વડોદરા: ચક્રવાત તાઉતેને પગલે વડોદરામાં કદાચ વધુમાં વધુ 70 થી 80 કિમી ના વેગ થી પવનો ફૂંકાયા અને મધ્યમ વરસાદ થયો હતો. એમાં તો સહુના જીવ પડીકે બંધાયા અને શું થશે ની ફાળ પડી. તેવા સમયે વડોદરાના એક ઇજનેરે મધદરિયે આવેલા નોકરીના સ્થળના તેલ કુંવાના થાળા (પ્લેટફોર્મ) પર સાથીઓ સાથે તાઉતે સાથે મુલાકાતનો અતિ અસાધારણ અનુભવ કર્યો અને આ અનુભવ તેમના પત્ની સાથે જ્યારે શેર કર્યો ત્યારે તેમના પત્ની અનીતાબહેન ખૂબ ગભરાયેલા હતા અને દિલીપભાઈ રસપ્રદ વાર્તાની માફક ઘટનાઓનું વર્ણન કરી રહ્યાં હતાં આ એક અનોખો વિરોધાભાસ હતો.
ઇજનેર દિલીપ સુંદરલાલ શાહે છેલ્લા 17 વર્ષ થી દરિયાની વચ્ચે નોકરી કરવાનો એક ધારો અનુભવ કર્યો છે. નાના મોટા દરિયાઈ તોફાનો તો વારંવાર તેમણે જોયાં છે. પણ આટલા મોટા સ્કેલનું વાવાઝોડું પ્રથમવાર જોયું. આ મારી આખી 37 વર્ષની સર્વિસ કેરિયરનો મોટામાં મોટો અનુભવ હતો.જમીની તેલક્ષેત્રના વિવિધ અનુભવો મારી પાસે છે.તે પછી દરિયામાં કામ કરવાનું આવ્યું.
છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમય થી જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે હું દરિયામાં જ હોઉં એવું બન્યું છે. તાઉ તે સમયની પરિસ્થિત વર્ણવતા એમણે જણાવ્યું કે મધ દરિયે મઘ રાત્રે તેની શરૂઆત થઈ,લગભગ 90 થી 120 નોટિકલ માઈલ એટલે કે અંદાજે 185 થી મહત્તમ 215 કિમી નો વેગ ધરાવતા પવનો ફૂંકાયા.તે સમયે વિઝીબિલિટી લગભગ શૂન્ય થઇ ગઇ હતી.અમારું પ્લેટફોર્મ ખૂબ મજબૂત અને સુરક્ષિત હોવાથી એમ કહો કે ખૂબ રોમાંચ સાથે આ લાઇફ લોંગ એક્ષપિરિયન્સને માણ્યો. તેઓ જ્યાં ફરજ બજાવે છે એ જગ્યા દરિયા કાંઠા થી લગભગ 90 કિમી અરબી સમુદ્રની ગોદમાં આવેલી છે.