આપણે કયા પરિવારમાં જન્મ લેવો, માતાપિતા તરીકે કોને પસંદ કરવા તે આપણા હાથમાં નથી પરંતુ માતાપિતા સાથે આપણો સંબંધ કેવો છે એના પરથી આપણી પર્સનાલિટી અને ભવિષ્ય નક્કી થાય છે. દરેક વ્યકિત અલગ અલગ હોય છે અને એમાં માતા પણ અપવાદરૂપ નથી. આપણા બધાંની પર્સનાલિટીમાં આપણી મમ્મીની ઊંડી છાપ હોય છે. મા સંતાનોને બિનશરતી પ્રેમ કરે છે તો સંતાનોને પણ માતા એટલી જ વહાલી હોય છે. માતા સંતાનનો ઉછેર ખાસ કરીને બેટીની પરવરિશ કઇ રીતે કરે છે અને તેની અસર દીકરીઓ પર શું થાય છે એ જાણવું પણ જરૂરી છે. મા-બેટીના સંબંધો અલગ અલગ હોઇ શકે છે. કેટલાંક વચ્ચે બે બહેનો જેવો તો કટલાંક વચ્ચે બે સખીઓ જેવો તો કેટલાંક હંમેશાં લડતાંઝઘડતાં જ જોવા મળે. આ સંબંધો વ્યકિતએ વ્યકિતએ જુદા હોય છે. પરંતુ આપણે સૌએ આપણી આસપાસ કયારેક ને કયારેક તો આ અવનવા સંબંધો જોયા જ હોય છે. મા-દીકરીના સંબંધો પર એક નજર નાખીએ.
સિસ્ટર્સ
આ કેસમાં મા-બેટીનો સંબંધ બરાબરીનો હોય છે. આ બંનેને જોઇને લાગે કે એ બંને માદીકરી નહીં પરંતુ બે બહેનો જ છે. મોટા ભાગે કેટલીક માતાઓ પોતાની પુત્રી સાથે બહેન જેવો સંબંધ રાખવા માંગે છે કારણ કે એ માતૃત્વની અસલી ભાવનાને અવોઇડ કરે છે. આ સંબંધમાં ક્યારેક રોલ બદલાઇ પણ જાય છે એટલે કે કયારેક બેટી સપોર્ટીવ રોલમાં આવી માની પણ મા બની જાય છે. એ વધારે જવાબદાર, કેરીંગ બની મમ્મીનું ધ્યાન રાખે છે અને પેરેન્ટ જેવી જવાબદારી નિભાવે છે.
બેટી પર શું અસર થાય છે?
જે છોકરીઓની માએ એને હંમેશાં બહેન જેવી માની અને એનો એ જ રીતે ઉછેર કર્યો હોય એ બહુ રિસ્પોન્સીબલ અને લીડર બની જાય છે પરંતુ સાથેસાથે એ હંમેશાં નિગ્લેકટેડ અને પ્રેમની કમી મહેસૂસ કરી શકે છે અને એને હંમેશા રિજેકશનનો ડર લાગે છે.
બેસ્ટ ફ્રેન્ડઝ
દોસ્તીનો સંબંધ હંમેશાં ભરોસા અને વિશ્વાસ પર બંધાયેલો હોય છે અને માતા એ પહેલી વ્યકિત છે જેની પાસે દીકરી પોતાના વિચારો અને સમસ્યા લઇને જાય છે. આ માતા તેની પુત્રીના જીવન સાથે હંમેશાં જોડાયેલી રહી એને સપોર્ટ કરે છે. આ સંબંધમાં માને ખબર હોય છે કે કયા સમયે શું કહેવું જોઇએ અને કયારે એની લાડલીને એણે એકલી મૂકવી જોઇએ. બેસ્ટ ફ્રેન્ડઝની જેમ આ સંબંધમાં મા અને દીકરી બંને એકબીજાના સારા મિત્ર, સલાહકાર, શોપિંગ પાર્ટનર અને ત્યાં સુધી કે પાર્ટનર ઇન ક્રાઇમ પણ હોય છે.
બેટી પર શું અસર થાય છે?
જે છોકરીઓની માતાઓ બાળપણથી જ એને માટે બેસ્ટ ફ્રેન્ડ હોય છે તે મુશ્કેલીઓનો સામનો કરતા અને જોખમો લેતા ગભરાતી નથી કારણ કે તેને નાનપણથી જ બહુ પ્રેમ અને વિશ્વાસ મળ્યા હોય છે. એને રીજેકશનનો કયારેય ડર લાગતો નથી. કોઇ પણ પડકારનો સામનો કરી તેમાંથી બહાર નીકળવા એ સક્ષમ હોય છે.
