વડોદરા: બરોડા ડેરીનું સુકાન પુનઃ એકવખત દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાના હાથમાં સોંપવામાં આવ્યું છે. ભાજપમાં ઘર વાપસી કાર્ય બાદ તેઓની ડેરીમાં પણ વાપસી થઇ છે. ભાજપાના જ ધારાસભ્યોના ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પણ ભાજપાએ દિનુમામા ઉપર પુનઃ એકવાર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ડેરીના પ્રમુખની ચૂંટણીમાં સર્વાનુમતે દિનુમામાના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ સતીશ નિશાળિયા દ્વારા તાજેતરમાં રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું.
અગાઉ ડેરીનો વિવાદ વકરતા ભાજપાએ તેઓને જિલ્લા પ્રમુખ ઉપરાંત ડેરીના પ્રમુખની પણ જવાબદારી સોંપી હતી જો કે 8 મહિનાના ટૂંકા ગાળામાં તેઓએ એક વ્યક્તિ એક હોદ્દાનું માં રાખી પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધું હતું. જો કે આ તમામ ભાજપાના પ્રદેશ મોવડી મંડળની જ સ્ક્રીપ્ટ હતી. જેથી ડેરીનો વિવાદ ઠંડો પડી જાય. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા સામે બળવો કરનાર દિનુમામાને પુનઃ એકવાર પક્ષમાં સમાવી લેવામાં આવ્યા હતા. અને ત્યારથી જ ચર્ચા હતી કે ડેરી ઉપર પુનઃ એકવાર દિનુમામાનું વર્ચસ્વ આવશે. ગુરૂવારે સવારે 11 કલાકે પ્રભારી ગોરધન ઝડફિયા ભાજપા તરફથી દિનુમામાના નામનું મેન્ડેટ લઈને આવ્યા હતા. અને ત્યાર બાદ પ્રાંત અધિકારીની હાજરીમાં ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સર્વાનુમતે દિનુમામા ના નામ ઉપર મહોર મારી દેવામાં આવી હતી. આગામી 2 વર્ષ માટે દિનુમામા પ્રમુખ પદ સંભાળશે.
બધા સાથે છે કોઈ વિવાદ નથી હમ સાથ સાથ હૈ : દિનુમામા
પ્રમુખ તરીકેની નિમણુંક બાદ દિનુમામાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોઈ વિવાદ નથી હમ સાથ સાથ હૈ. તેઓએ જણાવ્યું કે, બરોડા ડેરીનું ક્ષેત્ર મારા માટે નવું નથી. વર્ષ 2006 માં ડેરીના ઉપપ્રમુખ તરીકે કામ કર્યું છે. વર્ષ 2014 થી દૂધ સંઘમાં સેવા આપતો આવ્યો છું. 1700 દૂધ ઉત્પાદકો સાથે અમારે ઘરનો નાતો છે. ત્યારે પણ કોઇ દૂધ ઉત્પાદકને અથવા ઉપભોગતાઓ બંનેના હિતને ધ્યાને રાખીને બરોડા ડેરીમાં એક પણ રૂપિયાનું દેવું કર્યા વગર રૂ. 200 કરોડનો પ્રોજેક્ટ બોડેલીમાં કર્યો છે. તેવી જ રીતે સૌની પ્રગતિ કરવામાં આવશે. અને દૂધ ઉત્પાદકોને પણ સાચવી લેવામાં આવશે. વધુમાં દિનુમામાએ જણાવ્યું કે, ગુજરાતમાં 18 સંઘ છે. 18 સંઘ ફેડરેશનના માધ્યમથી ચાલતા આવ્યા છે. આવનાર દિવસોમાં ક્યારે પણ કોઇને અન્યાય નહિ થાય. વર્ષે 10 લાખ લિટર પ્રતિદીન દૂધ આવશે. ત્યાં સુધી કોઇ ડેવલપમેન્ટ કરવાનું બાકી નથી. ગત વર્ષે ઉનાળામાં દૂધની આવક ઘટી હતી. અત્યારે રાજ્યના તમામ સંઘમાં 12 ટકા જેટલા દૂધની આવકમાં વધારો થયો છે.
વિરોધને સમર્થન આપનાર ધર્મેન્દ્રસિંહ મામાને સમર્થન આપવા પહોંચ્યા
બરોડા ડેરીના વહીવટ સામે જયારે કેતન ઇનામદારે તલવાર ખેંચી હતી ત્યારે તેઓ સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાયા હતા. અને તેઓ પણ ડેરા તંબુ બાંધી ધરણા ઉપર ઉતાર્યા હતા. ત્યારે ગુરૂવારે જયારે પુનઃ એકવાર દિનુમામાના નામની જાહેરાત કરવામાં આવી થયારે ધર્મેન્દ્રસિંહે પાટલી બદલી નાખી હતી અને દિનુમામાને સમર્થન આપવા ડેરી ખાતે પહોંચી ગયા હતા.
જિલ્લાના બે ધારાસભ્ય શુભેછા પાઠવવા ન આવ્યા
ડેરીના નવનિયુક્ત પ્રમુખ દિનુમામાને અભિનંદન પાઠવવા માટે જિલ્લાના પાંચ ધારાસભ્યો પૈકી 3 ધારાસભ્યો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વિરોધ નોંધાવ્યો હતો તેવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ આવ્યા ન હતા. તો જિલ્લા ભાજપા પ્રમુખ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ડેરી ખાતે અભિનંદન આપવા પહોંચ્યા હતા.