પોપ આર્ટ કલાત્મક ચળવળ છે. લોકપ્રિય જાહેરાતો, કોમિક પુસ્તકો વગેરેનો સમાવેશ કરીને લલિત કલાની પરંપરાઓની સામે એક નવી રાહ દોરવાનો પ્રયાસ છે. તેને નવાં દ્રશ્યો અને રંગો આપી રહ્યાં છે ફ્રાન્કો-કેમેરોનિયન કલાકાર ફ્રેડ એબામી! કળાનો અર્થ છે ખૂબ જ દુર્લભ, અસાધારણ સિદ્ધિ!નસરળ ભાષામાં કલાકારો એવું સર્જન કરે છે જેની ભાત નવી હોય, તદ્દન અલગ હોય પણ જે ચિત્રો મનમાં ફરતાં હોય તે અસાધારણ ગણાતાં નથી પણ તે જ્યારે અંકિત થઈ ફલિત થાય છે ત્યારે સમજાય છે. અસાધારણ દ્રશ્યો હકીકતમાં મનની કેદમાં જ હોય છે. તેને વાચા આપવાની ચિત્રકળા હવે કોમ્પ્યુટર માઉસ અને સ્ક્રીન પર છવાઈ છે!
ફ્રેડ એબામી સાત વર્ષના હતા ત્યારથી મનની વાતો ચિત્રો દોરી કરતા હતા. ૪૫ વર્ષના એબામી રોજિંદા જીવનને વધુ સુંદર, વધુ રસપ્રદ બનાવી એક અનોખી શૈલીથી પ્રતીકાત્મક બનાવી આશાસ્પદ છબીઓ બનાવે છે. તેમના પોટ્રેટ આઇકોનોગ્રાફી, સિમ્બોલિક પેટર્ન, સ્લોગન અને ક્લાસિક પૉપ આર્ટ ઇમેજરીના અર્થઘટનનું સમૃદ્ધ મિશ્રણ છે. તે આર્ટવર્ક, મુખ્યત્વે કોમ્પ્યુટર પર બનાવે છે જેનો હેતુ પોપ આર્ટને નવી સદીના નવા દૌરમાં લાવવાનો છે.
દરેક સર્જકની સફળતામાં કોઈ રહસ્ય ચોક્કસ હોય છે. ફ્રેડ એબામી પૉપ આર્ટિસ્ટ એન્ડી વોરહોલને મળ્યા. તેમનું કામ જોયું, બારીક અભ્યાસ કર્યો પછી નક્કી કર્યું કે જે કરવું તે પોતાની રીતે નવી રીત શોધીને કરવું. પછી તેમનું સર્જન જમ્પ-સ્ટાર્ટ બટન બન્યું! પરિણામ એ છે કે તેમનાં આર્ટ પ્રદર્શન લંડનમાં ટેટ મોડર્ન, પેરિસમાં શાૅઝલીઝ અને માયામીમાં આર્ટ બેસલમાં થાય છે. હાલમાં તેમનું કાર્ય ફ્રાન્સના બ્રેસ્ટમાં ‘ન્યૂ પીઓપી’ નામના પ્રદર્શનમાં બતાવવામાં આવી રહ્યું છે. ઓનલાઈન તેમનાં ચિત્રો ચર્ચાય છે, સારા ભાવે ખરીદાય છે!
ઈબામી પોતાની જાતને ઈમેજીસ દ્વારા અભિવ્યક્ત કરી રહ્યા છે. જે રંગ અને ડ્રામા તેમણે કોમિક્સ, ફિલ્મ પોસ્ટરો અને પોપ આર્ટમાં જોયા હતા, પ્રભાવિત થયા હતા, આશ્ચર્યચકિત થયા હતા તે તેમણે ફરી જીવંત કર્યા. એમ કહી શકાય કલ્પનાને પાંખો આપી! તેમનું કાર્ય કેમેરોનિયન સંગીતકારો આન્દ્રે-મેરી તાલા અને મનુ દિબાંગો જેવા આફ્રિકન સ્ટાર્સની પણ ઉજવણી કરે છે, ઘણાં પોપ આર્ટ માસ્ટર્સ દ્વારા પસંદ કરાયેલ રંગના બિંદુઓથી બનેલા સરળ, પોઈન્ટલિસ્ટ બેકગ્રાઉન્ડની જગ્યાએ, એબામી ટેક્સટાઈલની પેટર્નનો ઉપયોગ કરે છે. જે તેને આફ્રિકન વારસા સાથે જોડી રાખે છે! એક ગ્રાફિક નવલકથા રજૂ કરવા માટે તૈયાર છે.
કેમેરોનિયન વંશના બાળક તરીકે ફ્રાન્સમાં ઉછર્યા પછી, એબામીએ નોંધ્યું કે પશ્ચિમમાં આફ્રિકાની આસપાસની વાતચીત હંમેશાં નકારાત્મક હતી. કિશોરાવસ્થા દરમિયાન કેમેરૂનના ડુઆલામાં રહ્યા પછી અને પુખ્ત વયે યુરોપમાં પાછા ફર્યા. એબામી ડિજિટલ રીતે કામ કરે છે, તેના કમ્પ્યુટરને પોતાના એક્સટેન્શન તરીકે જુએ છે. આ રીતે કામ કરવાથી તેને સ્ફુરણા થાય છે, પ્રેરણા મળે છે. ફ્રેડ એબામી પોપ આર્ટ પર તેમના સમકાલીન ટેક સાથે આધુનિક આફ્રિકાનું ચિત્રણ કરી રહ્યા છે. એક નવી પેઢી છે જે અદભુત છે! આફ્રિકાની એક સકારાત્મક બાજુ તેમણે બતાવવાની જરૂર છે. તેઓ સુપર છે જે આફ્રિકાની નવી દિશા છે. એક ચિત્રકાર જ પોતાનાં સર્જનથી વ્યથા દેખાડી નવસર્જનનો રસ્તો ખેંચી શકે છે!