Dakshin Gujarat

ભરૂચમાં પ્લોટ ભાડે રાખીને બાયો ડીઝલ બનાવવાનો ભાંડો ફૂટ્યો, સંચાલકની ધરપકડ

ભરૂચ GIDCમાં શેડ ભાડે રાખી રાજકોટ અને સુરતના ભેજાબાજ દ્વારા લાઈટ ડીઝલ ઓઇલ મંગાવી ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે જોખમી રીતે ચાલતા બાયો ડીઝલ બનાવવાના ગેરકાયદે વેપલાનો SOGએ પર્દાફાશ કરી 1 સંચાલક સાથે 24000 લીટરનો જથ્થો, ટેન્કર સહિત કુલ ₹28 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ભરૂચ જિલ્લામાં પણ ગેરકાયદે બાયોડીઝલ પંપોની ઠેર ઠેર જોખમી હાટડીઓ રાતોરાત કમાઈ લેવાની હોડમાં ધમધમી ઊઠી છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભરૂચ જીઆઇડીસીમાંથી બાયો ડીઝલ બનાવતું ગેરકાયદે અને જોખમી કારખાનું જ પકડી પાડતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ જી.આઇ.ડી.સી.માં આર.કે. સ્ટીલ નામની કંપનીનો પ્લોટ નં.21 ભાડે રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા રાજકોટથી લાઈટ ડીઝલ ઓઈલ નામનું પ્રવાહી લાવી ગેરકાયદે સંગ્રહ કરાતો હતો. જેનું પ્રોસેસિંગ કરી તેને બાયો ડીઝલ તરીકે બજારમાં છૂટક સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે SOGએ દરોડો પાડતાં સ્થળ પરથી એક ટેન્કર ટેન્કર નં.(GJ-12-AT-8560) જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ખાલી કરતાં ઝડપાયું હતું. શેડમાં તપાસ કરતાં ફાયર સેફ્ટીનાં સાધનો વગર આ જોખમી ગોરખ કારોબાર ધમધમાવવામાં આવતો હોવાની હકીકત ખૂલી હતી.

અન્યના જીવ જોખમમાં મુકાય તે રીતે બાયો ડીઝલના આ બેનંબરી વેપલામાં રાજકોટના વજુભાઈ નાનજીભાઈ ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એકતા એન્ટરપ્રાઇઝના માલિક મુનાફભાઈ રહિમભાઈ મેમણ (રહે.,સુરત)ને વોન્ટેડ જાહેર કરાયા
હતા. સ્થળ પરથી કુલ 24,000 લીટર જ્વનલશીલ પ્રવાહી જેની કિંમત 13,02,270 તથા ટેન્કર કિંમત 15,00,000 મળીને કુલ 28,02,270ના મુદ્દામાલનો કબજો કર્યો હતો.

Most Popular

To Top