વલસાડ: (Valsad) વલસાડ હાઈવે પર ડિઝલનો (Diesel) કાળો કારોબાર કરી રહેલા લોકો વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. રાજ પુરોહીત ઢાબાની બાજુમાં 50 લીટર ડીઝલ, કાર અને અન્ય સામાન મળી કુલ રૂ.2.6 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જ્યારે ચીખલીના આલીપોરમાંથી કેમિકલ, બેરલ સહિતનો 20800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વલસાડ રૂરલ પોલીસની ટીમ ગુના સંબંધિત અને હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લઈ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસને ખાનગી રાહે એક બાતમી મળી કે, વલસાડના નેહા 48 પર રાજપુરોહીત ઢાબા નામની હોટલમાં હોટલનો મેનેજર બીલ વગર શૌચાલયની બાજુમાં રાખવામાં આવેલા કેરબામાંથી સસ્તા ભાવે ડીઝલનું વેચાણ કરી રહ્યો છે. જે પ્રમાણેની બાતમી પોલીસને મળતા પોલીસની એક ટીમ સ્થળ ઉપર જઈ તપાસ કરતાં રાજપૂરોહીત ઢાબા બહાર એક કાર ઉભેલી હતી. જેમાં ડીઝલ મળી આવ્યું હતું. કાર ચાલક અને ઢાબાના માલિક પાસે બીલ અને જરૂરી કાગળોની માંગ કરતા તેમની પાસેથી કોઈ પ્રત્યૂત્તર મળ્યો ન હતો.
પોલીસે ઢાબાના 44 વર્ષિય મેનેજર સાવળાજી રાજપુરોહીત અને ડીઝલ ખરીદનાર કારમાં બેસેલો ગ્રાહક નવસારીનો 21 વર્ષિય ગણેશ ગંગારામ જાટ અને 32 વર્ષિય માનારામ ચોલારામ જાટની ખોટી રીતે ડીઝલ ખરીદ કરવાના અને મેનેજરને ખોટી રીતે વેચાણ કરવા બદલ ધરપકડ કરી 50 લીટર ડીઝલનો જથ્થો, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 2.6 લાખનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચીખલીના આલીપોરમાંથી કેમિકલ, બેરલ સહિતનો મુદ્દામાલ ઝડપાયો, એક વોન્ટેડ
ઘેજ: ચીખલીના આલીપોરમાંથી કેમિકલ, બેરલ સહિતનો 20800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ આલીપોરના વોઝરી ફળિયામાં પ્રકાશ માંગીલાલ ખટીક સુરત હજીરાથી ટેન્કરોમાં ભરી આવતું કેમિકલ ડ્રાઇવર ક્લીનરને લાલચ આપી પોતાના આર્થિક ફાયદા માટે કઢાવી અલગ અલગ બેરલમાં ભરતો હોવાની માહિતીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી બેન્ઝીન નામનું 40 લીટર પ્રવાહી તથા નાના મોટા 50 કેરબા મળી કુલ રૂપિયા 20800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રકાશ માંગીલાલ ખટીક ( રહે. આલીપોર વાંઝરી ફળિયા તા. ચીખલી) સામે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઇ જી.એસ. પટેલ કરી રહ્યા છે.