SURAT

સુરતમાં ડિજીટલ અરેસ્ટનો વધુ એક બનાવ, કૌભાંડીઓએ મોદીના નામનો દુરુપયોગ કરી વૃદ્ધ પાસે કરોડો પડાવ્યા

સુરતઃ ડિજિટલ એરેસ્ટના સમાચારો હાલમાં વાયુ વેગે શહેરમાં પ્રસરી રહ્યા છે, તેમ છતાં દુનિયાથી બેખબર ભોળા કે મૂર્ખા લોકો કરોડો રૂપિયા ચીટરોને ધરી રહ્યાં છે. ડિજિટલ એરેસ્ટના ખેલમાં સિટીલાઇટના વેપારી પાસેથી કંબોડીયાથી મૂળ સુરતના ચીટર એવા પાર્થ ઉર્ફે સંજય પટેલે વીસ કરોડ પડાવ્યા છે. વેપારી ડરી જતા પંદર દિવસ સુધી તેને ડિજિટલ એરેસ્ટ કરીને એનકાઉન્ટર કરવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત નરેશ ગોયલની જેટ એરવેઝના કાળા નાણાંમાં આ વૃદ્ધનુ ઇન્વેસ્ટમેન્ટ હોવાનું જણાવીને તેની પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયા. સત્તાવાર આ આંકડો દોઢ કરોડનો છે. દરમિયાન આ નાણાં વૃદ્ધે બેંકમાં નાંખવા જતા તેને વટાવી જનારા નરેશ નામના આ ગેંગના સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે.

ડિજિટલ એરેસ્ટમાં રૂટીન મોડેસ ઓપરેન્ડીથી માફિયાઓએ સિટીલાઇટના વેપારીને ડરાવી નાંખ્યો
મુંબઈથી ચાઈના મોકલેલા પાર્સલમાંથી 400 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી સાયબર માફિયાઓએ સિટીલાઈટનાં વેપારીના વૃદ્ધ પિતાને 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ દરમિયાન સાયબર માફિયાઓએ વેપારીના પિતાને સીબીઆઈ, ઈડી તેમજ પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી. વૃદ્ધને મની લોન્ડ્રીંગના કેસમાં ફીટ કરવાની ધમકી આપી અલગ અલગ બેંકમાં 1.15 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ આખું કૌભાંડ હવે ચાઇનીઝ ગેંગ સાથે મળીને સુરતનો ચીટર પાર્થ, હવે કંબોડિયાથી સીબીઆઇની ડુપ્લીકેટ ઓફિસ બનાવીને તેમાં ગવર્મેન્ટના સિક્કા સહિત લોગોનો ઉપયોગ કરીને, સામાન્ય લોકોને ડરાવીને કરોડો રૂપિયાનો ખેલ કરી રહ્યો છે. દુબઇ બાદ હવે કંબોડિયા, મ્યાનમારથી કરોડોની છેતરપિંડી ચાલી રહી છે. તેમાં એક વખત ગભરાઇ ગયેલા જે તે વેપારીને ડરાવવા માટે સીબીઆઇના બનાવટી અધિકારી બનીને કરોડો રૂપિયા પડાવાઇ રહ્યા છે.

સુરતના વૃદ્ધને સીબીઆઇના આસીસ્ટન્ટ ડાયરેકટરના નામે એનકાઉન્ટર કરવાની ધમકી આપી
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ પાર્લે પોંઈન્ટ સ્થિત અંબિકા નિકેતન રોડ રૂદ્રાક્ષ કોમ્પલેક્સ પાસે દેવર્ષિ બંગ્લોઝમાં રહેતા 59 વર્ષીય મેહુલ ગોવર્ધનભાઈ રેશમવાલા, રિંગ રોડ સબજેલની સામે પૂજા હાઉસમાં પૂજા એજન્સીસના નામથી એન્જીનિયરીંગ પ્રોડક્ટ્સ વેચવાનો ધંધો કરે છે.

