Columns

CBDC (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) અને UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) વચ્ચેનો ફરક

ભારતના બેન્કિંગ ક્ષેત્રના ઇતિહાસમાં તા. ૧ ડિસેમ્બર, ૨૦૨૨ યાદગાર બની રહેશે, કારણ કે આ દિવસે ભારતની રિઝર્વ બેન્ક દ્વારા પ્રાયોગિક ધોરણે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) બહાર પાડવામાં આવી હતી, જે ભવિષ્યમાં પેપર કરન્સીનું સ્થાન ગ્રહણ કરીને આપણા જીવનમાંથી કાગળની ચલણી નોટોની સંપૂર્ણપણે બાદબાકી કરવાની ક્ષમતા ધરાવે છે. આજથી આશરે ૧૦૦ વર્ષ પહેલાં બ્રિટીશ સરકારે ચાંદીના સિક્કાને બદલે કાગળના રૂપિયાની નોટો બહાર પાડી તે પણ બેન્કિંગ સેક્ટરની મોટી ક્રાંતિ હતી.

૧૯૩૫માં ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના કરવામાં આવી તે પછી ભારતમાં કાગળની ચલણી નોટો બહાર પાડવાની મોનોપોલી કેવળ ભારતીય રિઝર્વ બેન્કને જ સોંપવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂપમાં કરવામાં આવી હતી. તેના શેરો પણ બહાર પાડવામાં આવ્યા હતા. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી તે પછી કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્કના બધા શેરો ખરીદી લેતાં તેની માલિકી ભારત સરકારના હાથમાં આવી ગઈ હતી. રિઝર્વ બેન્ક આજે પણ પ્રાઇવેટ કોર્પોરેશન છે, પણ તેની માલિકી ભારત સરકારની હોવાથી તે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ જ કાર્ય કરે છે.

૧૯૩૫ના રિઝર્વ બેન્ક એક્ટ મુજબ ભારતીય રિઝર્વ બેન્કને કોઈ પણ જાતની મર્યાદા વગર ચલણી નોટો બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે, જેનું પરિણામ આપણે મોંઘવારી અને ફુગાવાના સ્વરૂપમાં ભોગવી રહ્યા છીએ. બજેટમાં સરકારની આવક અને જાવક વચ્ચે જે તફાવત હોય છે તે રૂપિયા રિઝર્વ બેન્ક ભારત સરકારને પ્રિન્ટિંગ પ્રેસમાં છાપીને આપે છે અને સરકાર તેનો ઉપયોગ ખર્ચા કરવા માટે કરે છે. આ કારણે બજારમાં ચલણી નોટોનો પુરવઠો વધતો જાય છે તેમ રૂપિયાની કિંમત ઘટતી જાય છે અને મોંઘવારી વધતી જાય છે. હવે રિઝર્વ બેન્ક CBDC બહાર પાડશે તેમાં રૂપિયા છાપ્યા વિના પણ સરકાર તેના વડે બેહિસાબ ખર્ચાઓ કરી શકશે.

ભારતમાં CBDC ને પ્રાયોગિક ધોરણે લોન્ચ કરતી વખતે સરકાર દ્વારા બહુ સૂચક નિવેદન કરવામાં આવ્યું છે કે બેન્કોને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ગ્રાહક ડિજિટલ કરન્સી વડે ૫૦,૦૦૦ રૂપિયા સુધીની લેવડદેવડ કરે તો તેની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવાની જરૂર નથી. આ નિવેદન કરવા પાછળનો હેતુ એ છે કે સરકાર રોકડ રકમ દ્વારા કરવામાં આવતા નાના-નાના વ્યવહારો ડિજિટલ કરન્સી દ્વારા કરવામાં આવે તેવું ચાહે છે. ચલણી નોટો એક વખત પ્રજાના હાથમાં આવી ગઈ તે પછી તે કોના હાથમાંથી કોના હાથમાં જાય છે, તેનો ટ્રેક રાખવાનું કોઈ સાધન રિઝર્વ બેન્કના કે સરકારના હાથમાં નથી.

આ કારણે કાગળની ચલણી નોટોનો સૌથી વધુ ઉપયોગ બે નંબરના સોદાઓ માટે અને લાંચરૂશ્વત માટે થાય છે. સરકાર ભલે કહે કે ડિજિટલ કરન્સીમાં ૫૦,૦૦૦ રૂપિયા સુધીના વ્યવહારોની જાણ ઇન્કમ ટેક્સને કરવામાં નહીં આવે; પણ જો રિઝર્વ બેન્ક ધારે તો એક-એક ડિજિટલ રૂપિયાને ટ્રેક કરી શકે તેવી સગવડ તેને પેદા કરનારી બ્લોકચેઇન ટેક્નોલોજીમાં કરવામાં આવી છે. વળી ડિજિટલ કરન્સીમાં કરવામાં આવતા ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના વહેવારો તો આપોઆપ સરકારી સંસ્થાઓની જાણમાં આવી જવાના છે.

આ કારણે જો લોકો રોકડને બદલે ડિજિટલ મની વાપરવા લાગશે તો તેમની ગુપ્તતા ઉપર તરાપ આવશે. ૨૦૧૬માં ભારતમાં નોટબંધી કરવામાં આવી તે પછી સરકાર દ્વારા કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેને કારણે આપણા રોજબરોજના વહેવારોમાં પણ યુપીઆઈ, પેટીએમ, ગૂગલ પે, ભીમ વગેરેનો વ્યાપ વધી ગયો છે. ઘણાં લોકોને સવાલ થતો હશે કે અત્યારે તેઓ મોબાઇલના માધ્યમથી જે ચૂકવણી કરે છે તે ડિજિટલ મની જ છે ને? તો પછી આ ડિજિટલ મની અને CBDC વચ્ચે શું ફરક છે? તેનો જવાબ એ છે કે હાલમાં લોકો દ્વારા જે ડિજિટલ પેમેન્ટ કરવામાં આવે છે તે કાગળની નોટોની ડિજિટલ ચૂકવણી છે, પણ તે ડિજિટલ મની નથી.

