National

નાસભાગ બાદ મહાકુંભમાં એન્ટ્રી-એક્ઝિટ માટે અલગ-અલગ રૂટ: વાહનોને એન્ટ્રી નહીં, VVIP પાસ રદ

બુધવારે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ આજે ભીડ ઓછી છે. મેળામાં આવવા-જવા માટેના રૂટ અલગ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મેળા વિસ્તારને સંપૂર્ણ નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે અહીં કોઈ વાહન પ્રવેશશે નહીં. આ ઉપરાંત VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. આ નિયમો 4 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.

આજે બપોરે 12 વાગ્યા સુધી 1.15 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના દિવસે મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં 35 થી 40ના મોત થયા હતા. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 30 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ દરમિયાન 60 લોકો ઘાયલ થયા છે.

નાસભાગને 34 કલાક વીતી ગયા છે. હવે લોકો પોતાના પ્રિયજનોની શોધમાં સંગમ પહોંચી રહ્યા છે. એક યુવકે કહ્યું- નાસભાગ બાદ મારી માતા ગુમ છે. હું દિલ્હીથી આવ્યો છું. હું તેમને શોધી રહ્યો છું, પરંતુ તેઓ હજુ સુધી મળ્યા નથી.

અખિલેશ યાદવે કહ્યું કે હું પીડિતોને મળવા નહીં જઈશ. હું મળવા જઈશ તો ભાજપ મારા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવશે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું- તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બે IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈ
અહીં સરકારે તરત જ બે અધિકારીઓ IAS આશિષ ગોયલ અને ભાનુ ગોસ્વામીને પ્રયાગરાજ ફરજ પર બોલાવાયા છે. આ બંને સનદી અધિકારીઓ 2019 માં કુંભમાં તૈનાત હતા. વ્યવસ્થામાં વધુ સુધારો કરવાના હેતુથી આ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.

નાસભાગ મામલે સુપ્રીમમાં પીટીશન
નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં યુપી સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમોમાં આવી ઘટનાઓ ન બને તે માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.

ન્યાયિક પંચે નાસભાગની તપાસ માટે કામ શરૂ કર્યું
જ્યુડિશિયલ કમિશને મહા કુંભની નાસભાગ પર પોતાનું કામ શરૂ કરી દીધું છે. સમિતિના ત્રણેય સભ્યો 10 જનપથ, લખનૌ ખાતેની તેમની ઓફિસ પહોંચી ગયા છે. તે અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હર્ષ કુમારની આગેવાની હેઠળ છે અને તેમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક વીકે ગુપ્તા અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ડીકે સિંઘનો સમાવેશ થાય છે. કમિશન એક મહિનામાં તેનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે. સીએમ યોગીએ ગઈકાલે મહાકુંભની ઘટનાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી હતી.

મૌની અમાસના દિવસે 8 કરોડ લોકોએ સ્નાન કર્યું
આજે મહાકુંભનો 18મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 27.58 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. ગઈકાલે મૌની અમાવસ્યા (29 જાન્યુઆરી) પર લગભગ આઠ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

24 કલાકમાં રેકોર્ડ 222 ટ્રેન દોડાવાઈ
મહાકુંભમાં મૌની અમાવસ્યાના મહાન તહેવાર નિમિત્તે 24 કલાકમાં પ્રયાગરાજના તમામ રેલવે સ્ટેશનો પરથી રેકોર્ડ 222 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તેમાંથી 104 ટ્રેનો પ્રયાગરાજ જંક્શનથી, 23 પ્રયાગરાજ છિવકીથી, 17 નૈનીથી, 13 સુબેદારગંજથી, 23 પ્રયાગથી, 5 ફાફામૌથી, 9 પ્રયાગરાજ રામબાગથી અને 28 ઝુસીથી ચલાવવામાં આવી હતી.

Most Popular

To Top