડી થઇ ગઇ છે અને તેમાં ધીમું વહેતુ પાણી ભારે ગંદકી અને દુર્ગંધ ફેલાવી રહ્યું છે. અહીંથી લોકોને ચાલતા પણ જઈ ન શકાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

વલસાડ મોગરાવાડી અંડરપાસ ૩૩૧ અને લીલાપોર વિજલપોર અંડરપાસ ૩૩૩ની હાલત તો ભારે બદતર છે. જે બંને કૈલાસ રોડને અને ગુંદલાવ ચોકડીને સીધા જોડે છે. તેનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. જેઓને હવે ચાલતા પણ જઈ શકાતુ નથી. કેમકે ૩૩૧ અંડરપાસમાં ખાડી વહે છે, જેની પૂર્વમાં છેલ્લા બે વર્ષથી ચેમ્બર ખુલી ગયેલી હોય વલસાડ પાલિકાનું ડ્રેનેજનું તીવ્ર ગંધાતુ પાણી ફેલાઇ રહ્યું છે. જેમાંથી ચાલતા પણ પસાર થઈ શકાતું નથી.

જો પસાર થયા તો નહાવું પડે એવી ખરાબ સ્થિતિ થાય છે. તે જ રીતે લીલાપોર-વેજલપોર અંડરપાસમાં પણ વરસાદી પાણી અને કાદવ કીચડ ભારે પ્રમાણમાં થીજી ગયા હોય ચાલતા જવાની હિંમત કરાતી નથી. લીલાપુર, વેજલપુર, પારડી સાંઢપોરના અનેક રહીશોની ગંભીર સમસ્યા માટે રેલવે તંત્ર વલસાડ નગરપાલિકા અને ગ્રામ પંચાયતો તેમજ ધારાસભ્ય કોઈને પણ પડી નથી. આવી ખરાબ હાલતને લીધે ગુંદલાવ જનારાએ વાયા છીપવાડ કે કુંડી ફાટકના ચકરાવા લેવા પડે છે. રેલવે પાટા ઓળંગીને કેટલાક નજીક રહેનારા ગંભીર જોખમી સાહસ કરી પાટા ઓળંગે છે. જે હવે બમણાં પહોળા થયા છે. ત્યારે સંબધિત વિભાગ હવે જરૂરી કાર્યવાહી કરે તે આવશ્યક છે.

જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગતા લોકો


વલસાડ-લીલાપોર અને વેજલપોર વચ્ચે આવેલા રેલવે અંડરપાસ હાલ ગંદકીથી ખદબદી રહ્યા છે. આ ગામના લોકોનો સીધો વ્યવહાર વલસાડ શહેર સાથે છે. અહીંના ગ્રામજનો રોજેરોજ કામ-ધંધે અને વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વલસાડ આવ-જા કરી રહ્યા છે. આ અંડરપાસમાં હાલ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. જે કાદવ-કીચડમાં થઈને લોકો આવી શકતા નહીં હોવાથી જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગી ક્રોસ કરીને આવી રહ્યા છે. ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે, આ અંડરપાસની ગંદકી વહેલાસર હટાવી દેવાય.

Most Popular

To Top