આજના આ તણાવભર્યા શહેરી જીવનમાં આખા કુટુંબને એક સૂત્ર બાંધી શકે તેવી મહામૂલી જણસ હોય તો તે છે, ‘ડાઇનિંગ ટેબલ’. જુના જમાનામાં જ્યારે ટેબલ પર બેસીને જમવાનો રિવાજ ન હતો ત્યારે મોટે ભાગે સંધ્યાકાળે આખું કુટુંબ સાથે બેસીને જમતું. બબ્બે ત્રણ-ત્રણ પેઢીનાં માણસો સાથે જ બેસતાં. દિવસભરની વાતો થતી અને આખી પ્રક્રિયામાં નાનાં બાળકો આડકતરી રીતે ઘણું બધું શીખતાં. વાતચીત કરવાની કળા, નાના મોટાનો ફરક, માન આપવાની બાબત, કુટુંબના વિવિધ પ્રસંગોની માહિતીની આપ-લે વિગેરે વિગેરે અને વળી કોઈને માટે કંઈક જુદુ બનતું ન હતું. ઘરમાં જે બનતું તે સૌને ખાવાની આદત પણ પડતી અને સૌથી અગત્યની બાબત તો એ બનતી કે એકમેકના જીવનમાં ઝાંખવાના આ રોજબરોજના પ્રસંગને કારણે કરુણા, પ્રેમ, આદર જેવા ગુણો આપોઆપ ખીલતા.
જમવાના સમયે થતી બે પ્રવૃત્તિઓની હું સખત વિરોધી. એક તો ફોન પર વાત અને બીજી વાંચતાં વાંચતાં જમવું તે. આ તે કઈ રીત છે? ટોટલી અનહેલ્ધી એન્ડ એન્ટી સોશ્યલ. સાથે જમવાનો સમય એટલે કુટુંબ સાથે વિતાવવાનો મહામૂલો સમય. ડાઇનિંગ ટેબલમાં પણ ગોળ ટેબલ વધારે ગમે. જાણે લોકશાહી વ્યવસ્થાનો અદભુત નમૂનો. પરંતુ હા, આજે તો કુટુંબો જ કેટલા ઇન-મિન તીન ના બની ગયા છે. આજે તો દોડતાં દોડતાં પડીકાબંધ ખોરાક પેટમાં પધરાવવાનો જે વાયરો વાયો છે તેને કારણે કૌટુંબિક સમૂહ ભોજનની પ્રથા લુપ્ત થતી જાય છે. છતાં પણ Where there is a will there is a way.
સુરત – ડો. પલ્લવી નીતિન વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાયદાના રાજનો રકાસ અને રાજના કાયદાનો વિકાસ
તાજેતરમાં મધ્યપ્રદેશનાં એક મંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમ્યાન પ્રેસ બ્રિફિંગ માટે આવેલા કર્નલ સોફિયા કુરેશી વિરુધ્ધ એક નિમ્ન કક્ષાની અને વાંધાજનક ટિપ્પણી કરતા રાજ્યની હાઇકોર્ટે તેની સ્વતઃ નોંધ લઈ પોલીસને મંત્રીશ્રી સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની તાકિદ કરી. પોલીસે કોર્ટના હુકમને માન આપી ફરિયાદ તો નોંધી પરંતુ મા.કોર્ટના નિરીક્ષણ મુજબ તે નબળી અને અસંતોષકારક હતી. વધુમાં મા. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે રાજ્ય સરકારે કેસને નબળો પાડવા ઘોર છળકપટ કર્યું છે. આમ તો આ ઘટના નાની છે પરંતુ આડકતરી રીતે તે શાસનવ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
સાંપ્રત સમયમાં અનેક કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલી કોઈ રાજકીય કે અન્ય વજનદાર હસ્તિ જો કાયદા/જાહેર હિત વિરૂધ્ધનું વર્તન કે આચરણ કરે તો શાસન દ્વારા કાયદાની વિભાવનાને અવગણી અને જાહેર હિતને તડકે મૂકી તેને યેનકેન પ્રકારેણ બચાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવે છે આને કાયદાના રાજનો રકાસ અને રાજના કાયદાનો વિકાસ નહીં તો બીજું શું કહીશું?
નવસારી – કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.