અજનબી
જો એક દીકરી તરીકે તમે તમારી મમ્મીને તમારી જિંદગીથી દૂર રાખવા ઇચ્છતાં હો અને તમારી કોઇ પણ પર્સનલ વાત એની સાથે શેર કરવા ઇચ્છતાં ન હો તો એનો અર્થ એ જ કે તમારો અને તમારી મમ્મીનો સંબંધ અજનબી જેવો છે. આ સંબંધમાં મા દીકરી એકબીજાની જિંદગીમાં ઇમોશનલી ઇન્વોલ્વ થતા નથી. આ સંબંધમાં પુત્રી માતાને પોતાની ભાવનાઓ, વિચાર, ઇમોશન્સ અને સમસ્યાઓ નિખાલસતાથી કહી શકતી નથી. આ સંબંધમાં એવું લાગે છે કે માદીકરી એકબીજાને પૂરાં જાણતાં પણ નથી.
બેટી પર શું અસર થાય છે?
જે બાળપણથી જ પેરેન્ટસ સાથે વધારે અટેચમેન્ટ મહેસૂસ કરતા નથી એમણે આગળ જતાં ડિપ્રેશન, એન્ગઝાઇટી અને આત્મવિશ્વાસમાં ઊણપનો સામનો કરવો પડે છે. આવી યુવતીઓની લવ લાઇફમાં પણ સમસ્યા થઇ શકે છે અને એ ફ્રસ્ટ્રેટેડ રહે છે. આવી દીકરીઓ મોટી થઇને રીસ્પોન્સિબલ અને ઇન્ડિપેન્ડન્ટ બને છે. એનું કારણ એ હોઇ શકે કે બાળપણથી જ એણે ઇમોશનલ સમસ્યાઓનો સામનો એકલાએ જ કર્યો હોય.
સ્ટ્રિકટ મોમ
આ સંબંધમાં માને બેટીને કંટ્રોલ કરવાની અને નાની નાની બાબતો માટે માઇક્રોમેનેજ કરવાની આદત હોય છે. એ એની દીકરીને કોઇ ચોઇસ આપતી નથી. એના વિચારો કે અભિપ્રાયને પણ માન આપતી નથી. એ ડિમાન્ડિંગ પણ બહુ હોય છે અને હંમેશાં કહેતી રહે છે કે એ જે કંઇ કરે છે એ દીકરીના ભલા માટે જ કરે છે. છેલ્લે દીકરી ખુલ્લો અથવા શાંત બળવો કરે છે.
બેટી પર શું અસર થાય છે?
આવી દીકરીઓમાં સેલ્ફ એસ્ટીમ બહુ ઓછો હોય છે અને એ પૂરો કરવા માટે એ દરેક નાનીમોટી બાબતોમાં બગાવત કરતી જોવા મળે છે. આવી પુત્રીઓને નિયમો તોડવામાં આનંદ આવે છે કારણ કે બાળપણથી જ તેઓ સ્ટ્રિકટ વાતાવરણમાં ઉછરી હોય છે. આવી છોકરીઓ ડિપ્રેશનમાં હોવાનું પણ જોવા મળે છે. પોઝિટિવ બાબત એ છે કે આવી છોકરીઓ તેમના સંબંધોમાં જવાબદાર અને કમીટેડ હોય છે.
ચિયર લીડર
આ સંબંધમાં મા પોતાની દીકરીની સૌથી મોટી ચિયર લીડર હોય છે અને એ ઇચ્છે છે કે એને બેટી જિંદગીમાં બહુ સફળતા મેળવે. આ મમ્મીઓ તેની દીકરીની જિંદગી સાથે સંકળાયેલી રહેવા અને એના જીવનનો એક ભાગ બનવા ઇચ્છે છે. તેઓ વચ્ચે કોઇ સીમા બાંધવા નથી ઇચ્છતી ને એનો પક્ષ કદી છોડતી નથી. એવું કહેવાય છે કે જે મમ્મીઓ પોતાની જિંદગીમાં ઘણું કરવા ઇચ્છતી હતી પરંતુ કરી નથી શકી એ પોતાની દીકરી દ્વારા એ સપનાં સાકાર કરવા ઇચ્છે છે એટલે આવી મમ્મીઓ બહુ સપોર્ટિવ હોવાની સાથે સાથે ડિમાન્ડિંગ પણ હોય છે. ઘણી વાર તો એવું લાગે કે એને દીકરીના સપનાં કરતાં પોતાના સપનાં પૂરાં કરવાનું ઝનૂન વધુ હોય છે.
બેટી પર શું અસર થાય છે?
જો તમારો ઉછેર આવી માતા પાસે થયો હોય તો તમારામાં આત્મવિશ્વાસની ઊણપ હોઇ શકે છે. આવી દીકરીઓ કાયમ કોઇક ને કોઇક પર આધાર રાખે છે અને જાતે કોઇ નિર્ણય લઇ શકતી નથી.