તેમના પિતા ઉપર ગઇ 12 ઓક્ટોબરના રોજ રાત્રે ફોન આવ્યો હતો. ફોન કરનારે તેની ઓળખ DHL કુરીયરના રાહુલકુમાર તરીકે આપી હતી. 6 ઓક્ટોબરના રોજ મુંબઈથી બેઇજિંગ (ચાઈના) મોકલેલા કુરીયર પાર્સલની બેઇજિંગ ડીલીવરી થઈ નથી.

પાર્સલમાંથી લેપટોપ, પાસપોર્ટ્સ, કપડા, બેન્ક ડોક્યુમેન્ટ તથા 400 ગ્રામ એમ.ડી ડ્રગ્સ છે, એવું કહી મુંબઈ પોલીસ રાજેશ પ્રધાન સાથે વાત કરાવતા તેણે ગોવર્ધનભાઈ વસ્તુ અને ડ્રગ્સ ક્યાંથી લાવ્યા છે? એવું કહી અભદ્વ ભાષામાં વાત કરતા તેઓ ગભરાઈ ગયા હતા અને તેમણે રાત્રે બે વાગ્યા છે અને તેઓ સિનિયર સિટીઝન છે તેમજ બીમાર છે તેવો પ્રત્યુત્તર આપ્યો હતો.

ફોન કરનારે આ બાબતે કોઈને વાત કરી તો પરિવારને જેલમાં જવું પડશે તેમ કહી ગોળીથી ઊડાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન સીબીઆઈ આસિસ્ટન્ટ વિનય કુમાર અને પોલીસ અધિકારીઓએ પણ તેમની સાથે અભદ્ર વર્તન કરી ધમકાવ્યા હતા.

સુરતના વેપારીને કહ્યું જેટ એરવેઝના 500 કરોડના કૌભાંડમાં તમારા નાણાં છે
તમારા ખાતામાં મોટા કૌભાંડના પૈસા જમાં થયા છે, જેનું તમે 2 લાખ કમિશન પણ લીધું હોવાની જાણકારી તેમની પાસે હોવાનો દાવો કર્યો હતો. બાદમાં વૃદ્ધને આ બાબત નેશનલ સિક્યોરીટીની હોઈ જેથી તમારે આ બાબતે તમારે અન્ય કોઈ વ્યકિત સાથે ચર્ચા કરવાની નથી. આ વાત તમારે ગુપ્ત રાખવી પડશે. જો તમે કોઈને જાણ કરશો તો તમારા આખા પરીવારને હેરાન થવાનું થશે.

સાયબર માફિયાઓએ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 23 ઓક્ટોબરના રોજ નોટિસ મોકલી હતી અને કેસમાંથી બચવું હોય તો તમામ સિક્યોરીટી ડીપોઝીટ પેટે કોર્ટમાં રૂપિયા ભરવા માટે કહ્યું હતું. ગભરાયેલા ગોવર્ધનભાઈએ પહેલા તબક્કામાં રૂપિયા 75 લાખ અને બીજા તબક્કામાં 40.50 લાખ મળી કુલ 1.15 કરોડ તેમના ખાતામાં આરટીજીએસ મારફતે જમા કરાવ્યા હતા.

ટોળકીએ તેમને ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેકટોરેટના લોગોવાળી બનાવટી સહી સિક્કા સાથેની સ્લીપો મોકલી આપી હતી તેમજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના લોગોવાળો લેટર મોકલી 40 લાખ ભરવા માટે કહ્યું હતું. આ રીતે સાયબર માફિયાઓએ વેપારીના પિતા પાસેથી કુલ 1.15 કરોડ પડાવી લીધા હતા.

સાયબર સેલે વેપારીની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો હતો અને જે તપાસ દરમિયાન 5 લોકોને પકડી પાડ્યા હતા. તપાસ દરમિયાન આ કેસનો સૂત્રધાર પાર્થ ઉર્ફે મોડલ સંજયભાઈ ગોપાણી હોવાનું માલમ પડતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. જે હાલ કંબોડિયા નામના દેશમાં છે.

