ટ્વિટર નામની ચકલી હવે થોડી વધુ પડતી જ ફરફરવા લાગી છે. ચકલી ફરફરે ત્યાં સુધી તો સમજી શકાય તેમ છે પરંતુ તે ભારત જેવા દેશ અને તેના કાયદાને ચાંચ મારવા સુધીની હિંમત કરી શકે તે કોઇ કાળે સહન કરી શકાય નહીં. ટ્વિટર, વોટ્સએપ અને ફેસબુક જેવી વિદેશી સોશિયલ મીડિયા કંપની હવે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ જ ભારતના લોકોને તેના ગુલામ બનાવવા તરફ જઇ રહી છે. વર્ષો પહેલા ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીયોને શારીરિક રીતે ગુલામ બનાવ્યા હતા અને હવે આ વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓ ભારતીયોને માનસિક રીતે ગુલામ બનાવીને ડિજિટલ સામંતવાદ ચલાવી રહી છે. એટલે હવે સમય આવી ગયો છે કે, આવી કંપનીઓને કોરડા મારી મારીને ઉગતા પહેલા જ ડામી દેવી જોઇએ. છેલ્લા ત્રણ મહિનાથી આઇટી કંપનીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
કાયદા મંત્રાલયનું કહેવું છે કે સૌથી પહેલા આ વિદેશી કંપનીઓએ ભારતના નાગરિકોને કોઇ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે તાત્કાલિક દેશમાં જ ફરિયાદ સાંભળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરીને અધિકારીની નિમણૂક કરવી જોઇએ પરંતુ આઇટી કંપનીઓ માની રહી છે કે, અમેરિકામાં જે તેમના ફરિયાદ નિવારણ અધિકારી છે તેની સમક્ષ જ ફરિયાદ થવી જોઇએ. જો કે, આઇટી કંપનીઓ યેન કેન પ્રકારે સરકારના નવા કાયદાઓને માનવાની વાતને ટલ્લે ચઢાવી રહી છે. હવે આ આઇટી કંપનીઓની હિંમત એટલી બધી વધી ગઇ છે કે, તેઓ ભારતમાં બંધારણીય પદ ધરાવતા સન્માનનીય વ્યક્તિઓના વ્યક્તિત્વ સાથે ચેડાં કરતાં પણ અચકાતી નથી. આરએસએસના અગ્રિમ હરોળના નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટરે બ્લુ ટિક બેજ હટાવી દીધો છે. અહીં સુધીની વાત તો સમજી શકાય છે પરંતુ ભારતમાં જે સૌથી વધુ સન્માનીય પદ છે તે પૈકીના એક ઉપરાષ્ટ્રપતિ એટલે કે વૈકેયા નાયડુના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ ટ્વિટર કંપનીએ બ્લુ ટિક બેજ હટાવી દેવાની હિંમત કરી નાંખી છે.
જો કે, ત્યારબાદ વિવાદ થતાં તરત જ ફરી તેમના એકાઉન્ટને બ્લુ ટિક બેજમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. ટ્વિટરને દલીલ કરી હતી કે ઉપરાષ્ટ્રપતિએનું એકાઉન્ટ લાંબા સમયથી નોન યુઝ હતું એટલા માટે તેણે તેમ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પોલિસી અનુસાર, ટ્વિટર ક્યારેય પણ કોઇ વ્યક્તિના બ્લૂ ટિક બેજ હટાવી શકે છે. ટ્વિટર વ્યક્તિની પોઝિશન વિશે ધ્યાન આપતું નથી. બ્લૂ ટિક બેજથી ખબર પડે છે કે એકાઉન્ટ વેરિફાઇડ છે અને સમાજ માટે તે મહત્વપૂર્ણ વ્યક્તિનું એકાઉન્ટ છે. ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇ કરાવવા માટે એકાઉન્ટ એક્ટિવ, વાસ્તવિક અને સમાજ માટે કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિનું હોવું જોઇએ. ટ્વિટર અત્યારે 6 પ્રકારના એકાઉન્ટ છે. તેમાં સરકારી કંપનીઓ, બ્રાન્ડ્સ, એનજીઓ, ન્યૂઝ ચેનલો, પત્રકારો, મનોરંજન અને રમતગમત સાથે સંકળાયેલા લોકો, એક્ટિવિસ્ટ, ઓર્ગેનાઇઝર્સ અને બીજા મહત્વપૂર્ણ લોકોના એકાઉન્ટ સામેલ છે.
ટ્વિટરના અનુસાર કોઇ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ કોઇપણ નોટિસ આપ્યા વિના હટાવી શકાય છે. જો કોઇ એકાઉન્ટના યૂઝરનેમ બદલી શકાય છે અથવા એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે અથવા પછી કોઇ વ્યક્તિ પોતાના પદ પર રહેતો નથી, તેના માટે તેનું એકાઉન્ટ વેરિફાઇ કરવામાં આવે છે તો બ્લૂ ટિક બેજ હટાવી શકાય છે. આ ઉપરાંત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ ત્યારે પણ હટાવી શકાય છે જ્યારે કોઇ વારંવાર ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમાં હિંસા માટે ઉશ્કેરવા, ગાળો ભાંડવી, હિંસાને ગ્લોરિફાઇ કરવી, ફેક ન્યૂઝ ફેલાવવા અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડવું વગેરે સામેલ છે.
એક દલીલ એવી પણ છે કે, જ્યારથી કિસાન આંદોલન શરૂ થયું અને તેમાં ટ્વિટરનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો ત્યાર બાદ સાડા છ વર્ષ પછી જાગેલી સરકારે તેના પર અંકુશો લાવવાની શરૂઆત કરી છે. સરકાર કોઇ પણ કારણસર આવું કરી રહી હોય પરંતુ ભારતમાં બનેલા કાયદાઓનું પાલન તો આ કંપનીઓએ કરવું જ પડે તે વાત પણ હકીકત જ છે.બીજી તરફ વોટ્સએપ પણ તેની પ્રાઇવેટ પોલીસી સ્વિકારવા માટે તેના યુઝર્સને મજબૂર કરી રહી છે. સીધી રીતે તો નહીં પરંતુ આડકતરી રીતે તે ભારતીય યુઝર્સને ધમકી આપી રહી છે અને તેની પ્રાઇવેટ પોલીસી સાથે એગ્રી થવા માટે દબાણ બનાવી રહી છે. જો કે, કેટલાંક પ્રબુદ્ધ નાગરિકો તેના દબાણને વશ થવાના બદલે ટેલિગ્રામ જેવી ભારતીય મેસેજિંગ એપ તરફ વળી રહ્યાં છે.