આ સિસ્ટમમાં આપણાં બેન્કનાં ખાતાંમાં રહેલા કાગળના રૂપિયા ઇન્ટરનેટના માધ્યમથી બીજાં બેન્કનાં ખાતાંમાં ટ્રાન્સફર થાય છે. આ પેમેન્ટ બે બેન્કો વચ્ચેનું પેમેન્ટ છે. યુપીઆઈ વગેરે બે બેન્કો વચ્ચે કડી બનવાનું કામ કરે છે. CBDC માં કોમર્શિયલ બેન્કોની બાદબાકી થઈ જાય છે. તમામ ડિજિટલ કરન્સી રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવશે અને તેના દ્વારા જ વિતરિત કરવામાં આવશે. જે લોકો ડિજિટલ કરન્સી રાખવા માગતા હોય તેમનું ખાતું રિઝર્વ બેન્કમાં જ ખોલવાનું રહેશે. ડિજિટલ કરન્સી રિઝર્વ બેન્કનાં એક ખાતાંમાથી બીજાં ખાતાંમાં જાશે તો લાંબા ગાળે તમામ બેન્કોને તાળાં લાગી જશે.

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા CBDC બહાર પાડી દેવામાં આવી છે ત્યારે તમને ચારે તરફ મીડિયામાં તેના ફાયદાઓ જ બતાડવામાં આવશે, પણ તેના ગેરફાયદાઓ કોઈ કહેશે નહીં. અહીં CBDC ને કારણે પ્રજાની સ્વતંત્રતા કેવી રીતે ઝૂંટવાઈ જશે? તેની યાદી આપવામાં આવી છે. (૧) ૨૦૧૬ની નોટબંધી નિષ્ફળ ગઈ હતી, કારણ કે ત્યારે સરકાર પાસે CBDC જેવું હથિયાર નહોતું, જેને કારણે જૂની નોટો બદલી કરીને નવી નોટો આપવી પડી હતી. હવે પછી સરકાર દ્વારા જ્યારે પણ નોટબંધી કરવામાં આવશે ત્યારે તમામ ચલણી નોટોને નાબૂદ કરવામાં આવશે અને તેની સામે લોકોના ખાતાંમાં તેટલી રકમની CBDC જમા કરી દેવામાં આવશે.

(૨) જો આપણી પાસેની તમામ મૂડી આપણને બેન્કમાં જમા કરવાની ફરજ પાડવામાં આવશે તો સરકાર હકીકતમાં તેની માલિક બની જશે. આપણે સરકારની મરજી વગર તેનો ઉપયોગ કરી નહીં શકીએ. ધારો કે આપણાં ખાતાંમાં કરોડ રૂપિયા હોય અને આપણે સરકારની કોઈ નીતિનો વિરોધ કરીએ તો આપણને સમાજકંટક ઠરાવીને સરકાર આપણું ખાતું બ્લોક કરાવી શકશે. ત્યાર બાદ આપણે આપણી માલિકીનો એક રૂપિયો પણ વાપરી નહીં શકીએ.

(૩) અત્યારે સરકાર દ્વારા જેમ વિપક્ષી નેતાઓને પરેશાન કરવા માટે સીબીઆઈ, ઇડી, આઈબી, આઇટી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ CBDC ચલણમાં આવ્યા પછી રિઝર્વ બેંકનો ઉપયોગ પણ વિરોધના અવાજને ગૂંગળાવી દેવા માટે કરવામાં આવશે. જો સરકાર સામે કોઈ આંદોલન કરશે તો આંદોલનકારી નેતાઓનાં ખાતાં બ્લોક કરી દેવામાં આવશે. જો તેમના મિત્રો તેમને આર્થિક મદદ કરશે તો તેની પણ જાણ સરકારને થઈ જશે. તેમનાં ખાતાં પણ બ્લોક થઈ જશે. CBDC ને કારણે સરકારને સરમુખત્યાર બની જવું હશે તો તમામ સગવડ મળી રહેશે.

(૪) અત્યારે આપણી પાસેના રૂપિયાના આપણે માલિક છીએ. તે રૂપિયા વડે આપણે જે ખરીદવું હોય તે ખરીદી શકીએ છીએ. સરકાર તેમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. CBDC આવ્યા પછી આપણી મરજી મુજબ રૂપિયા ખર્ચવાની સ્વતંત્રતા ઝૂંટવાઈ જશે. જો સરકાર નક્કી કરે કે ડિજિટલ મની વડે આપણે સોનું ન ખરીદી શકીએ, તો આપણે સોનું ખરીદી નહીં શકીએ. (૫) અત્યારે સરકારે આપણી પાસે ટેક્સ માગવો પડે છે. જો આપણે ટેક્સ ભરીએ તો સરકારની તિજોરીમાં આવક થાય છે. આપણા બધા જ રૂપિયાનું રૂપાંતર CBDC માં થઈ ગયા પછી સરકાર તેમાંથી પોતાનો હિસ્સો લઈ લેશે તો તેને આપણને પૂછવાની પણ જરૂર પડશે નહીં.

Most Popular

To Top