જેટ એરવેઝના કૌભાંડ઼મા વેપારી સંડોવાયો હોવાનું જણાવીને તેને બનાવટી સીબીઆઇ અધિકારીએ ધમકી આપી
સીબીઆઇનાં ડાયરેક્ટર હોવાની ઓળખ આપી વૃદ્ધને કહ્યું હતું કે તમારા કેસમાં ઘણાં લોકો સંકળાયેલા છે. જેમાં જેટ એરવેઈઝના નરેશ ગોયેલ 536 કરોડનું મની લોન્ડ્રરીંગï કૌભાંડ કર્યું છે, જેમાં બે કરોડના ટ્રાન્જેકશન તમારા બેન્કના ખાતામાં થયા છે અને તેમણે કમિશન પેટે 2 લાખ લીધા છે.

વૃદ્ધ વેપારી ડરી જતા તમામ પ્રોપર્ટીઓ ચીટરોએ પડાવી લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ વટાવ્યું
વેપારી ગભરાઇ જતા આ કેસમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ, એમપી, એમએલએ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંકળયેલા હોઈ શકે છે, એવી ધમકી ઠગબાજે વૃદ્ધને આપી હતી. ત્યારબાદ સીબીઆઇ ડિરેક્ટર પ્રકાશ અગ્રવાલે કેસમાંથી બચવું હોય તો તમારી પાસે જેટલી પ્રોપર્ટી તેમજ પર્સનલ ઇન્ફોર્મેશન છે તે અમારી સાથે શેર કરવી પડશે.

જેથી ગોવર્ધનભાઈએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરેલા શેર, મ્યુચ્યુઅલ ફંડની તમામ વિગતો વિડીયો કોલમાં શેર કરી હતી. ગભરાઇ ગયેલા ગોવર્ધનભાઈએ 16 ઓક્ટોબરના રોજ શેર તથા મ્યુચ્યુઅલ ફંડ વેચી દેતા તેના પૈસા એચડીએફસી બેન્કના ખાતમાં જમા હોવાનું પણ જણાવ્યું હતું.

ગુનામાં પકડાયેલા આરોપીઓ

  • રમેશકુમાર ચનાભાઈ કટારીયા ( ઉં.વ.,34 રહે.શિવ વાટીકા રેસીડેન્સી ગામ માકડા તાલુકો કામરેજ., મુળ રહે.ગીર સોમનાથ )
  • ઉમેશભાઈ કરસનભાઈ જીજાળા (ઉં.,વ.37 રહે.શિવ સમ્રાટ સોસાયટી વલસાણ,મૂળ રહે.,અમરેલી )
  • નરેશકુમાર હિંમતભાઈ સુરાણી (ઉં.વ.33,રહે.વાલક પાટીયા,મૂળ રહે.અમરેલી)
  • રાજેશભાઈ અરજણભાઈ દિહોરા (ઉં.વ.50 રહે.મણિનગર સોસાયટી,કતારગામ મૂળ રહે.,બોટાદ )
  • ગૌરાંગભાઈ હરસુખભાઈ રાખોલીયા( ઉં.વ.,31 રહે. સુકનવેલી રેસીડેન્સી,કઠોદરા,મૂળ રહે.,જુનાગઢ)

આરોપીઓની ઓફિસમાં સર્ચ કરી 15 લાખની મત્તા જપ્ત કરવામાં આવી
વોડાફોન આઈડિયા તથા એરટેલ કંપનીના 28 નંગ સીમકાર્ડ, અલગ અલગ બેંકના 46 નંગ ડેબિટ કાર્ડ, અલગ-અલગ બેંકની 23 નંગ ચેકબુક, રોકડા રૂપિયા 9.50 લાખ અને 4 લાખની કિંમતની એક ફોરવીલર ગાડી, 3 પ્રાઇવેટ કંપની નામોના રબર સ્ટેમ્પ,એક્સિસ બેન્કના એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ 10 નંગ મળી કુલ્લે 15.37 લાખની મત્તા સાયબર સેલ પોલીસે જપ્ત કરી હતી.

નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ પર આરોપીઓ વિરૂદ્ધ 14 દેશમાં ફરિયાદ નોંધાઈ છે
આંધ્રપ્રદેશમાં -5, ઉત્તર પ્રદેશ -4, પંજાબ-3, બિહાર-2, મહારાષ્ટ્ર-2, ગુજરાત-2, હરિયાણા-2, કેરલા -2 ઝારખંડ, નાગાલેન્ડ, કર્ણાટકા, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં 1-1 ગુના, આમ કુલ્લે 14 દેશોમાં 28 ફરિયાદો આરોપીઓ વિરુદ્ધ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ ફરિયાદોમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 16.61 લાખ રૂપિયાની રકમ સાયબર સેલ પોલીસ દ્વારા ફ્રિજ કરવામાં આવી છે. આ ફ્રોડનો આંકડો કરોડો ને આંબવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

આરોપીઓ બેંકમાં ફ્રોડના જમાં પૈસા ઉપાડવા ગયા અને પોલીસે તેમને ઉપાડી લીધા
સાયબર સેલ દ્વારા કેસની તપાસ ચાલુ હતી, તે દરમિયાન ડિજિટલ સાયબર અરેસ્ટ કરતી ગેંગની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે ગેંગના રમેશ અને ઉમેશ કાપોદ્રાની એચડી.એફસી બેન્કમાંથી ફ્રોડના જમાં થયેલા પૈસા 9.50 ઉપાડી નીકળતા હતા અને પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમની સાથે વધુ 3 લોકોને અલગ અલગ જગ્યાએથી પકડી પાડ્યા છે. આ પૈસા પણ સાયબર ફ્રોડના જ હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. પોલીસ હાલ ક્યાંના ફ્રોડના પૈસા છે, તેની તપાસ કરી રહી છે.

ડિજિટલ અરેસ્ટ ગેંગનો મુખ્ય સુત્રધાર પાર્થ કંબોડિયાથી સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યો છે
પોલીસને આ વખતે ડિજિટલ અરેસ્ટ કરવાની ગેંગની સીધી લાઈન કંબોડિયાથી હોવાની પહેલી વખત સફળતા મળી છે. સુરતનો પાર્થ આ ફ્રોડના ધંધામાં 6 મહિનાથી આવ્યો હતો. પાર્થના કહેવાથી નરેશ ફ્રોડના નાણાં લાવવા મૂકવાનું કામ કરતો હતો. નરેશ ફ્રોડના નાણાં ઉપાડી તેને USDTમાં કન્વર્ટ કરી ફરી તે નાણાં પાર્થ કહે ત્યાં મોકલી આપતો હતો. નરેશ આ કામ માટે 2 થી 3 ટકા કમિશન પાર્થ પાસેથી લેતો હતો.

નરેશ બીકોમ ભણેલો હોવાથી ફ્રોડના પૈસા હિસાબ કિતાબ રાખતો હતો
નરેશે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. નરેશ પાર્થના ફ્રોડના નાણાંનો વહીવટ સુરત ખાતેથી કરતો હતો. નરેશ અને રમેશ એકાઉન્ટ હોલ્ડરને મોટા કમિશન આપવાની લાલચ આપી તેમના બેંક ખાતા ભાડે લેતા હતા. બન્ને એકાઉન્ટ ભાડે કે કમિશન પર લઈ તેમના બેંક ખાતા પાર્થને આપી તેનું પણ ઊંચું કમિશન લેતા હતા. રમેશે પોતાનું પણ બેંક ખાતુ કમિશન લઈ પાર્થને આપ્યું છે. નરેશે પણ તેનું ખાતું ભાડે પાર્થને આપ્યું છે. નરેશ પર અગાઉ તેના બેંક ખાતામાં જમાં થયેલા ફ્રોડના પૈસા લઈ મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Most Popular

To Top