સુરત : (Surat) કાપોદ્રામાં (Kapodra) પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં માથાભારે દિપક બારૈયા નામના યુવકની હત્યા (Murder) કરવાના કેસમાં કાપોદ્રા પોલીસે રઘુ ભરવાડ સહિત 4 આરોપીઓને પકડી પાડ્યા હતા. જમીનના ઝઘડાને લઇને આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પૂણાગામ કારગીલ ચોક શ્રીનાથજી સોસાયટીમાં રહેતા માથાભારે દિપક ઉર્ફે દિલીપ ચાવડા ઉફે દિલપો રઘુ બારૈયા અને કાપોદ્રામાં જ માથાભારે રહેતા હરીફ ગેંગના રઘુ ભરવાડની વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં માથાકૂટ થઇ હતી. આ માથાકૂટમાં રઘુ ભરવાડ તેના માણસોને લઇને આવ્યો હતો અને દિલીપની ઉપર તૂટી પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં દિલીપને એક રિક્ષાની પાછળ ફેંકી દેવામાં આવ્યો હતો. દિલીપને ફોરવ્હીલરમાં પ્રાઇવેટ હોસ્પિલ લઇ જવાયો હતો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રઘુ ભરવાડે દિલીપની હત્યા કરીને તેની ગેંગને જ પુરી કરી નાંખી હોવાનું પણ કહેવાય છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસે રઘુ ભરવાડ અને તેની ગેંગના માણસોની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે રઘુ ઉર્ફે રઘુ બુલેટ ઉર્ફે રઘુ ભરવાડ (રહે. યોગીધારા સોસાયટી, ઉત્રાણગામ), રામભાઇ હકાભાઇ માલકીયા (રહે. રામરાજ્ય સોસાયટી, કાપોદ્રા), રાજુ ગભાભાઇ સફાદરા (રહે. સહજાનંદ સોસાયટી, કાપોદ્રા), ભરત ઘુઘાભાઇ જોગરાણા (રહે. સહજાનંદ સોસાયટી, કાપોદ્રા)ની ધરપકડ કરી હોવાની વિગતો મળી હતી.
દિલીપ અને રઘુ વચ્ચે પૂણાગામની જમીનના કબજાને લઈને માથાકૂટ થઇ હતી
સુત્રોના જણાવ્યા મુજબ મૃતક દિલીપ ચાવડા અને હત્યારા રઘુ વચ્ચે આઠેક વર્ષ પહેલા પૂણાગામ રચના સર્કલ પાસે આવેલી કિંમતી જમીનïના કબજા મુદ્દે પણ માથાકૂટ થઇ હોવાની વિગતો મળી છે. આ જગ્યા રઘુ ભરવાડે કબજે કરી હતી. ત્યારે જમીન માલિકે જગ્યા ખાલી કરવા માટે દિલીપને સોપારી આપતા દિલીપે રઘુને જગ્યા ઉપરથી ભગાડી પોતે જ કબજો કરી લીધો હતો. આ ઉપરાંત જમીન માલિક પાસેથી રૂા. 3 કરોડની ખંડણી લઇને કાર ખરીદી હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.
દિલીપ અને રઘુની વચ્ચે અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે
કાપોદ્રા, વરાછા, સરથાણા અને પૂણા સહિતના વિસ્તારોમાં દિલીપ બારૈયા અને રઘુ ભરવાડ પોત-પોતાની અલગ અલગ ગેંગ ચલાવે છે. આ બંને ગેંગ એકબીજાને પાડી દેવા માટેના કાવતરા પણ કરતા હતા. જ્યારે પણ મોકો મળતો હતો ત્યારે બંને ગેંગના માણસો વચ્ચે મોટી માથાકૂટ થતી હતી. ખાસ કરીને જમીનનો કબજો લેવા, રૂપિયાના હવાલામાં તોડ કરવા તેમજ કોઇ નાના-મોટા વેપારીઓને ધમકાવવામાં આ બંને ગેંગનો મુખ્ય રોલ રહેતો હતો. સ્થાનિક વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ વધારવાની માથાકૂટ પણ આ બંને ગેંગ વચ્ચે ચાલતી હતી. દિલીપ અને રઘુની વચ્ચે અનેક ગુનાઓ પણ નોંધાયા હોવાની વિગતો મળી છે.